અમદાવાદઃ ગુજરાત રાજ્ય આજે તેનો 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1 મે, 1960ના રોજ એ વખતના મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના ‘સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956’ના આધારે કરવામાં આવી હતી.
ભારતને બ્રિટિશરોના સકંજામાંથી આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હતા દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ ગુજરાતના હતા. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને વડાપ્રધાન બન્યાં તે પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.
ગુજરાત રાજ્યના વતનીઓને આજે સ્થાપનાદિવસની શુભેચ્છા આપવામાં વડા પ્રધાન મોદીએ આગેવાની લીધી છે. એમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓના નવા શિખરો સર કરતું રહે એવી મનોકામના…. જય જય ગરવી ગુજરાત!’
૧. બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરવું, ૨. સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, ૩. વારંવાર સાબુથી હાથ સાફ કરવા. આ ત્રણ સંકલ્પ લઈને 15 થી 20 સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર હેશટેગ *#VijaySankalp*સાથે અપલોડ કરીએ તથા સૌ ઓછામાં ઓછા ૧૦૦ નાગરિકો પાસેથી આ જ પ્રકારે વિડીયો બનાવી અપલોડ કરીએ એવું આહવાન પણ જીતુ વાઘાણીએ કર્યું છે.
મૂળ ગુજરાતના અને વિશ્વમાં જેઓ એક મોટા ઉદ્યોગપતિ તરીકે ખ્યાતનામ છે તેવા મુકેશ અંબાણીએ પણ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ એક વિડિયો મેસેજ જાહેર કરીને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે.