તમે શું ખાવ છો એની તમને ખબર છે?

સપ્ટેમ્બરનો આખો મહિનો કેન્દ્ર સરકાર તરફથી નૅશનલ ન્યુટ્રિશન મન્થ  અથવા તો પોષણ માહ  તરીકે ઊજવવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય દેખીતી રીતે જ લોકોને સમતોલ આહાર એટલે કે બૅલેન્સ્ડ ડાયટનું મહત્ત્વ તેમ જ એનાથી થતા ફાયદા વિશેની જાણકારી આપવાનો છે. આ મહિનાની ઉજવણીની શરૂઆત 1982માં સરકાર દ્વારા કરવામાં આવી હતી.

1980માં સૌપ્રથમ માલન્યુટ્રિશન એટલે કે કુપોષણને અટકાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગર્ભવતી સ્ત્રીઓને પોષણ વિશેની માહિતી આપવા ઉપરાંત એમને દવા તથા પોષક આહાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી, જે યોજના સરકારી રુગ્ણાલયો તથા આરોગ્ય કેન્દ્રોમાં હજી ચાલે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકના જન્મ પછી એટલે કે કુલ આશરે 1000 દિવસ સુધી માતા અને બાળકને સારું પોષણ મળી રહે એ માટે સરકાર દ્વારા પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. ન્યુટ્રિશન રિહેબિલેશન સેન્ટર  (એનઆરસી) અને ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ  (આઈસીડીએસ)ની નાનામાં નાના ગામમાં સુદ્ધાં શરૂઆત થઈ, જે અંતર્ગત નવજાત શિશુથી માંડી પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખીને એમનું વજન વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, જેથી એ સ્વસ્થ જીવન જીવી શકે.

આ તો થઈ સરકારી યોજનાની વાત. હવે તો ન્યુટ્રિશન મન્થમાં અલગ અલગ હૉસ્પિટલમાં તેમ જ અનેક સંસ્થા દ્વારા ન્યુટ્રિશન અવેરનેસને લગતા પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી સમાજ પૌષ્ટિક ખોરાક લેવા માટે જાગ્રત થાય. વર્ષ 2024ની ન્યુટ્રિશન મન્થનો થીમ (વિષય) છે: બિયોન્ડ ધ ટેબલ.

આ વખતે થીમના મુસદ્દામાં કેટલાંક મહત્ત્વનાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે, જેમ કે ખેતરમાં ધાન્ય કઈ રીતે ઊગે ત્યારથી લઈને એ ખોરાક બને છે ત્યાં સુધીની પ્રોસેસ, જુદી જુદી વનસ્પતિનું મહત્ત્વ, એના ઉત્પાદનની પ્રક્રિયા, એનું ડિસ્ટ્રિબ્યુશન, અલગ અલગ ખાદ્ય પદાર્થ કેટલા સમય સુધી ખાવાલાયક હોય છે, ખેતરમાં ખેડૂતો દ્વારા અનાજ કે વનસ્પતિને કઈ રીતે ઉગાડાય છે અને માર્કેટ સુધી તેમ જ ત્યાંથી છૂટક અનાજ તેમ જ કરિયાણાની દુકાન સુધી પહોંચતાં લાગતા સમય અંગેની જાણકારી અને ત્યાર બાદ ઘરે લાવ્યા પછી પણ અનાજ, કરિયાણું, શાકભાજી, ફ્રૂટ, વગેરે જેવી રોજબરોજની સામગ્રીઓને સ્ટોર કઈ રીતે કરવી? તેમ જ ખાદ્યોનો બગાડ કઈ રીતે અટકાવવો આ પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વર્ષનો થીમ નક્કી કરવામાં આવ્યો છે.

ફાર્મિંગનું પ્રાથમિક જ્ઞાન મેળવવાથી આપણે જે આહાર લઈ રહ્યાં છીએ એનું મહત્ત્વ સમજી શકીએ અને જે-તે આહાર કયા કયા સ્ટેજને પસાર કર્યા બાદ આપણે આરોગી રહ્યાં છીએ એની સમજ પણ કેળવી શકીએ એ આ વખતના થીમનો ઉદ્દેશ્ય છે. સાથે સાથે ઘરની બહાર અગર થોડી જગ્યા હોય તો કિચન ગાર્ડન જેવી સકારાત્મક પ્રવૃત્તિ દ્વારા ઑર્ગેનિક શાકભાજી અને ફળ મેળવી શકીએ. અમુક શાકભાજી તો તમે મોટા કુંડામાં પણ વાવી શકો છો, જેના દ્વારા શુદ્ધ અને કેમિકલયુક્ત દવા-ખાતર વગરનાં શાક અથવા ફ્રૂટ મેળવી શકશો. ફાર્મિંગ અથવા કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિ દ્વારા તમે જે કોઈ વનસ્પતિ ઉગાડો છો તો એના પ્રત્યે તમને મમત્વ બંધાય છે અને એ સાત્ત્વિક હોવાને કારણે એનો ઉપયોગ શરીર માટે ઉપકારક રહેશે.

પોષણ માટેનું માર્ગદર્શન માત્ર ગરીબ કે પછાત વર્ગો માટે જ નથી, પરંતુ સમાજના તમામ વર્ગે એ વિશે સતર્ક થવાની જરૂર છે. ગરીબો તેમ જ પછાત વર્ગના લોકો પોષણ મળે એટલા પૂરતો આહાર પણ લઈ શકતા નથી એ કારણે પણ એમને આ સમજણ આપવી જરૂરી છે, જ્યારે બીજા બધા વર્ગોમાં આહારની ખોટી આદતોને કારણે કુપોષણ, એનિમિયા, ઓવરવેઈટ, લો ઈમ્યુનિટી જેવી સમસ્યા નજરે પડે છે.

આપણા દેશમાં એનિમિયા એ સ્વાસ્થ્યને લગતી સૌથી મોટી, સૌથી વધુ લોકોને કનડતી સમસ્યા છે. આ સમસ્યા સમાજના દરેક વર્ગમાં છે. નાનાં બાળકોમાં તો આ પ્રમાણ 67 ટકા જેટલું ઊંચું છે. કિશોરીઓ (એડોલેસન્ટ ગર્લ)માં આ પ્રમાણ 59 ટકા છે તો સરેરાશ બાવન ટકા સગર્ભા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે, જેનું મુખ્ય કારણ પોષણ અંગેનું અજ્ઞાન છે. તાજાં લીલાં શાકભાજી અને ફળો તથા ગોળ, તલ, બાજરો, બીટરૂટ, પૌંઆ, વગેરે પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો એનિમિયાને અમુક હદ સુધી અટકાવી શકાય છે. આ ખાદ્ય પદાર્થો આસાનીથી મળી રહે છે અને બધાંને પરવડે એવા જ વિકલ્પ છે. જો કે એના મહત્ત્વ વિશેની સભાનતા ન હોવાને કારણે અથવા તો અસ્વીકાર્ય હોવાને કારણે એનો ઉપયોગ થતો નથી. બાળકો, કિશોરીઓ તેમ જ સ્ત્રીઓ એનું મહત્ત્વ સમજે અને એમાંથી સ્વીકાર્ય વાનગીઓ બનાવીને નિયમિત ઉપયોગ કરે તો સ્વાસ્થ્યને લગતી આ સમસ્યા દૂર થઈ શકે છે .ખરેખર તો પોષણનું મહત્ત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે, જેના દ્વારા ભવિષ્યમાં સ્વસ્થ સમાજ તૈયાર થઈ શકશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)