ઉપવાસ કરો, પણ સ્વાસ્થ્યનો પણ વિચાર કરજો…

શ્રાવણ મહિનો એટલે હિંદુ માન્યતા મુજબ ભોળાનાથ મહાદેવને રીઝવવાનો મહિનો. કલ્યાણકારી એવા બ્રહ્માંડના સર્જક, રક્ષક તેમ જ વિનાશક એવા શંકર ભગવાનની આરાધના-ઉપાસના સાથે ઉપવાસ કે એકટાણાં કરવાનો મહિનો. આપણી આ માન્યતા આપણા પૂર્વજો દ્વારા બંધાઈ છે, જેમાં ઈશ્ર્વરની પૂજા-ભક્તિ સાથે ઉપવાસ તેમ જ એકટાણાં અર્થાત્ ભૂખ પર સંયમ રાખવા પર પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનું આધ્યાત્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. એ રીતે આ સીઝનમાં ઉપવાસ આપણા માટે હિતકારક છે.

ઘણા સંતો-મહંતો પણ સારા આયુષ્ય માટે તેમ જ સ્વાસ્થ્ય સુખાકારી માટે ઉપવાસ અથવા એકટાણાં કરવાનું સૂચવતા હોય છે. મહાત્મા ગાંધીજી પણ ઉપવાસનું મહત્ત્વ સમજાવતા. એ પોતે અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનું સૂચવતા અને પોતે પણ નિયમિત ઉપવાસ કરતા. આમ તો માણસ પોતાની ઈચ્છા મુજબ વર્ષના કોઈ પણ દહાડે ઉપવાસ કરી શકે અથવા તો દિવસમાં એક જ ટંક ભોજન લે. જો કે ચોમાસા દરમિયાન ઉપવાસ કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.

શ્રાવણ મહિનો એ વરસાદનો મહિનો છે. આ સીઝન દરમિયાન ભેજયુક્ત વાતાવરણને કારણે પાચન મંદ પડતું હોય છે આથી હળવો આહાર અથવા તો મર્યાદિત આહાર પેટને હલકું રાખવામાં મદદ કરે છે, પાચનને લગતી તકલીફ થતાં રોકે છે અને શરીરને સ્ફૂર્તિલું રાખે છે આથી જ આ ગાળા દરમિયાન પચવામાં બને એટલો હળવો આહાર લેવો જોઈએ.

ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે એવી એક ધાર્મિક માન્યતા છે. આ બાબત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ છે. ઉપવાસથી આપણે ડિટોક્સિફાઈ થઈ શકીએ છીએ એટલે કે ઉપવાસ દ્વારા આપણા શરીરમાં રહેલા ટોક્સિક પદાર્થોનો નાશ થાય છે અને આપણે શુદ્ધ  થઈએ છીએ. ઉપવાસથી શરીરનું તાપમાન અને સંતુલન જળવાઈ રહે છે. આ સીઝનમાં પાણીને લગતા રોગો તેમ જ દૂષિત હવાને કારણે ફેલાતા રોગોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે ઉપવાસ કે નિયંત્રિત આહારનું સેવન આપણને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થશે.

નિયંત્રિત આહાર એ હૃદયને લગતા રોગોને પણ અમુક હદ સુધી કાબૂમાં રાખી શકે છે. ઉપવાસ અથવા નિયંત્રિત માત્રામાં લેવાયેલો સારો આહાર બ્લડ પ્રેશર સંતુલિત રાખવાનો અને કૉલેસ્ટરોલ અને ટ્રાઈગ્લિસરાઈડ ઘટાડવાનો પણ કારગત ઈલાજ છે. ઉપવાસ ચોક્કસપણે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થશે જ. જો કે એ ત્યારે જ બની શકે જ્યારે તમે જે આહાર લઈ રહ્યા છો એ કેટલો હેલ્ધી છે એનું પણ ધ્યાન રાખવામાં આવે. મોટા ભાગે ઉપવાસમાં લેવાતો આહાર વધુ કાર્બોહાઈડ્રેટ તેમ જ ફૅટવાળો હોય છે, જેને કારણે વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.

આજકાલ તો જેવો શ્રાવણ મહિનો શરૂ થાય એની સાથે રેસ્ટોરાંમાં ફરાળી વાનગીનું લિસ્ટ તૈયાર થઈ જાય છે. ફરાળી પૂરી, શાક, ખીચડી, વગેરે તો હવે તદ્દન સામાન્ય થઈ ગયાં છે. હવે તો ફરાળી પિઝા, બર્ગર, સૅન્ડવિચ, ઢોસા, ઢોકળાં જેવી ૧૦૦થી પણ વધુ ફરાળી વાનગી હોટેલમાં કે ફરસાણ-મીઠાઈ વેચતી દુકાનોમાં ઉપલબ્ધ છે. ફરાળી રોટલી માટેનો લોટ પણ તૈયાર મળે છે. કોઈ વડીલને રાજગરો પચતો ન હોય તો આવી ફરાળી લોટની રોટલી લઈ શકે. જો કે આવા ખાદ્યોના ઉપયોગ દ્વારા ખરેખર જે ઉપવાસનું કારણ કે મહત્ત્વ છે એ જ ઓગળી જાય છે. આ સીઝનમાં આવાં નવા પ્રકારનાં ધાન્યોનો ઉપયોગ પાચનને વધુ બગાડવાનું કાર્ય જ કરશે ને? આ પ્રકારના રોજ નવીન ફરાળનો ઉપયોગ કરવા કરતાં તો તમે નિયમિત જે ભોજન લઈ રહ્યા છો એનો ઉપયોગ જ યોગ્ય છે.

હવે પ્રશ્ર્ન એ છે કે ઉપવાસ એ આ સીઝનમાં હેલ્ધી વિકલ્પ છે અને અમુક ફરાળી વાનગી ક્યારેક વજન વધારે છે, તો ઉપવાસ કઈ રીતે કરવો?

શ્રાવણ મહિનામાં તમે તમારો નિયમિત આહાર નિયંત્રિત માત્રામાં લઈ રહ્યા છો તો તમારે વેફર, કાતરી, પેટિસ, ફરાળી ચેવડો, વગેરે ફરાળી વાનગી આરોગવાની જરૂર નથી. અગર તમારે ખરેખર ઉપવાસ જ કરવો હોય તો મોરૈયો, સાબુદાણાની ખીચડી, ફ્રૂટ જ્યુસ, પ્લમ, પેરુ, સફરજન જેવાં સીઝનલ ફ્રૂટ, દૂધ તેમ જ દૂધની બનાવટોનો ઉપયોગ ફરાળમાં કરવો. સૌથી સારો વિકલ્પ છે કે તમે ફક્ત એક ટાઈમ નિયંત્રિત ભોજન લો અને બાકીનો એક ટાઈમ ફક્ત ફ્રૂટ કે દૂધ કે દૂધની બનાવટોનો ઉપયોગ કરો. એ સાથે સવારના સમયે થોડો સૂકો મેવો પણ લઈ શકાય.

આખા દિવસ દરમિયાન ફક્ત પ્રવાહી તેમ જ ફળનો ઉપયોગ એ જ ખરેખર તો સાચો ઉપવાસ છે, જેના દ્વારા તમે તમારું બૉડી ડિટોક્સ કરી શકશો.

જૈન સમાજમાં જે ઉપવાસની પદ્ધતિ છે એ જ ખરેખર તો સાચો ઉપવાસ છે. ઉપવાસમાં ખાસ એ પણ ધ્યાન રાખવું કે એટલા લાંબા સમય સુધી ભૂખ્યું પણ ના રહેવું, જેને કારણે તમારું સ્વાસ્થ્ય જોખમાય. ડાયાબિટીસના પેશન્ટ હો તો અને અત્યંત આકરા ઉપવાસ કરશો તો સુગર ઘટવાના ચાન્સ રહેશે. ડાયાબિટીસમાં ફરાળી વાનગી દ્વારા પણ સુગર વધી શકે છે આથી એમને ઉપવાસ ન કરવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત, જેમને બીજી કોઈ શારીરિક તકલીફ હોય એમણે પણ જરૂર વગર ભૂખ્યા ન રહેવું હિતાવહ છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)