શું તમે રાતના એકથી વધુ વાર જાગી જાવ છો?

કેટલાક લોકોને મળો તો તેમની ફરિયાદ હોય છે કે તેમને એક સાથે સળંગ ઊંઘ જ નથી આવતી. તેઓ રાતમાં જાગી જાય છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, રાતના એકાદ વાર જાગવું સામાન્ય બાબત છે, પરંતુ જો મધરાત્રે તમે એકથી વધુ વાર જાગી જતા હો તો તમારી અંદર કોઈ આરોગ્ય સમસ્યા છે તેમ તમારે જાણવું. એબીસી ન્યૂઝ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ઐતિહાસિક રીતે, માનવ જાત માટે બે તબક્કાની ઊંઘ નિયમ હતી. અર્થાત્ લોકો બે તબક્કામાં ઊંઘ લેતા હતા.

તમે જો કદાચ જાણતા હો તો આજથી દસ-વીસ વર્ષ પહેલાં સુધી લોકો સૂર્યાસ્ત આસપાસ જમી લેતા અને પછી સૂવા જતા રહેતા. ગામડામાં હજુ પણ આ દિનચર્યા જળવાયેલી છે. જે લોકો આ રીતે વહેલા સૂઈ જતા તેઓ કેટલાક કલાકો પછી જાગી જતા અને એકાદ કલાક સુધી જાગેલા રહેતા. તે પછી બીજા તબક્કાની ઊંઘ લેતા.

હવે તો વીજળી ચોવીસે કલાક ઉપલબ્ધ હોય છે. તેના કારણે સૂર્યાસ્ત પછી પણ લાંબો સમય જાગવાનું શક્ય બન્યું છે. ટીવી, ઇન્ટરનેટ અને મોબાઇલના લીધે હવે રાત્રે જ મહેફિલ જામે છે. અહીં મહેફિલનો અર્થ ઊંધો ન લેતા પરંતુ ટીવી પર સિરિયલો રાતે આઠ વાગ્યા પછી જ સારી શરૂ થાય છે. સમાચાર પણ રાત્રે નવ વાગ્યે જ વધુ સારા અને વિશ્લેષણાત્મક આવે છે. જૂનાં ગીતો જોવા હોય તો રાતના નવ પછી જ આવે છે. નોકરિયાતો માટે આખો દિવસ વૉટ્સએપ ન જોઈ શક્યા હોય તેઓ રાતે સંદેશાઓ જોઈ લે છે. ફેસબુક પર આંટો મારી આવે છે. યુવાનો તેમના દોસ્તો સાથે સ્કૂલ/કૉલેજ પછી પણ રાત્રિના સંપર્કમાં ચેટ દ્વારા રહે છે અથવા પબ્જી જેવી ગેમ તેમના દોસ્તો સાથે મળીને રમે છે. ટૂંકમાં, હવે દિનચર્યા એવી બની ગઈ છે કે રાતના બાર વાગ્યા સુધી જાગવું તો લગભગ સામાન્ય છે. સિવાય કે એવાં ઘરો હોય જેમાં માતા કે પિતાની નોકરી ખૂબ વહેલી સવારે હોય કે અપડાઉન કરવાનું હોય કે પછી સંતાનની વહેલી સવારની શાળા હોય.

આપણી મૂળ વાત રાતના ઊંઘમાંથી જાગવાની હતી. જો તમે ઊંઘમાં વારંવાર જાગી જતા હો તો તેનો અર્થ એ થયો કે તમને મળતી ઊંઘ આરામદાયક નથી. ઊંઘમાંથી તમારા જાગવાનાં કારણો અનેક હોઈ શકે જેમાં તણાવ, લઘુશંકા કે ગુરુશંકા, બહુ ગરમી લાગતી હોય વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક ચીજોને તો જીવનશૈલીમાં સામાન્ય ફેરફારો દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ અન્ય બાબતો તમારી આરોગ્યની તકલીફ દર્શાવે છે.

 

જો તમને શ્વાસની તકલીફ હોય જેને અંગ્રેજીમાં સ્લીપ ઍપ્નીયા કહે છે, તો પણ તમે ઊંઘમાંથી જાગી શકો છો. આ તકલીફ તમને માત્ર રાત્રે જ હેરાન કરે તેવું નથી. તમે દિવસે ઊંઘશો તો પણ તમને આ ચીજ હેરાન કરી શકે છે. તમે નસકોરાં બોલાવવા, જાગો ત્યારે હાંફી ગયા હો તેવો નુભવ, વહેલી સવારે માથું દુઃખવું અથવા દિવસ દરમિયાન મન ન લાગવું જેવાં જો લક્ષણો અનુભવતા હો તો તમારે બને તેટલું તરત તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ.

ઘણી વાર રાતનો ત્રાસ પણ અનુભવાતો હોય છે. રાતનો ત્રાસ એ દુ:સ્વપ્નથી જુદો છે. રાતનો ત્રાસ એ છે કે જેમાં લોકોને એવું લાગે કે તેઓ જાગે તો છે પણ શું થઈ રહ્યું છે તે જાણતા નથી. જ્યારે તેઓ જાગે છે ત્યારે તેમને કયું સ્વપ્ન આવ્યું હતું તે યાદ નથી હોતું. જો તમારે આવી તકલીફ થતી હોય તો તમારે ઊંઘના વિશેષજ્ઞને બતાવવું જોઈએ. તે તમને તમારી ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે.

ઘણા લોકો એમ માને છે કે અનિદ્રાનો અર્થ થાય છે સૂઈ ન શકવાની ક્ષમતા. અનિદ્રાનો આ એક પ્રકાર થયો. પરંતુ જો તમે એકધારું સૂઈ ન શકતા હો તો પણ તમને અનિદ્રા જેને અંગ્રેજીમાં ઇન્સૉમ્નિયા કહે છે તે હોઈ શકે. આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ, રાત્રિ દરમિયાન અનેક વાર ગવું એ તણાવના કારણે થતી અનિદ્રાનો એક પ્રકાર છે. સારા સમાચાર એ છે કે તંદુરસ્ત ઊંઘવાની દિનચર્યા જેવા જીવનશૈલીમાં પરિવર્તન દ્વારા તેની સામાન્ય રીતે સારવાર થઈ શકે છે.

તમે વધુ પડતું ટીવી કે મોબાઇલ જુઓ તો તેની અસર તમારા મગજ પર થાય છે. તેના કારણે તમારા ફૉન, કમ્પ્યૂટર કે ટૅબલેટમાંથી નીકળતો ભૂરો પ્રકાશ તમને ઊંઘમાંથી જગાડી શકે છે. રાતના ઊંઘમાંથી જાગવું ન પડે તે માટે સૂવા જવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં ફૉનનો પાવર ડાઉન કરી દો.

કેટલાક લોકોને વ્યગ્રતા અને હતાશાના કારણે પણ ઊંઘમાંથી જાગવાનું કારણ બની શકે છે. વ્યગ્રતા અને હતાશા તેમજ અનિદ્રા બંને સાથે ચાલે છે. એ કહેવું મુશ્કેલ છે કે કોના કારણે કયું આવે છે, અર્થાત્ વ્યગ્રતા અને હતાશાના લીધે અનિદ્રા આવે છે કે અનિદ્રાના કારણે વ્યગ્રતા અને હતાશા. એક વાત ચોક્કસ છે કે ચિંતાવાળું મગજ કે હતાશ મગજ હોય તો ઊંઘવામાં મુશ્કેલી પડે અથવા ઊંઘમાંથી અનેક વાર જાગી જાવ તેવું બને. અને અપૂરતી ઊંઘ વ્યગ્રતા અને હતાશામાં વધારો જ કરે છે.