‘વન નેશન વન ઇલેક્શન’ પર JPCની પહેલી બેઠક

‘વન નેશન-વન ઈલેક્શન’ પર બુધવારે પહેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ પીપી ચૌધરીએ કરી હતી. આ દરમિયાન કાયદા મંત્રાલયે લગભગ 18 હજાર પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. પ્રેઝન્ટેશન બાદ વિપક્ષી સાંસદોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે આ બિલને બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જીએ પૂછ્યું કે શું ખર્ચ ઘટાડવો જરૂરી છે કે લોકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે.

કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને મુકુલ વાસનિકે પણ આ બિલનો વિરોધ કર્યો અને તેને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવ્યું. જેપીસીની બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા વન નેશન વન ઈલેક્શન બિલ પર પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પહેલા ભાજપ પછી કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ અને તમામ પક્ષોના નેતાઓએ એક પછી એક અભિપ્રાય આપ્યા.

બે સભ્યો બેઠકમાં આવ્યા ન હતા

પ્રિયંકા ગાંધીએ એક દેશ, એક ચૂંટણીને લઈને સરકારની દલીલો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે શું આનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે? તમે આ કેવી રીતે કહી શકો? બીજેપીએ કહ્યું કે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાવાને કારણે ખર્ચ ઘણો છે. આ ઉપરાંત વિકાસની ગતિને પણ અસર થાય છે. જેપીસીની આગામી બેઠક આવતીકાલે યોજાશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને હવે 39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. સમિતિની પ્રથમ બેઠકમાં 37 સાંસદો હાજર રહ્યા હતા. ભાજપના સાંસદ સીએમ રમેશ અને એલજેપી સાંસદ શાંભવી ચૌધરી અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.