“અમારો દીકરો તો બહુ નાટકિયો છે. હજુ તો જન્મ્યાના બે મહિના થયાં પણ રડે રડે તે કંઈ રડે? પણ રડે તો એકેય આંસું ન પડે.”
“અમારી ટેણકી પણ આવી જ છે. મને તો લાગે છે કે એ મોટી થઈને કાં તો અભિનેત્રી કાં તો નેતા બનવાની છે. રડવાની એક્ટિંગ તો એવી કરે ને કે આપણને રોવું આવી જાય. પણ આંસુંનું એક ટીપું ય ન સારે.”
આવા સંવાદો ઘણાં માતાપિતા કે દાદાદાદી પાસેથી સાંભળ્યા હશે. શું આ વાત સાચી છે? નવજાત શિશુઓ રડવાનું નાટક કરતા હોય છે? તમે તેમનાં કપડાં બદલ્યા હોય, દૂધ પીવડાવ્યું હોય, તેમને ઓડકાર આવી ગયો હોય અને છતાં તેઓ સૂવે નહીં અને રડે. તેમનો ચહેરાનો આકાર બગડી જાય, આંખો બંધ હોય, ચહેરો લાલ થઈ જાય. તેઓ ભૂખ્યા પણ ન હોય, તરસ્યા પણ ન હોય. તેમનાં કપડાં કે નીચેની ગોદડી પણ ભીની ન હોય અને છતાં તેઓ રડતાં હોય છે. શું તેઓ રડવાનું નાટક કરે છે? તેમના ગાલ પર આંસુંનું એક ટીપું પણ કેમ નથી જોવા મળતું? ના. તેઓ કોઈ ઍક્ટિંગ નથી કરતા કે એવૉર્ડ જીતવાની રેસમાં પણ નથી હોતા.
નવજાત શિશુઓની આંખમાંથી ખરેખર તો આંસુંનું ટીપું તેઓ ઈચ્છે તો પણ પડી શકે તેમ નથી હોતું. આનું કારણ એ છે કે તેમના જન્મ પછી હજુ આંસુંની નળીઓ વિકસી રહી હોય છે.
જન્મના થોડાક મહિનાઓ સુધી તેઓ રડે પરંતુ આંસુંનું એકેય ટીપું ન પાડે તો તે સામાન્ય વાત ગણાય તેમ બાળ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે.
કેટલાંક શિશુઓને જન્મના બે સપ્તાહ પછી આંસું પડવાનું શરૂ થાય છે, પરંતુ કેટલાક વધુ સમય પણ લે છે કારણકે તેમનામાં આંસુંની નળીઓ વિકસી નથી હોતી. તેઓ જન્મ પછી બે મહિના પછી સાચા અર્થમાં રડવાનું શરૂ કરે તો તેને સામાન્ય ગણવું જોઈએ.
ઉપરની પાંપણની નીચે બદામ આકારની ગ્રંથિઓ આવેલી હોય છે અને આંખને ભીની રાખવા તે આંસુંનું ઉત્પાદન કરે છે. બાળ આરોગ્ય નિષ્ણાત માને છે કે તે લગભગ વાદળ જેવી હોય છે જે વરસાદ બનાવે છે. આંસું આંખ પરથી આવે છે અને આંખના ખૂણામાં નિકાસતંત્ર (ડ્રૅનેજ સિસ્ટમ) હોય છે જેમાંથી આંસું નાક કે ગાલ પર પડે છે.
ઘણાં માતાપિતાઓ પોતાનાં બાળકના વિકાસના માપદંડ માટે અન્ય બાળકોના વિકાસ સાથે તેની તુલના કરતા હોય છે. આવું દર વખતે સાચું નથી હોતું. જેમ કે કેટલાંક માતાપિતા તેમનું બાળક અમુક મહિને પડખું ફરતાં ન શીખે તો ચિંતિત બને છે. ચિંતિત બનવું સ્વાભાવિક છે, પરંતુ તેમનું બાળક વિકસવામાં મોડું જ છે તેમ તેઓ માની લે તે ખોટું છે. તે માટે ખરેખર તો તેમણે તેમનાં સાસુ-સસરા કે કોઈ અનુભવી કે પછી બાળ આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.
બાળ આરોગ્ય નિષ્ણાતો માને છે કે આપણે ખરેખર કેટલું રડીએ છીએ અને આંસુંનાં કેટલાં ટીપાં આપણા ગાલ પરથી પડ્યા તેનો આધાર આપણું નિકાસતંત્ર કેટલું સારું છે તેમજ આપણી ગ્રંથિ આંસુંનાં કેટલાં ટીપાં સારે છે તેના પર છે.
પરંતુ નવજાતમાં આંસુંની ગ્રંથિ નથી હોતી તેથી તેઓ તેમના જન્મનાં કેટલાંક સપ્તાહો સુધી આંસુંની સામાન્ય માત્રાનું ઉત્પાદન નથી કરતી અને આથી જ આપણને-માતાપિતાને કે દાદાદાદીને લાગે છે કે શિશુ રડવાનું નાટક કરે છે. જોકે આરોગ્ય નિષ્ણાતો હજુ એ નથી જાણી શક્યા કે બાળકો શા માટે આ ગ્રંથિ વગર જન્મે છે.
હા, જો જન્મના બે સપ્તાહ કે બે મહિના પછી પણ બાળકની આંખમાંથી આંસું ન પડે તો પછી બાળકની આંખમાં ચોક્કસ કોઈ સમસ્યા હોઈ શકે છે. બની શકે કે તેની આંસુંની નળી બંધ (બ્લૉક) થઈ ગઈ હોય. આંખની કેટલીક સમસ્યાઓના લીધે આંસુંનું સામાન્ય ઉત્પાદન થતું નથી હોતું. તેવી સ્થિતિમાં તમારે તમારા બાળકને પિડિયાટ્રિક ઑપ્થેલ્મૉલૉજિસ્ટને બતાવવું પડે.