“ધ હાઉસ ઓફ સિંધિયા: અ સાગા ઑફ પાવર, પોલિટિક્સ ઍન્ડ ઇન્ટ્રીગ”

સાંપ્રત ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ અને સારસ્વત કવિ કૃષ્ણ દવેએ પોતાની કલમે ભારતીય સંસ્કૃતિના ભવ્ય ગ્રંથ “મહાભારત” ઉપર એક કવિતા લખી છે. કવિતાની દરેક પંક્તિમાં કવિ એ દિવ્ય કથાના એક-એક પાત્રને તેમણે ભોગવેલી મુશ્કેલીઓના સંદર્ભે વ્યક્ત કરે છે. એ કવિતામાં મને સૌથી વધુ સ્પર્શતો મર્મ તેની પ્રથમ પંક્તિમાં આલેખાયો છે. દવેસાહેબ પોતાના જ નામની પરમેશ્વરી પરાકાષ્ઠા, ભગવાન શ્રીકૃષ્ણની વ્યથા વર્ણવતા લખે છે:

“જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,

મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.”

આ અવતરણ મારા મનમાં રમ્યા કરતું હતું અને એવામાં જ મને વાંચવા મળ્યું રાશિદ કિદવાઈનું નવું પુસ્તક: “ધ હાઉસ ઓફ સિંધિયા: અ સાગા ઑફ પાવર, પોલિટિક્સ ઍન્ડ ઇન્ટ્રીગ”.

રાશિદ કિદવાઈ લેખન અને પત્રકારત્વની એક પીઢ પ્રતિભા છે. તેમના નવા પુસ્તકમાં એક એવા રાજઘરાનાની કથા આલેખાઈ છે જે ઘણી પેઢીઓથી સત્તા અને સિયાસતની આંટીઘૂંટીમાં સામેલ રહ્યો છે: વાત છે ગ્લાવિયરના સિંધિયા વંશની. કિદવાઈ સાહેબની કલમે સિંધિયા ઘરાનાનો ઉદ્ભવ, તેમનું રાજનૈતિક વલણ, અંગ્રેજોના રાજ દરમિયાન તેમની ભૂમિકા અને આઝાદી બાદ સ્વતંત્ર ભારતના રાજકારણમાં તેમનું સ્થાન, આ બધી જ બાબતો એક અનોખી વાર્તાના તાંતણે ગૂંથાયેલી છે. પારિવારિક સંબંધોમાં આવતા દરેક દેખીતા અને અજાણ્યા વળાંકો સિંધિયા વંશની કથા થકી ઉજાગર થાય છે.

ભારતમાં સદીઓથી ધર્મ અને રાજકારણ વચ્ચે એક અલાયદું સમીકરણ જોવા મળ્યું છે, જેની સીધી અસર બન્ને બાબતો પ્રત્યેના પ્રજાના દ્રષ્ટિકોણ ઉપર પણ થાય છે. માટે જ, જો એક તરફ આપણને બધા જ ધર્મોના આગેવાનો રાજનીતિમાં ભાગ લેતાં જોવા મળે છે, તો બીજી તરફ રાજકારણીઓ પ્રત્યે પણ લોકોની બિનશરતી શ્રદ્ધા જોવા મળે છે. એવામાં શક્ય છે કે આપણે આપણાં રાજનૈતિક નેતાઓને પ્રજાની નજરમાં એવા ઊંચા સ્થાને ચઢાવી દઈએ કે તેમનું માણસ તરીકેનું હોવાપણું ગણતરીમાં જ ન આવે; તેમનો માનવસહજ સ્વભાવ અને તેની ખામીઓને અવગણીને તેમને એક આભાસી શ્રેષ્ઠતા મળી જાય. રાશિદ કિદવાઈ તેમના પુસ્તકમાં આ ઘટના ન સામે આવે એની પૂરી તકેદારી રાખે છે. તેમની વાર્તાશૈલીમાં રાણોજીરાવ સિંધિયાથી લઈને રાજમાતા વિજયા રાજે સિંધિયા અને માધવરાવ સિંધિયાથી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા સુધીના દરેક પાત્રો માનવસહજ દ્રષ્ટિએ આલેખાયાં છે. કિદવાઈ સાહેબનો પત્રકાર તરીકેનો બહોળો અનુભવ અને વાર્તાકાર તરીકેની કળાનો સમન્વય એક રસપ્રદ કથામાં પરિણમે છે.

“ધ હાઉસ ઑફ સિંધિયા” બે રીતે પરિવારનો ચિતાર આપે છે: ઇતિહાસ અને પાત્રાલેખન. પુસ્તકનું પહેલું પ્રકરણ રાણોજીરાવ, મહાદજી અને માધોરાવ સિંધિયાએ આ વંશની સ્થાપના કરી તે સમયની કથા વર્ણવે છે તથા મુઘલ અને અંગ્રેજ રાજના સમયમાં તેમની ગતિવિધિઓ વર્ણવે છે. ત્યાર પછીના પ્રકરણો એક પછી એક સિંધિયા પરિવારની એ દરેક વ્યક્તિનું ચરિત્રાલેખન કરે છે કે જે જાહેર જીવનમાં રાજનૈતિક કારણોસર ચર્ચામાં રહી છે. તેમના ચરિત્રની વાતો સાથે સિંધિયા ઘરાનાનો ઇતિહાસ પણ વાંચકની નજર સમક્ષ જીવંત થતો જાય છે. આ પ્રકરણોમાં કિદવાઈની કલમે રાજમાતા વિજયા રાજે સિંધિયા, માધવરાવ સિંધિયા, યશોધરા રાજે સિંધિયા, વસુંધરા રાજે સિંધિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા વ્યક્તિત્વોનો આસ્વાદ મળે છે. તેમના પારિવારિક ઉતાર-ચઢાવો વચ્ચેથી ભારતના રાજનૈતિક ઇતિહાસના આગવા પાસાઓ વિશેનું વિશ્લેષણ પણ પ્રાપ્ત થાય છે.

કિદવાઈ સાહેબની ધારદાર કલમે ઇતિહાસની વિસંગતતાઓ પણ છતી થાય છે. સિંધિયા પરિવારમાં અલગ અલગ સમયે ઉભા થયેલા વિરોધાભાસોને આ પુસ્તકનું કથાનક એક આગવી છણાવટથી પ્રસ્તુત કરે છે. રાજમાતા, યશોધરા અને વસુંધરાના ઉદાહરણો થકી વંશવાદને કારણે રાજનીતિમાં મહિલાઓને મળતી સમાન તકોનો વિરોધાભાસ નજરમાં આવે છે. આ ઉપરાંત સ્વતંત્ર ભારતના ઇતિહાસની દિશા આલેખતો કટોકટીના વર્ષો દરમિયાનનો પ્રસંગ પણ વાંચવા મળે છે: એ વર્ષો દરમિયાન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો રાજમાતાને તિહાર જેલમાં રાખવાનો આગ્રહ થોડા જ સમયમાં ભારતીય જનતા પાર્ટી નામના એક નવા પક્ષને રાષ્ટ્રીય ફલક ઉપર સ્થાપિત કરી દે છે.

રાજમાતા અને તેમના પુત્ર માધવ રાવ સિંધિયા વચ્ચેના ખટરાગની ઘટનાઓ અને સિંધિયા પરિવારની રાજકીય કારકિર્દી ઉપર તેના જોવા મળેલ પરિણામો હૃદયદ્રાવક શૈલીમાં આલેખાયા છે. પુસ્તકનો વાર્તાપ્રવાહ વાંચકને સિંધિયા પરિવારના બદલાતા રાજનૈતિક વલણો પ્રત્યે પણ એક વિશ્લેષણાત્મક પરિપેક્ષ્ય આપે છે. જેમકે, રાજમાતાની કોંગ્રેસ સાથેની જુગલબંધી તૂટતાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવી. એ પછી તેમના પુત્ર માધવ રાવ સિંધિયા કારકિર્દીની શરૂઆતમાં જનસંઘના આગેવાન રહ્યા, પરંતુ સમય જતા બાકીનું જીવન કોંગ્રેસી નેતા તરીકે સેવા આપી. માધવ રાવના પુત્ર જ્યોતિરાદિત્ય પહેલા પિતાના રાજનૈતિક સ્થાનને કારણે કોંગ્રેસમાં આવ્યા, ત્યારબાદ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજનીતિના આ બદલાતા સમીકરણો કિદવાઈની કલમે અનેક પ્રસંગો, ઘટનાઓ અને સ્મૃતિઓ થકી પુસ્તકના પાનાં પર સજીવન થાય છે.

“ધ હાઉસ ઓફ સિંધિયા: અ સાગા ઑફ પાવર, પોલિટિક્સ ઍન્ડ ઇન્ટ્રીગ” ના પ્રકરણોમાં સિંધિયા પરિવારનો એક સદીથી પણ વધુ લાંબો રાજકીય પ્રવાહ આકાર પામે છે. પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં વાંચકોને પ્રેમ, કરુણા, દ્વેષ, કલેશ અને કપટ જેવા વિવિધ ભાવ અને તેમના પરિણામોનું ચિત્રણ જોવા અને જાણવા મળે છે. આ પુસ્તક થકી રાશિદ કિદવાઈ ભારતની રાજનીતિ પ્રત્યે જિજ્ઞાસા ધરાવતાં વાંચકોને રસ પડે એવી દરેક બાબત આવરી લે છે.

(નિવિદ દેસાઈ)

(તસવીર સૌજન્ય: કેદાર જૈન-રોલી બુક્સ, દિલ્હી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]