અમદાવાદઃ ભગવાન કૃષ્ણનું જીવન એમના જીવનની દિવ્ય લીલાઓ અને પ્રસંગો સૌને ગમે છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવે એટલે સમગ્ર દેશ અને દુનિયાના મંદિરોમાં અને ઘરોમાં તો કૃષ્ણ જન્મ ઉજવાય જ છે. પરંતુ આ સાથે જ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ પણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવે છે. કૃષ્ણ જન્મના હિંડોળા, મટકીફોડના કાર્યક્રમ શાળા, કોલેજના પ્રાંગણમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લગભગ બધી જ શૈેક્ષણિક સંસ્થાઓમાં રજા હોય એટલે શાળાઓ તરફથી જન્માષ્ટમી પૂર્વે જ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. નાના ભૂલકાં કૃષ્ણ-ગોપી અને ગોવાળની વેશભૂષા પહેરી આનંદ માણે છે, આ સાથે શાળાના પ્રાંગણમાં પીરામિડની રચના કરી મટકી ફોડનો કાર્યક્રમ કરી ગોવિંદા-ગોપાલાના નારાઓ લગાડવામાં આવે છે. સૌ કૃષ્ણ જન્મની હિંડોળા સાથે પૂજા-અર્ચના પણ કરે છે. પ્રસ્તુત તસવીર આર.સી.ટેકનિકલ રોડ પર આવેલ અક્ષર વિદ્યાલયની છે જ્યાં વિદ્યાર્થીઓ સાથે મળી સૌએ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)