સોમનાથ- સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ ખાતે પ્રભાસોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રભાસોત્સવનો પ્રારંભ ટ્રસ્ટના પ્રો. જે.ડી. પરમાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ દીપ પ્રગટાવી કર્યો.
પ્રભાસોત્વના પ્રારંભે ગુજરાતભરના કલાકારો દ્વારા નટરાજની સૂરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાતઃ કાળે સૂર્યના વધામણા કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગોલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ પ્રારંભ, શ્રી કૃષ્ણ ચરણપાદુકા અભિષેક કરવામાં આવ્યો જેમાં આ યજમાન પરિવાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીના હસ્તે પૂજન કરવામાં આવ્યું.
૧૮ ફેબ્રુઆરી ઇ.સ. ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુક્લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્થળેથી શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના સ્થૂળ શરૂરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી મધ્યાહ્નના સમયે બપોરે 2 કલાક 27 મીનિટ અને 30 સેકન્ડે ગોલોકધામ ગમન કર્યું હતું.
આ સમયે પાદુકાપુજન-બાંસુરીવાદન-આરતી-શંખનાદ કરવામાં આવ્યાં હતાં.
સોમનાથ ખાતે સાંજે સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા રાસ ગરબા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો દ્વારા ગીતાપાઠ, ભક્તો દ્વારા સહસ્ત્રદિપ આરતી સહિત અનેક ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.