અમદાવાદ: સામાન્ય રીતે ભારતમાં વાયુ પ્રદૂષણનું જીવતું ઉદાહરણ દિલ્હી છે જ્યાં વાયુ પ્રદૂષણમાં ઉચ્ચુ નોંધાતું હોય છે. પણ પાછલા થોડા સમયથી દિલ્હી બાદ ગુજરાતનું નામ પણ વાયુ પ્રદૂષણ મામલે નોંધાય રહ્યુ છે. દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે. ગુરુવારે (24 જાન્યુઆરી) વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. નોંધનીય છે કે, બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો.
ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લાં ત્રણેક દિવસથી એર કવોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે. સામાન્ય રીતે PM 2.5 (Particulate Matter 2.5)ની માત્રા 25થી ઓછી હોવી જોઈએ. ગુરુવારે અમદાવાદમાં PM 2.5ની માત્રા વધીને 60 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હવામાં PM 10નું પ્રમાણ 50થી ઓછું હોય તો શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, ગુરુવારે વહેલી સવારે પીએમ 10નું પ્રમાણ 134 સુધી પહોંચ્યું હતું. હવામાં આ ઝેરી રજકણો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એર કવોલિટી ઇન્ડેક્સ પણ 50થી ઓછો હોય તો હવા એકદમ શુદ્ધ હોય છે. અમદાવાદમાં કઠવાડા વિસ્તારમાં 159 એર કોલેટી ઈન્ડેક્સ નોંધાયો હતો. આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં 158, ચાંદખેડા અને સેટેલાઈટ વિસ્તારમાં 157, રામદેવનગર અને સોનીની ચાલી વિસ્તારમાં 155, શાહીબાદ, ગ્યાસપુર અને મણિનગરમાં 154, જ્યારે ઈસરો અને વસંતનગર વિસ્તારમાં 153 અને સાઉથ બોપલમાં 151 એર ક્વોલેટી ઈન્ડેક્સ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહે છે. આ ઝેરી હવા ફેફસામાં પ્રવેશે તો બ્રોન્કાઇટીસ, ફેફસાનું કેન્સર, બ્રેઇન સ્ટ્રોક, હૃદય રોગ સહિતના રોગો થવાની સંભાવના રહે છે. વાયુ પ્રદૂષણમાં ભારતમાં ટોચના દસ શહેરોમાં દિલ્હી, કોલકત્તા પછી અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં વાપી, અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતાં અમદાવાદ મોખરે રહ્યું છે. અમદાવાદમાં ગુરુવારે એર કવોલિટી ઇન્ડેક્સ 150નો આંકડો પાર કરી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, જો 150 AQI હોય તો તે સ્થળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલું જ નહીં, એ સ્થળે શ્વાસ લેવાથી ત્રણ સિગારેટનો ઘુમાડો ફેફસામાં પ્રવેશ છે.