અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને કાંકરિયા કાર્નિવલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કાર્નિવલમાં નવીનતમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. મ્યુનિસિપલ સ્કુંલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે. 25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ચાલુ વર્ષ કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજનમાં લગભગ 3.5 કરોડનો ખર્ચે થશે. જેમાં સાતે દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઇશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે. કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.