દુબઈ ડાયરી-2

વર્લ્ડ-એક્સપો સંસ્થા દ્વારા દર પાંચ વર્ષે યોજાતો એક્સપો, કોરોનાને લીધે એક વર્ષ મોડો, એટલે કે ઓક્ટોબર-21થી માર્ચ-22 સુધી દુબઈમાં યોજાયો. એક્સપો-2020માં લગભગ અઢી-કરોડ ટુરિસ્ટની અવરજવર રહી. એક્સપો-2020 જોવા હું 22 માર્ચે દુબઈ દીકરા પાર્થના ઘેર પહોંચી ગઈ. ફ્લાઈટ એકદમ નોર્મલ રહી. ઘેર પહોંચી આખો દિવસ આરામ કર્યો અને એક્સપોમાં જવાની તૈયારી કરી. ટ્રેનમાં જવાનો ગોલ્ડ પાસ લઈ લીધો, નવું ટેલિફોન-કાર્ડ લઈ લીધું,  એક્સપો-2020ની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લીધું. સિનિયર સિટિઝન તરીકે એક્સપોમાં ઘણા લાભ મળે છે. બીજે દિવસે સવારે ઘરથી લગભગ 50 કિ.મી. દૂર (દક્ષિણ દુબઈમાં) આવેલ એક્સપો-2020 પ્રદર્શન-સ્થળ પર પાર્થ અમને કારમાં લઈ ગયો. (સ્પેશિઅલ મેટ્રો-ટ્રેન પણ ઠેરઠેરથી મળે છે.)

4.38 ચો.કિ.મી. ( 438 હેક્ટર)માં ફેલાયેલા પ્રદર્શન-સ્થળમાં 192 દેશોનાં 200 પેવેલિયન આવેલાં છે. આખું પ્રદર્શન-સ્થળ ૩ ડિસ્ટ્રિક્ટમાં વહેંચાયેલું છે: ઓપોર્ચ્યુનિટી ડિસ્ટ્રિક્ટ, મોબિલીટી ડિસ્ટ્રિક્ટ અને સસ્ટેનીબીલીટી ડિસ્ટ્રિક્ટ. બરોબર વચ્ચે છે “અલ-વસ્લ” નામનું ગોળાકાર ઓપન-એર થીએટર. આ વર્ષનું થીમ છે: “Connecting minds, creating the futures”

પાર્કિંગ-એરિયાથી પ્રદર્શન-સ્થળ સુધી આવવા સુલભ બસ-સુવિધા છે. સ્વાગત-કક્ષમાં સરસ આવકાર મળ્યો. સિનિયર સિટિઝન તરીકે અમને ભાગવા રંગનું કાર્ડ આપ્યું. આખી મુલાકાત દરમિયાન તેનો ઘણો ઉપયોગ કર્યો.પાર્થ અમારા માટે એક્સપોનો પાસપોર્ટ લઈ આવ્યો. દરેક દેશના પેવેલિયનની વિઝીટ પછી પાસપોર્ટમાં  સિક્કો મરાવવાનો! પહેલા દિવસે ભીડ ઓછી હતી. બહુ ઝડપ રાખી મોબિલીટી-ડિસ્ટ્રિક્ટનાં 35 પેવેલિયનની મુલાકાત લીધી! નોંધપાત્ર પેવેલિયનો હતાં:

ઓસ્ટ્રેલિયાનું પેવેલિયન ઘણું મોટું હતું, તેમના ઇતિહાસથી માંડી અત્યારના વેપાર-વાણિજ્યની અને વિજ્ઞાનની વાતો હતી, પણ આંખે ઊડીને વળગે તેવી હતી તેમની ગેલેરી અને ત્યાંનું પ્લેનેટોરીઅમ. વોલ-ટુ-વોલ સ્ક્રીન પર એક નાની બાળકી પોતાની ભાષામાં દેશના અને વિશ્વના ભવિષ્યની વાતો કરતી હતી!

૨. હંગેરી : હંગેરીનું પેવેલિયન જોતાં અમને ૧૫ મિનીટ થઈ. હંગેરી દેશ ત્યાંના શાહી-સ્નાન માટે જાણીતું છે. તે અનુભવ અહીં કરાવવા એક મોટા રૂમમાં સફેદ બોલનો હોજ બનાવ્યો હતો અને નાનાંમોટાં સૌ તેમાં કૂદી-કૂદીને સ્નાન કરવાનો આનંદ લેતાં હતાં.

૩.થાઇલેંડ: થાઇલેંડના પેવેલિયન આગળ દસ મિનીટ રાહ જોવી પડી, પણ દ્વાર ખૂલતાં જાણે સાત ઘોડાવાળા રામાયણના રથના દર્શન થયા! પહેલા ભાગમાં તેમનાં રીત-રિવાજો, ઈતિહાસ, કલા અને નૃત્યની જ વાતો હતી. બીજા ભાગમાં અત્યારની હાઈટેક ટેકનોલોજીની વાતો બાળકો દ્વારા બહુ મોહક રીતે મૂકવામાં આવી હતી.

 ૪.અલ સાલ્વાડોર: એક નાના અમથા દેશનું નાનું પેવેલિયન, પણ અમને તેમના દેશની, તેમના સમુદ્ર કિનારાની માહિતી બહુ રોચક રીતે ત્યાંની બહેનોએ આપી. એક ક્વિઝ રમાડી અમને સૌને કોફી પીવા આમંત્રણ આપ્યું અને તેમના દેશની ગરમાગરમ કોફી આખા ગ્રુપને પીવડાવી!

૫.નેપાલ: નાનું પણ બહુ જ રંગીન અને મનમોહક પેવેલિયન, કુદરત અને માણસનું સંમોહક મિશ્રણ!

૬. “અલીફ” – મોબિલીટી ડિસ્ટ્રિક્ટનું સિગ્નેચર પેવેલિયન : ૧૫૦-૨૦૦ દર્શકોને એકસાથે લઈ જઈ શકે તેવી દુનિયાની મોટામાં મોટી પેસેન્જર લિફ્ટ આ પેવેલિયનની ખાસિયત.

દરેક પેવેલિયનમાં દેશની કળા-કારીગીરીની વસ્તુઓ અને ખાણી-પીણીની વસ્તુઓનું વેચાણ થતું.  પ્રદર્શન-સ્થળમાં અંદર-અંદર ફરવા ઇલેક્ટ્રિક-કાર અને મીની-બસની સગવડ હતી. અમને તો ચાલવાની મઝા આવતી. રસ્તો આખો ઢંકાયેલો હતો. બધાં પેવેલિયન વાતાનુકૂલિત હતાં. પણ, હજારો લોકોની ભીડને લીધે ગરમી લાગતી હતી. ટોયલેટ, બગીચા, ખાવા-પીવાની, બેસવાની વગેરે વ્યવસ્થા બહુ ચોખ્ખી અને સરસ છે. મઝા આવી અને થાક પણ લાગ્યો! છેલ્લે તો પગ ગરબા ગાતા હતા. મેટ્રો લઈ અમે ઘેર આવ્યાં.

બીજા દિવસે મેટ્રો લઈ સવારે દસ વાગતામાં એક્સપો પહોંચી ગયાં.એક્સપોના મેટ્રો-સ્ટેશનથી ઓપોર્ચ્યુનિટી-ડિસ્ટ્રિક્ટ જવા બસ મળી ગઈ. નોર્વેના પેવેલિયનથી શરૂ કર્યું. ૫૦ ટુરિસ્ટ ભેગાં થતાં મોટા હોલમાં મરીન-લાઈફ, એજ્યુકેશન અને ટેકનોલોજી પર વિડિયો બતાવ્યો. વ્યવસ્થા ઘણી સરસ હતી. કજાકિસ્તાન-પેવેલિયનમાં બહુ ભીડ હતી. પ્રાચીન અને અર્વાચીન સ્ટ્રક્ચરના કોમ્બીનેશનથી બનેલા મોરોક્કો પેવેલિયનમાં પંદરેક મિનીટ લાઈનમાં ઊભાં રહ્યાં. ઠંડુ પાણી પ્રેમથી પીવડાવ્યું! દર પાંચ મિનિટે 25 જણના ગ્રુપને અંદર લે. અમારો વારો ચોથે વખતે લાગ્યો. વિડીયો જોતાં-જોતાં એલિવેટરમાં સાતમા માળે પહોંચ્યા ત્યાં સુધીમાં દેશની ઝરમર માહિતી મળી ગઈ. ત્યાંથી સ્લોપ પરથી નીચે ઊતરવાનું હતું, રસ્તામાં માહિતી-સભર ૧૦-૧૨ ડિસ્પ્લે હતાં, જે જોઇને અમે નીચે પહોંચ્યાં. નીચેના ખુલ્લા ભાગમાં દરરોજ સાંજે સંગીતનો પ્રોગ્રામ થાય છે, જેની તૈયારી જોવા મળતી હતી.

સાઉદી અરેબિયા: બહુ જ મોટું અને સુંદર પેવેલિયન, સખત ભીડ થાય છે….જમીનમાંથી ઊભરી આકાશ તરફ જતો હોય તેવો ૪૫° પર રાખેલ ઘેરા રંગના કાચનો વિશાળ એન્ટ્રન્સ છે. સ્વાગતમાં જ અદભૂત ફુવારો છે. ખુલ્લા એલિવેટર્સમાં ઊપર જતાં દેશના ઈતિહાસની ઝાંખી કરાવી છે. પહેલા માળે મોટાં-મોટાં રંગીન ઓડિયો-વિઝયુઅલ પ્રદર્શન છે અને ગોળ અટારીમાંથી નીચે જુઓ તો અલગ જ રંગીન નઝારો! જાણે ભૂત,વર્તમાન અને ભવિષ્યને જોડતું ભવ્ય પ્રદર્શન!

ઝાંબિયા : ભીડ ઓછી હતી, નાનું પણ રંગીન પ્રદર્શન હતું.

સ્વિત્ઝર્લેન્ડ : મોટું, રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિવાળું પેવેલિયન, બહુ ભીડ હતી અને સારી વ્યવસ્થા હતી, તડકા સામે રક્ષણ માટે લાલ મોટી છત્રી આપતાં, ૫૦-૬૦ જણ ભેગાં થાય એટલે પેવેલિયનમાં અંદર લે. શરૂઆતમાં લગભગ દોઢ-બે મિનીટ જાણે સ્વીસ આલ્પ્સના ધુમ્મસમાં પર્વતો પર, સરોવરો પાસે, વરસાદમાં ચાલતા હો તેવું વાતાવરણ ઊભું કર્યું હતું, રસ્તે-રસ્તે લાઈટ રાખી હતી જેથી ચાલવામાં અનુકુળતા રહે. પ્રદર્શનના બીજા ભાગમાં દેશની આધુનિક અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીની વીડિયો બતાવી.

ઑસ્ટ્રિયા : નાનું અને એકદમ અલગ સ્ટાઈલનું પેવેલિયન ૩૮ સફેદ કોનના ભૂંગળાંથી બનાવ્યું છે, કુદરતી ઠંડુ વાતાવરણ છે, પણ બીજી કોઈ વધારાની માહિતી કે ડિસ્પ્લે નથી!

દુબઈ પોર્ટનું અદભૂત પેવેલિયન: ખુલ્લા એલીવેટરથી અમે ઉપર ગયાં. વિશાળ હોલમાં પોર્ટનું વાતાવરણ સર્જવામાં સફળ રહ્યાં છે. મધ-દરિયે મોટી બોટમાં બેઠાં હો તેવો અનુભવ થાય. હાઈ- ટેકનોલોજીનો ઉપયોગ કરી સુંદર ડિસ્પ્લે બનાવ્યાં છે. નીચલે માળે, મોટી સ્ક્રીન પર તેમની પ્રવૃત્તિઓનો સુંદર વીડિયો સતત ચાલુ રાખ્યો હતો, ત્યાં પણ ઘણી ભીડ હતી.

ચીન અને અમેરિકાનાંમોટાં પેવેલિયન હતાં પણ બહુ મઝા આવી નહીં.

ભૂતાન :  નાનું પણ  રંગીન અને કળા-કારીગીરીથી ભરપૂર પેવેલિયન હતું.

યુક્રેન : સામન્ય પેવેલિયન પણ આમ-જનતાની સંવેદનાથી ઘણી ભીડ જામી હતી. હજારોની સંખ્યામાં સૈનિકો અને લોકો માટે દેશપ્રેમના સંદેશાઓ ત્યાં આવતા અને ડિસ્પ્લે થતા.

છેલ્લે જોયું “મિશન પોસિબલ” થીમ પર બનેલું ઓપોર્ચ્યુનિટી-ડિસ્ટ્રિક્ટનું સિગ્નેચર પેવેલિયન, દુનિયાના કોઈ પણ દેશમાંથી અને કોઈ પણ સંસ્કૃતિમાંથી આવેલા માણસને પોતીકું લાગે તેવું પેવેલિયન બનાવ્યું છે.

પાંચ વાગતામાં તો થાકી ગયાં! આજે ફક્ત ૧૫ પેવેલિયનની મુલાકાત લીધી. મેટ્રોમાં ઘરે પરત! ૫૫+૨૦ મિનીટમાં!

શનિ-રવિ રજા રાખી સોમવારની સવારે વહેલી એક્સપો પહોંચી ગઈ. આજનું મારું પહેલું ડેસ્ટીનેશન હતું વોટર-ફોલ્સ. તેની સુંદર વિડીયો જોઈ હતી. મેટ્રોમાંથી ઊતરી સીધી ત્યાં જ પહોંચી ગઈ. ચાલતા ચાલતા વચ્ચે ઘણાં બધાં સુંદર સ્થળો જોતી ગઈ.  આજે વોટર-ફોલ્સના પ્લેટફોર્મ પર યોગા-કેમ્પ લાગેલો હતો. આજકાલ વિશ્વ-ભરમાં ભારતીય સંસ્કૃતિની બોલબાલા છે! હું બે-ત્રણ પેવેલિયન જોઈ વળી પાછી ધોધ ઉપર આવી ગઈ. 50 ફૂટ ઊંચા, લગભગ ૨૦૦ મીટર ગોળાકારમાં ફેલાયેલા ધોધમાં કર્ણપ્રિય સંગીત વાગતું હતું. દર  પંદર-વીસ મિનિટે ઉપરથી જોરથી પાણી છોડવામાં આવતું, જમીન ઉપર આવતા સુધીમાં કૃત્રિમ રીતે બનાવેલી પથ્થરોની જાળીમાં પાણી સોષાઈ જાય એટલે છેક નીચે ઓછું પાણી આવે પણ જોવાની બહુ જ મજા આવે.

હજારો દર્શકો જોરથી દેકારો બોલાવે! ત્યાં ઘણું ઊભી રહી. બહુ એન્જોય કર્યું, તડકો ખાસ્સો હતો, ગરમી હતી, પણ બહુ જ મજા આવી. ત્યાંથી ગઈ ભારતના ચાર માળના પેવેલિયન પર. લોકોનો માનીતો પેવેલિયન છે, ખૂબ ભીડ થાય છે, બહુ મોટી લાઈન હતી. સિનિયર સિટીઝન પાસને લીધે મને તરત એન્ટ્રી મળી ગઈ. શરૂઆતમાં આપણી સંસ્કૃતિના યોગા, આયુર્વેદ વગેરેના સુંદર ડિસ્પ્લે અને વીડીયો મૂક્યા છે, ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનાં પોસ્ટર છે, દરેક માળે વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિનાં જુદા-જુદા પ્રદર્શનો છે. એક રૂમમાં એવી વ્યવસ્થા છે કે જાણે તમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ વાતો કરતા હો તેવો ફોટો / વિડીઓ પડી શકે. જોકે હું ત્યાં પહોંચી ત્યારે તે મશીન ચાલતું ન હતું. શાંતિથી જોઈએ તો ભારતના પેવેલિયનને જોવામાં ત્રણેક કલાક નીકળી જાય! હું અડધો કલાક જોઈ બહાર નીકળી. સામે જ સરસ ગાર્ડન હતો અને બાંકડા પર બેસવાની જગ્યા હતી.

ઘેરથી લાવેલાં થેપલાં અને નાસ્તાનો આનંદ માણ્યો! ઈઝરાઈલનો નાનો અને સાવ ખુલ્લો સામાન્ય પેવેલિયન સામે જ હતો. જાણે તેમની હાલની  પરિસ્થિતિનું પ્રતિબિંબ! ત્યાં જઈને થોડી વાર બેઠી. જાપાનનો ઓરીગામીની ડીઝાઇન વાળો મનમોહક પેવેલિયન નજીક હતો, પણ બહુ ભીડ હતી. સ્કૂલનાં બાળકો માટે સમય રિઝર્વ કરવામાં આવેલો હતો. ત્યાંથી કમ્બોડિયા, કેનેડા, ફિલીપાઈન્સ, પોર્ટુગલ અને  વેનેઝુએલાનાં પેવેલિયન જોયાં. ઘણી મહેનતથી અને ઉત્સાહથી પેવેલિયન બનાવ્યાં હોય પણ સમયના અભાવે તેમને ન્યાય આપવો મુશ્કેલ! હવે  વારો હતો “ટેરા”નો, જે સસ્ટેનીબીલીટી-ડિસ્ટ્રિક્ટનું સિગ્નેચર પેવેલિયન છે અને સોલર એનર્જીના થીમ પર બનેલું છે. સૂર્યની ગરમીને બીજી એનર્જીમાં પરિવર્તિત કરી વનસ્પતિ અને અન્ય જીવોને નવ-જીવન આપવાની વાત કરતું પેવેલિયન! અકલ્પ્ય ડીઝાઇન બનાવી છે!

ઇટલી :ઇટલી એટલે ફેશન અને નવીનતાનું બીજું નામ. તેના પેવેલિયનની ડીઝાઇનમાં પણ તે દેખાય. એકપણ દિવાલ વગરના  ગોળાકાર પેવેલિયનમાં, રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવેલ દોરડાંઓથી પ્રદર્શન માટે સ્પેસ બનાવી હતી અને ઝાડપાનથી બહુ સુંદર રીતે શણગારી હતી. ટેકનોલોજી અને ઇનોવેશનના પ્રદર્શન સુંદર હતાં. દુબઈનું પોતાનું પેવેલિયનપણ બહુ જ સુંદર હતું. રણના સ્વપ્ન જેવું! તેમના રાષ્ટ્રીય-પક્ષી ફાલ્કનના આકાર પર બનેલું દુધિયા રંગનું  પેવેલિયન આંખોને આંજી દે તેવું હતું!

ગ્વાટેમાલા, ટ્યુનીશિયા, લેબેનોન, લાઈબીરિયા, ઇન્ડોનેશિયા, મ્યાંમારનાં પેવેલિયન જોઈ મને બહુ મન હતું તે પાકિસ્તાનનું પેવેલિયન જોવા ગઈ. કાચનાં અને મેટલનાં ટુકડાંઓ ગોઠવી બહુ જ રંગીન અને સુંદર પેવેલિયન બનાવ્યું છે. દર્શકોની લાઈન પણ લાંબી હતી. સતત ગુંજતા કર્ણપ્રિય (હિન્દુસ્તાની) શાસ્ત્રીય સંગીત અને ગઝલોથી વાતાવરણ એકદમ માદક બનાવ્યું હતું. કળા અને સંસ્કૃતિનું સારું પ્રદર્શન કર્યું હતું. વિજ્ઞાન કે ટેકનોલોજીની કોઈ માહિતી ન હતી. બહાર નીકળવાનો રસ્તો  દર્શકોને હિન્દુસ્તાની ભોજનની સોડમથી તરબતર કરતો હતો! બિલકુલ હિન્દુસ્તાની એવું  પાકિસ્તાનનું પેવેલિયન જોયું! ભારત અને પાકિસ્તાનનાં પેવેલિયન જોઈ હું બહુ ખુશ હતી.  એક્સપો-2020માંથી બહાર નીકળતાં નીકળતાં મેં બહેરીન અને ઇરાકનાં પેવેલિયન પણ જોયાં. આજે ૨૩ પેવેલિયન જોયાં. હું થાકી ગઈ હતી અને સુંદર પ્રદર્શનો અને પેવેલિયનો જોઈ તૃપ્ત થઈ હતી. વિચારતી હતી કે આટલાં સરસ પેવેલિયનો શું થોડા દિવસોમાં જમીનદોસ્ત કરવામાં આવશે? ત્યાંના કર્મચારીઓ સાથે વાત કરતાં ખબર પડી કે એક્સપો-2020નાં ઘણાં  પેવેલિયનો, ડોમ, વોટર-ફોલ્સ, ઓપન-એર થીએટર, બાગ-બગીચા તથા  મેટ્રો-સ્ટેશન સહિતનાં ઘણાં મકાનો કાયમ રાખવામાં આવશે.

(દર્શા કીકાણી)