PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા આરોગ્ય વિભાગ કરશે AI નો ઉપયોગ

આરોગ્ય વિભાગ પર થોડા જ સમયમાં એક બાદ એક પ્રશ્નો ઉભા થયા છે. એમાં પણ ખ્યાતિકાંડ બાદ તો આરોગ્ય વિભાગને લઈ લોકો વિશ્વાસ ડઘાય ગયો છે. જેને લઈ હવે સરકારી યોજનાના સાથે થતી ગેરરીતી રોકવા માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતી અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહી છે કેમ કે, ગરીબ દર્દીઓની સારવારના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવી રહ્યાં છે. ખ્યાતિકાંડ બાદ આ બધીય વાત બહાર આવી છે. દર્દીઓને જરૂર ન હોય છતાંય બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખીને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યાં હતાં. 4 હજારથી વધુ ઓપરેશન કરીને લાખો કરોડો રૂપિયા મેળવ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ રૂ. 62 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ધારકો છે જે PMJAY યોજના અંતર્ગત હૃદયરોગ, કેન્સર સહિત વિવિધ બિમારીઓમાં રૂા.10 લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે. ત્યારે ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઇ રહી છે, જેના કારણે ગેરરીતી થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડોક્ટરો, હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી આખુય કૌભાંડ થયુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવા નક્કી કરાયુ છે જેથી ખોટા ડોક્યૂમેન્ટ હશે, અધુરા ડોક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઇ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઇ જશે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે.