સુખાસન મુદ્રા: પલાંઠી વાળીને જમવાના ફાયદા સમજવા જેવા છે

ભારતીય પરંપરા આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. એ આપણી ધાર્મિક પરંપરા હોય કે પછી આપણી આહારપદ્ધતિ. પ્રયાગરાજમાં મહા કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે, જે આધ્યાત્મિક રીતે હિંદુઓ માટેનો ઉત્સવ છે. જો કે હિંદુઓ ઉપરાંત અનેક દેશમાંથી ઘણા બિન-હિંદુ મહેમાનો પણ કુંભમાં ભાગ લેવા આવ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતીય પરંપરાથી અનેક વિદેશી-વિધર્મીઓ પણ આકર્ષાઈ રહ્યા છે.

આહાર એટલે કે આપણી ખાણી-પીણીની વાત કરીએ તો, ભારતીય ભોજનપદ્ધતિ પણ અન્યથી અલગ જ તરી આવે એવી છે, જેમાં પ્રથાની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે, પરંતુ અત્યારે આપણે એને ભૂલી રહ્યાં છીએ.

એક સમયે, જ્યારે ડાઈનિંગ ટેબલ નહોતાં ત્યારે ઘરના તમામ સભ્યો નીચે જમીન પર પલાંઠી વાળીને બેસીને જમતા. મહેમાન આવે ત્યારે પણ એમને આસન પર બેસાડી, પાટલા પર થાળી મૂકીને જમાડવામાં આવતા. અત્યારે કોઈ પ્રસંગોપાત લંચ કે ડિનર હોય તો એમાં બુફે જ રાખવામાં આવે છે. અલબત્ત, હજી અમુક ઘરોમાં ડાઈનિંગ ટેબલ હોવા છતાં નીચે બેસીને જમવાની આદત છે. આ આદત અથવા તો આપણી ભારતીય ભોજનપદ્ધતિ કેટલી ફાયદેમંદ છે એનો આપણને ભાગ્યે જ ખયાલ હશે.

ભારતીય ભોજનપદ્ધતિ એટલે કે નીચે બેસી, પલાંઠી મારીને જમવું. પલાંઠી વાળીને બેસવાને યોગની ભાષામાં સુખાસન મુદ્રા  કહેવામાં આવે છે. ઘણાં સંશોધનમાં બહાર આવ્યું છે કે સુખાસન મુદ્રામાં બેસીને જમવાથી પાચનશક્તિ સુધરે છે. પગ વાળીને બેસવાથી તમારા પેટનો ભાગ સીધો રહે છે. એ પછી જેટલી વાર માણસ કોળિયો લેવા નીચે નમે ત્યારે પાચનને લગતા સ્નાયુઓ કાર્યરત થાય છે અને એનાથી ખોરાક પચાવવામાં મદદ મળે છે.

નીચે બેસીને ભોજન ગ્રહણ કરવા સમયે માણસનું મન કુદરતી રીતે શાંત બને છે અને એનું ધ્યાન આહાર પર કેન્દ્રિત થાય છે. મન શાંત હોય તો ભોજનની વિવિધ સામગ્રી સ્વીકારવા માટે તમારું શરીર તૈયાર થાય છે. એનાથી પાચનમાં પણ મદદ મળે છે. વળી, ચમચી-કાંટાને બદલે હાથથી જમીએ તો ખાદ્ય પદાર્થોની સુગંધ અને એનો સ્પર્શ પણ આવકાર્ય બને છે.

ઘરના સભ્યો જેટલી ચૅર અગર ડાઈનિંગ ટેબલ સાથે ન હોય તો એવા સમયે વારાફરતી જમવા બેસવું પડે છે. સુખાસનમાં પરિવારના દરેક મેમ્બર એકસાથે નીચે બેસી જમી શકે છે. એનાથી ઘરના સભ્યો વચ્ચે આત્મીયતા વિકસે છે.

ફિઝિકલ સ્ટ્રક્ચર સુધારવા માટે પણ સુખાસન ઉપકારક છે, કારણ કે શરીરનો સારો બાંધો એ ફક્ત સારા દેખાવ માટે નહીં, પરંતુ ભવિષ્યમાં થતા સ્નાયુઓના દુખાવાને રોકવા માટે પણ જરૂરી છે. જ્યારે તમે નીચે, જમીન પર બેસો છો ત્યારે તમારું શરીર જાતે જ એને અનુરૂપ સ્થિતિમાં આવી જાય છે. કમર સીધી થઈ જાય છે અને ખભાનો ભાગ થોડો પાછળના ભાગ તરફ જાય છે અને વ્યવસ્થિત બને છે.

લાંબું જીવન જીવવા માટે પણ નીચે બેસવું લાભદાયી છે… આ શબ્દો કદાચ વધુપડતા લાગતા હશે, પરંતુ યુરોપિયન જરનલ ઑફ કાર્ડિયોલૉજીના એક અભ્યાસ મુજબ પદ્માસન અથવા સુખાસનમાં બેઠા બાદ કોઈ પણ ટેકા વગર અગર ઊભા થઈ શકાય તો તમારું શરીર ફ્લેક્સિબલ છે એવું ગણી શકાય. આ અભ્યાસના તારણ મુજબ આવી ફ્લેક્સિબિલિટીવાળી વ્યક્તિ બીજા લોકો કરતાં લાંબું આયુષ્ય ભોગવી શકે છે.

યોગા ફૉર હીલિંગ  નામની બુકના લેખક પી.એસ. વેન્કટેશ્ર્વરના જણાવ્યા મુજબ, સુખાસન અથવા તો પદ્માસન આખા શરીર માટે ફાયદાકારક છે. નીચે બેસીને ઊભા થવાની પ્રક્રિયા દ્વારા તમારા સાંધાને અને સ્નાયુને કસરત મળે છે, જેની મદદથી ભવિષ્યમાં ડિજનરેટિવ ડિસીઝ (જેવા કે આર્થરાઈટિસ અને ઑસ્ટિયોપોરોસિસ) થવાની શક્યતા ઘટે છે.

તમે કદાચ એક વાત ધ્યાનમાં લીધી હશે કે જ્યારે ભોજન ગ્રહણ કરવામાં આવે ત્યારે તમે થોડા હૂંફાળા બનો છો અથવા તો શરીર ગરમ થાય છે. એનું કારણ એ છે કે આહાર લઈએ ત્યારે પેટને ડાઈજેશન માટે શક્તિ એટલે કે ઊર્જાની જરૂર પડે છે. પાચન માટે એક મહત્ત્વનું પાસું રક્ત પરિભ્રમણ છે. જ્યારે તમે જમો છો ત્યારે હૃદયને પણ ભાર આવે છે, કારણ કે પાચન માટે રક્ત પરિભ્રમણ વધારવું પડે છે. આ પરિભ્રમણ તમે ખુરસી પર બેઠા છો તો પગ સુધી પહોંચતાં વધુ સ્ટ્રેસ લાગે છે. જ્યારે પગ (પલાંઠી) વાળીને બેસવામાં આવે તો રક્ત પરિભ્રમણ પણ સહેલાઈથી થઈ શકે છે. આમ હૃદયનો ભાર હળવો કરવા માટે પણ નીચે બેસીને જમવું હિતાવહ છે.

ઔર એક મહત્ત્વની વાત: સુખાસન તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)