આજકાલ ભારતમાં મેડિકલ ક્ષેત્રે ડૉક્ટરો સારી પ્રગતિ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારતમાં તબીબી પર્યટન એટલે કે મેડિકલ ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે. વેસ્ટઇન્ડિઝનો પૂર્વ ધૂંઆધાર બૅટ્સમેન બ્રાયનલારા પણ તાજેતરમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદના કારણે મુંબઈની એક હૉસ્પિટલમાં દાખલ થયો હતો! તેને એક દિવસ પછી એટલે કે ૨૬ જૂને રજા આપી દેવામાં આવી હતી.
આમ, ભારતમાં તબીબી પર્યટન વધી રહ્યું છે. બ્રાયનલારા અમેરિકા પણ પોતાની સારવાર માટે જઈ શક્યો હોત પરંતુ તેણે ભારત આવવાનું પસંદ કર્યું. એક તરફ, ભારતમાં ડૉક્ટરો પર સારવારમાં બેદરકારીની ફરિયાદ છે તો બીજી તરફ આવા કિસ્સા પણ બતાવે છે કે ભારતમાં સારવાર સારી મળી રહી છે. બંને વાતો સત્ય છે. આપણે ભારતના મેડિકલ ક્ષેત્રની બીજી ઉજળી વાત કરવી છે. આજકાલ સર્જરીમાં અનોખું કરવાનું ચલણ છે. ભોપાલમાં પણ આવું ચલણ જોવા મળ્યું છે.
ભોપાલ મેમોરિયલ હૉસ્પિટલ અને રીસર્ચ સેન્ટર એટલે કે બીએમએચઆરસીના ડૉક્ટરોએ ગત મહિને હૃદયની જટિલ શસ્ત્રક્રિયા કરી છે. તે માટે તેમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ડૉક્ટરોએ ૫૦ વર્ષનાં એક મહિલાના હૃદયથી મસ્તિષ્કને રક્ત પૂરું પાડનારી ધમનીઓને બદલી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન મગજ માટે રક્તનાપૂરવઠાને પણ એક ઉપકરણ દ્વારા ચાલુ રાખવામાં આવ્યો હતો! આ ટૅક્નિકને હેમીઆર્ચ રિપ્લેસમેન્ટ કહેવાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં પહેલી વાર આ ટૅક્નિકથીસર્જરી કરવામાં આવી હતી. દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
બીએમએચઆરસીના કાર્ડિયાક સર્જરી વિભાગ પ્રમુખ ડૉ. સંજીવ ગુપ્તાએ જણાવ્યું કે ગેસ પીડિત મહિલા શ્વાસની તકલીફ સાથે હૉસ્પિટલના હૃદયરોગ વિભાગમાં આવ્યાં હતાં. તપાસ પછી ખબર પડી કે દર્દીના હૃદયના વાલ્વમાં કંઈક સમસ્યા છે. ત્યાર બાદ હૃદય રોગ વિભાગના ડૉક્ટરોએ દર્દીને હૃદય શલ્ય ચિકિત્સા વિભાગમાં મોકલી દીધા. તેમણે કહ્યું કે મનુષ્યના હૃદયના વાલ્વમાં એક મુખ્ય ધમની હોય છે. તેને એઓર્ટા કહેવાય છે.
અહીં હૃદયની રચના સમજવી જરૂરી છે. તેમાં ચાર વિભાગ હોય છે. બે ડાબી બાજુ અને બે જમણી બાજુ હોય છે. ઉપરના વિભાગને એટ્રીયમ અથવા કર્ણક તરીકે ઓળખવામાં આવે છે. નીચેના વિભાગને ક્ષેપક અથવા વેંટ્રિકલ કહેવાય છે. દરેક વિભાગની બંને બાજુ વાલ્વ આવેલા હોય છે. આખા શરીરનું વપરાયેલું લોહી નસો દ્વારા પાછું ફરે અને જમણી બાજુ ઉપરના વિભાગમાં આવે છે. તેમાંથી તે નીચે ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકમાંથી લોહી ફેફસાની ધમની દ્વારા ફેફસામાં જાય. ત્યાં લોહીમાં ઑક્સિજન ભળે છે. આવું ઑક્સિજનયુક્ત લોહી ડાબાકર્ણકમાં આવે છએ. પછી માઇટ્રલ વાલ્વ દ્વારા ડાબાક્ષેપકમાં આવે છે. અહીંથી એઓર્ટા એટલે કે મુખ્ય ધોરી નસ દ્વારા આખા શરીરને લોહી પૂરું પાડવામાં આવે છે. ડાબા ક્ષેપક અને એઓર્ટા વચ્ચેના વાલ્વનેએઓર્ટિક વાલ્વ કહે છે.
તપાસમાં એઓર્ટાના વાલ્વમાં સંકોચન અને એઓર્ટામાં સોજો હોવાની ખબર પડી. સામાન્ય રીતે એઓર્ટાની જાડાઈ બેથી ત્રણ સેમી હોય છે પરંતુ બીમારીના કારણે તે છ સેમી સુધી જાડી થઈ ગઈ હતી. આ ઘણી જોખમી સ્થિતિ હોય છે કારણકે અસામાન્ય રીતે મોટી થઈ જવાના કારણે તે ક્યારેય પણ ફાટી શકતી હતી. એઓર્ટાથી જોડાયેલા હોવાના કારણે એઓર્ટાઆર્ચ (એઓર્ટાનો મગજ તરફનો હિસ્સો) બદલવો પણ જરૂરી હતો.
આ કારણે જેમ બને તેમ જલ્દી ઑપરેશન કરવાનો નિર્ણય તબીબોએ કર્યો. ઑપરેશન પછી લગભગ ૧૫ દિવસ સુધી દર્દીનેહૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં. તે પછી તેમને રજા આપવામાં આવી. બીએમએચઆરસીના નિર્દેશક ડૉ. પ્રભા દેસીકને આ સર્જરી માટે ડૉક્ટરોને અભિનંદન યથાર્થ આપ્યા. બહુ જરૂરી છે કે ભારતીય તબીબો પોતાની જાતને અપડેટ રાખે, એટલું જ નહીં, પરંતુ નવીનવીયુક્તિઓથીદર્દીની સારવારને વધુ સરળ અને સુલભ બનાવે. આનાથી માત્ર ભારતના દર્દીઓને જ નહીં, વિશ્વને પણ ફાયદો થશે અને વિશ્વબંધુત્વની ભાવના સાકાર થશે.