સુરત: પુણા ગામમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વહેલી સવારે ઘોર નિંદ્રામાં સૂતા લોકો પણ ઉઠી દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ વિસ્તારના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.