નોટ આઉટ @93: સીતારામ ગુપ્તા

‘એર-લિફ્ટ’ ફિલ્મની દિલધડક કહાની જેમના જીવનમાં ભજવાઈ ગઈ તેવા નડિયાદના ૯૩ વર્ષના જિંદાદિલ ‘યુવાન’ની વાત  તેમના શબ્દોમાં.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : અખંડ-ભારતના પંજાબમાં અંબાલા નજીકના ગામમાં જન્મ. પિતાની કરિયાણાની દુકાન. એક બહેન, બે ભાઈનું કુટુંબ, તેઓ સૌથી મોટા. રોજ ચાર માઈલ ચાલી બિલાસપુર શાળામાં ભણવા જાય. બાળપણથી બુદ્ધિશાળી, અભ્યાસી અને પરિશ્રમી. ત્યાં RSSનો પરિચય થયો. અત્યારે પાક્કા મોદી-ભક્ત છે! કોલેજ અંબાલામાં કરી. નેવી-ઓફિસરોને જોઈ નેવીમાં જોડાવાનું સ્વપ્ન જોતા. તક મળતા નેવીની  ટેકનિકલ-ટીમમાં જોડાયા. INS શિવાજી પર ટ્રેનીગ લઈ વધુ અભ્યાસ માટે UK ગયા. 15 વર્ષ નેવીમાં કામ કરીને GEBમાં જોડાયા, નડિયાદ આવ્યા. નડિયાદમાં ઠરીઠામ થવાનો નિર્ણય લીધો. સાથે હોમગાર્ડસ યુનિટની સ્થાપના કરી. GEBમાં કુશળતાપૂર્વક 13 વર્ષ કામ કરી સરકારી પાવરપ્લાન્ટમાં હોદ્દો મળતા કુવૈત ગયા. ત્યાં ૧૩ વર્ષ કામ કર્યું. પત્નીનો પૂરેપૂરો સહકાર. ૩ દીકરીઓ, ૨ દીકરાનો ઉછેર અને બધી સામાજિક જવાબદારીઓ તેમને હસ્તક. પત્નીનો સહકાર ધંધાકીય કુશળતા પાર પાડવામાં બહુ ઉપયોગી થયો!

નિવૃત્તિની પ્રવૃત્તિ : નિવૃત્તિ શબ્દ જીવનમાં આવ્યો જ નથી! 62 વર્ષની ઉંમરે કુવૈતથી પાછા આવ્યા બાદ પાવર-સેક્ટરના મોટા મશીનો સર્વિસ કરવાની કંપની 8 માણસોથી શરૂ કરી. આજે 400 માણસો સાથે ધમધોકાર ચાલે છે. બંને એન્જીનીઅર પુત્રો અને એક પૌત્ર તેમાં જોડાયા છે. 80 વર્ષની ઉમર  સુધી પાવરપ્લાન્ટ પર જતા! હવે કોરોના કાળમાં ઘરેથી કામકાજ કરે છે. આર્કિટેક પુત્રવધૂએ ઘરમાં સરસ ઓફીસ કરી આપી છે!

શોખના વિષયો : શોખને લીધે જ જીવતો છું! વાંચન-લેખન બહુ ગમે છે. શેર-શાયરી-ગઝલ સાંભળવી અને સંભળાવવી ગમે છે. સામાજિક-કાર્ય ઘણું કરું છું.અગ્રવાલ સમાજમાં સક્રિય છું. યુવાનીમાં બોકિસંગનો શોખ હતો, દારસિંગની મેચો જોવી ગમતી. રાયફલ ટ્રેનિંગમાં રસ છે. ત્રણ વર્ષ અગાઉ મારા નામે હરીફાઇ યોજી. ઉદ્ઘાટનના પહેલા જ શોટમાં બિલકુલ ટારગેટ ઉપર નિશાન લીધું!

ઉમરની સાથે કેવી રીતે કદમ મિલાવો છો ? તબિયત સારી છે. બાળપણનું કસાયેલું શરીર છે. તેલ-માલિશ કરીને અખાડામાં રમ્યા છીએ. દસ મહિના પહેલા પત્નીનું અવસાન થયું. તેમની ગેરહાજરી સાલે છે. ઘરમાં સંપ હોવો જરૂરી છે. ડિસિપ્લિન પણ જરૂરી છે. તેઓ બહુ ધીરજથી કામ લે છે. ભગવાનમાં અને પોતાની જાતમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈ કામ ના થાય તો અફસોસ વગર સ્વીકારી લે. “જરૂરી નહીં કે સારી બારીશ અપને હી ખેતમે ગીરે!”

યાદગાર પ્રસંગો : સરદાર વલ્લભભાઈની અંતિમ-યાત્રામાં નેવલ-ઓફિસર તરીકે ગનકેરેજ ખેંચવાનો લહાવો મળ્યો. નેવીના કાર્યકાળ દરમ્યાન INS વિક્રાંતના કમીશન વખતે માર્ચ 61માં UKમાં વિજયાલક્ષ્મી પંડિતે, ભારત આવ્યું ત્યારે પંડિત નેહરુએ ભર-દરિયે અને ભારતના કિનારે આવ્યું ત્યારે આર્મીની ત્રણે બેન્ડના મહારથીઓએ પુષ્પવૃષ્ટિ કરી અભિવાદન કર્યું. લેડી માઉન્ટ બેટનની ઈચ્છા પોતાના મૃત-શરીરને દરિયામાં દફનાવવાની હતી. ભારતીય નૌકાસેવામાં હોવાથી એ પ્રસંગે સક્રિય ફાળો આપ્યો.  UKથી પાછા આવીને ગોવાની સ્વતંત્રતાની લડતમાં ફક્ત ૧૬ કલાકમાં ફ્લેગશીપ  ઓપરેશન પાર પાડ્યું અને વિશિષ્ટ-સેવા-મેડલ મેળવ્યો! બીજો જન્મ મળે તો ભારતીય નૌકાસેવામાં જ પૂરેપૂરાં વર્ષો કામ કરવું છે!

આજની પેઢી સાથે સંકળાયેલાં છો? એકદમ! શાળા-કોલેજોમાં મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રિય છું. અગ્રવાલ-સમાજ અને રાયફલ-ટ્રેનિંગમાં સક્રિય છું. આજના બાળકો હોશિયાર છે, પ્રોગ્રેસીવ છે. માનું છું કે વ્યવસ્થિત તૈયાર થવું જરૂરી છે. ઘરના યુવાનો બહાર જવા નીકળે ત્યારે પોતાનાં કપડા દાદાને બતાવીને નીકળે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? ભયસ્થાનો?   ટેકનોલોજી એમને બહુ પ્રિય છે. મોબાઇલ/ લેપટોપનો પુરેપુરો ઉપયોગ કરે છે. કોઈ પણ નવું સાધન આવે તો કલાકોમાં હસ્તગત કરી લે. પણ બાળકોને સલાહ કે  વધુ પડતો સમય એમાં બગાડવો નહીં અને અભ્યાસમાં ઘ્યાન આપવું.

શું ફેર પડ્યો “ત્યાર”માં અને “અત્યાર”માં? ત્યારે કામકાજ સીધું રહેતું. સગવડો  માર્યાદિત હતી. બાળકોને સ્વતંત્રતા ઓછી હતી. મેં મારી પત્નીને લગ્નના ચાર દિવસ પછી જોઈ!  અને આજે………??

સંદેશો : મને મારા જીવનકાળ દરમ્યાન મિત્રો, સમાજ અને નડિયાદ-ગામે પ્રેમ અને સન્માનથી નવાજીત કર્યો છે, હું તેમનો ઋણીછું.

યુવાનોને સંદેશ:

सामने रख कर लक्ष, बढ़ा दो कदम,

अगर नज़र ही नहीं, तो नज़ारे नहीं!

फैसला करके सागरमें उतरो यही,

के तुम ही नहीं या सागर के धारे नहीं!!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]