દિલ્હીમાં સિટિ બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી માટેની યોજના આમ આદમી પાર્ટીની સરકારે જાહેર કરી તેનો ઘણો ફાયદો ચૂંટણીમાં થયો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને કામકાજ કરતી નિમ્મ મધ્યમ વર્ગની સ્ત્રીઓને સુવિધા સાથે બચત પણ થઈ. મહિને 1000થી 1500 રૂપિયાની બચત સિટિ બસની ટિકિટમાં થાય. મહિને 8થી 10 હજાર કમાતી સ્ત્રી માટે સીધી 10 ટકાની બચત થઈ જાય.
દુનિયાના ઘણા દેશોમાં જાહેર પરિવહનની સુવિધા આ રીતે આપવામાં આવે છે. છુટક ટિકિટના બદલે આખો દિવસ ગમે ત્યાં ફરવાની ટિકિટ, અઠવાડિયાનો પાસ, માસિક પાસ, વિદ્યાર્થીઓને પાસ, અઠવાડિયામાં રવિવારે મફત મુસાફરી એવી યોજનાઓ હોય છે. પરંતુ લક્ઝમબર્ગે આ બધાથી આગળ વધીને શહેરમાં બસ, ટ્રામ, મેટ્રો બધામાં મુસાફરી સાવ મફત કરી નાખી છે. માત્ર શહેરમાં નહિ સમગ્ર દેશમાં બધી જ જાહેર મુસાફરી લક્ઝમબર્ગે મફત કરી નાખી છે. માત્ર મહિલા કે વિદ્યાર્થીઓ માટે નહિ, માત્ર સિનિયર સિટિઝન માટે કે દેશના નાગરિકો માટે જ નહિ. વિદેશીઓ માટે પણ લક્ઝમબર્ગે મુસાફરી મફત કરી નાખી છે.
જોકે લક્ઝમબર્ગને દેશ કહીએ ત્યારે યાદ રાખવાનું કે તે એક સિટિ-સ્ટેટ જેવો, આપણા ભાવનગર કરતાંય નાનો દેશ છે. 2586 ચોરસકિમીના વિસ્તારમાં ફેલાયેલા લક્ઝમબર્ગની વસતિ માત્ર સવા છ લાખ છે. પહેલી માર્ચથી બધા જ લોકો માટે મફત મુસાફરીનો અમલ શરૂ થઈ ગયો છે. ફક્ત ફર્સ્ટ ક્લાસ માટે અલગથી ટિકિટ રાખવામાં આવી છે, તે સિવાય મફતમાં હરો અને ફરો. સ્વિસ બેન્કો જેટલો નહિ, પણ સારો એવો કારોબાર લક્ઝમબર્ગની બેન્કો કરે છે. તેમાંથી સારી કમાણી થાય છે. યુરોપના લોકો અહીં બેન્કિંગના કામકાજ માટે આવે ત્યારે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવી હોય તો ટિકિટ લઈ શકે, નહિતો તેમને પણ મફત મુસાફરી. સાચી કમાણી આ ખાતાધારકોમાંથી જ થઈ રહી છે! વસતિ ઓછી હોવાથી માથાદીઠ આવક જ 75 લાખ રૂપિયા છે, એટલે આમ તો સૌ પોતપોતાની કાર લઈને ફરી શકે, પરંતુ માત્ર પૈસા ખાતર નહિ, પર્યાવરણ ખાતર પણ આ નિર્ણય લેવાયો છે.
નાનો દેશ હોવાથી સમગ્ર દેશમાં મફતમાં મુસાફરીની વ્યવસ્થા કરવા પાછળ વર્ષે 4.10 કરોડ યુરો એટલે કે 340 કરોડથી થોડો વધુ ખર્ચ થશે. આટલી ખોટ ભારતમાં એક શહેરમાં ભોગવવી પડે.
લક્ઝમબર્ગના વડા પ્રધાને આ પગલું પર્યાવરણ માટે અને રાષ્ટ્રની છાપ સારી પડે તે માટે જ તેવું જ કહ્યું છે. યુરોપમાં આવા પ્રયોગો થયા છે, પણ તેનાથી બહુ ફરક હજી દેખાયો નથી. દાખલા તરીકે ઇસ્ટોનિયાના પાટનગર ટેલ્લિનમાં પાંચ વર્ષથી બસ અને ટ્રામને ફ્રી કરી દેવાયા છે, પણ તે પછીય કારની સંખ્યા ઓછી થઈ નથી. તેનું કારણ એ છે કે અમુક સંજોગોમાં માત્ર જાહેર પરિવહન પર આધાર રાખવો મુશ્કેલ હોય છે. ભારતમાં યુવાને નોકરી મળે કે તરત મોટર સાયકલ લેવી પડે છે, જેથી ઓફિસે પહોંચવાનું મોડું ના થાય. સિટિ બસનો ઉપયોગ ગૃહિણી, સેલ્સમેન, કામદાર અને સિનિયર સિટિઝન વધારે કરે છે, જેઓ ગંતવ્ય સાથે પહોંચવામાં કલાક મોડું કરે તો ચાલે. પરવડતું ના હોવા છતાં પોતાનું વાહન રાખવું પડે, કેમ કે નિયમિત અને સમયસર સિટિબસ મળશે તેની ખાતરી હોતી નથી. મુંબઈમાં દર ત્રણ મિનિટે અવશ્ય ટ્રેન મળી જાય છે તેથી લાખો લોકો મુસાફરી કરે છે અને દિલ્હીમાં મેટ્રો સિવાય દૂર જવાનો વિકલ્પ નથી તેથી ઉપયોગ થાય છે.
લક્ઝમબર્ગના પરિવહન પ્રધાનનું કહેવું છે કે તેમણે આ બાબત વિચારી છે અને દર ત્રણ મિનિટે બસ અથવા ટ્રામ મળે તેવી વ્યવસ્થા કરાશે. સરકારને પૈસાની બહુ ચિંતા નથી, લોકો ખાનગી વાહનો ઓછા વાપરે, શહેરના રસ્તા પર ઓછી ભીડ થાય અને પ્રદૂષણ ઓછું થાય તેનું લક્ષ્ય છે. તેથી ઝડપી, નિયમિત, સુવિધાજનક સિટિબસ જોઈએ.
લક્ઝમબર્ગમાં બીજી એક સમસ્યા છે અને તે છે ટ્રાફિકની. પોતાની વસતિ સવા છ લાખ છે, પણ જર્મની, ફ્રાન્સ અને બેલ્ઝિયમના બે લાખ લોકો નોકરી કરવા માટે લક્ઝમબર્ગ આવે છે. તે લોકો પોતાની કાર લઈને આવે, તેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. તેથી વિદેશથી આવનારા લોકો માટે પણ પરિવહન ફ્રી કરવામાં આવ્યું છે. વિદેશથી આવનારા ટિકિટ લઈને લક્ઝમબર્ગ પહોંચે તે પછી તેમણે ચિંતા નહિ કરવાની, ફ્રીમાં શહેરમાં કોઈ પણ જગ્યાએ ફરી શકે.
લક્ઝમબર્ગમાં અત્યારે ત્રણ પક્ષોની બનેલી સંયુક્ત સરકાર છે. તેમાં એક લિબરલ છે, એક સોશ્યલિસ્ટ છે અને ગ્રીન પાર્ટી છે. ગ્રીન પાર્ટી પર્યાવરણ ખાતર અને સોશ્યલિસ્ટ પાર્ટી નાગરિકોના કલ્યાણના હેતુથી આવી યોજના માટે તૈયાર હોય ત્યારે લિબરલ પાર્ટીના નેતાઓ સમગ્ર યોજના પ્રેક્ટિકલ લાગવાથી તૈયાર થયા છે. સરકારનું મૂડીરોકાણ બે તૃતિયાંશ જાહેર પરિવહનની સુવિધા માટે અને એક તૃતિયાંશ રસ્તાને ટનાટન રાખવા માટે કરવામાં આવશે. 2018માં જ સવા ચારસો કરોડ રૂપિયા જાહેર પરિવહન માટે ફાળવી દેવાયા હતા. દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે અને આવતા વર્ષે એક હજાર કરોડ રૂપિયા તેની પાછળ વપરાશે.
ભારતમાં આપણે મેટ્રો બનાવવી હોય તો દસ હજાર કરોડ રૂપિયાથી શરૂઆત કરવી પડે. તે પછીય તેનો પૂરતો ઉપયોગ ભાગ્યે જ થાય છે, કેમ કે અહીં આયોજન વિના આડેધડ કામ એ જ રીત છે. ભારતમાં જાહેર પરિવહનની યોજના ઉલટાની સફળ થઈ શકે, કેમ કે મુંબઈની જેમ નિયમિત ટ્રેન કે બસ મળતી હોય તો લાખો મુસાફરો મળી રહે. સાવ મફતના બદલે ઓછી કિંમતે પાસ હોય તો પણ લાખો લોકો ઉપયોગ કરે, પણ ભારતના એકેય શહેરમાં તમારા ટાઇમટેબલ પ્રમાણે જાહેર પરિવહન હોય તેવું શક્ય બન્યું નથી. દિલ્હીમાં મેટ્રોનું મોટું જાળું બન્યું છે, પણ તેમાંય તમારે એક સ્ટેશનેથી બીજે સ્ટેશને જવાનું હોય તો જ ઉપયોગી. બીજા સ્ટેશને ઉતરીને વળી રીક્ષા કરવી જ પડે. મેટ્રોથી સિટિબસ મળશે તેવી વાતો માત્ર વાતો જ છે.
લક્ઝમબર્ગમાં હજીય ટ્રામ ચાલે છે. તેમાં મુંબઈમાં દાયકાઓ પહેલાં હતું તે રીતે ઉપર વાયર લાગેલા હોય. લક્ઝમબર્ગનું પ્લાનિંગ છે કે ઇલેક્ટ્રિક વાહનની ટેક્નોલોજી આગળ વધી રહી છે ત્યારે તેનો લાભ લેવો. ટ્રામને પણ ઇલેક્ટ્રિક બનાવાશે અને બેટરીથી ચલાવાશે. એ જ રીતે ઝડપી મુસાફરી માટે એક્સપ્રેસ બસો અલગથી દોડશે. 2030 સુધીમાં બધી જ બસો અને ટ્રામ ઇલેક્ટ્રિક જ હશે, તેથી ધૂમાડાનું નામોનિશાન લક્ઝમબર્ગમાં નહિ હોય.
એક્સપ્રેસ ટ્રામ પણ બનાવાની યોજના તૈયાર છે. બીજા દેશોમાંથી લક્ઝમબર્ગમાં કામ કરવા આવનારા લોકોએ સરહદ પાસે જ પોતાની કાર પાર્ક કરી દેવાની. ત્યાંથી તેમણે એક્સપ્રેસ ટ્રામ મળશે, તેમાં મફતમાં પોતાની ઓફિસ સુધી પહોંચી શકશે. સાંજે સમયસર પરત ત્યાં ટ્રામ પહોંચાડી દેશે. પાંચ જ વર્ષમાં ટ્રામ સ્ટેશનોની બહાર કાર પાર્કની ક્ષમતા બમણી કરી દેવાશે, જેથી કાર પાર્ક કરીને બહુ ચાલવું ના પડે. કાર લઇને ફરનારાની સંખ્યા 61 ટકાની છે, તે ઘટાડીને 48 કરવાનું લક્ષ્યાંક રખાયું છે. માથાદીઠ સારી આવક હોવાથી સૌ પાસે કાર હોય છે, પણ તેમને કાર છોડીને સિટિ બસમાં ફરવા માટે પ્રોત્સાહિત કરાશે. તે માટે બસને સ્વચ્છ, ચકચકિત અને આરામદાયક બનાવાશે.
આના પરથી એવું વિચારવાની જરૂર નથી કે ભારતમાં પણ મફતમાં મુસાફરી શક્ય બનશે. ભારતમાં કશું પણ મફતમાં આપો ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવનારા વધી જાય છે. ગુજરાતમાં જો એસટીમાં લગેજ વધારે લઈ જવાની અને મફતમાં લઈ જવાની છુટ આપવામાં આવે તો તેનો સૌથી વધુ ફાયદો કુરિયર કંપનીવાળા ઉઠાવે. તેમની ભીડ એટલી વધી જાય કે કુટુંબ અને સામાન સાથે પ્રવાસ કરનારા નાગરિકોની પરેશાની ઉલટાની વધી જાય. ટ્રેનની બહાર બારી પર દૂધના કેન લટકતા આપણે જોયા છે. ટ્રેનની સસ્તી મુસાફરીનો ફાયદો વેપારીઓ વધારે ઉઠાવે છે અને નાગરિકોને હેરાન કરે છે.
આમ છતાં જાહેર પરિવહન માટે ભારતના દરેક દેશે વધારે ને વધારે ગંભીરતાથી વિચારવું પડશે. મુંબઈ, દિલ્હી, બેંગાલુરુની ટ્રાફિક સમસ્યાની ચર્ચામાંથી હવે અમદાવાદ, સુરત, રાજકોટની ટ્રાફિકની સમસ્યા રોજેરોજ ચર્ચવી પડે તે દિવસ આવી ગયો છે. હોળી પછી વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પોરબંદર, હિંમતનગર, પાલનપુર, ગાંધીધામ, ભૂજમાં ટ્રાફિકની હેરાનગતિની ચર્ચા પાનના ગલ્લે કરવાની થશે. કે તમે એની ચર્ચા કરવા જ લાગ્યા છો? આવી બાબતમાં અમેય બહુ પાછળ છીએ અને સરકાર તો હજી ઊંઘે જ છે, ખરું કે નહિ? આ લેખને શેર કરો, કમેન્ટ કરો અને સરકારને જગાડો, મહાપાલિકાની ચૂંટણી માથે જ છે – નગરસેવકો પાસે પ્રતિજ્ઞા લેવરાવો કે જાહેર પરિવહન માટે જ સૌથી જોરદાર કામ કરશે.