(પુરુષોત્તમ ઉપાધ્યાયની સૂર-શબ્દયાત્રા થંભી…)
બુધવાર, ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં નમતા બપોરે પુરુષોત્તમ ગૌરીશંકર ઉપાધ્યાયનું ૯૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું, એ જ રાતે એમના અંતિમ સંસ્કાર થયા. છેલ્લા બે દિવસમાં વિવિધ અખબારો, વેબપોર્ટલ, ન્યુઝચેનલોએ પુરુષોત્તમભાઈ વિશે કહેવા જેવું લગભગ બધું જ કહી દીધું છે. હજી જૂન મહિનામાં ‘ચિત્રલેખા’એ એમની વિસ્તૃત મુલાકાત પ્રકાશિત કરી. ૭ જૂન, ૨૦૨૪ની બપોરે મુંબઈના પૅડર રોડ પર આવેલા એમના ઘરે જવાનું થયેલું. સાથે હતા અમારા તસવીરકાર દીપક ધુરિ. આમેય ‘ચિત્રલેખા’ સાથે એમનો ગાઢ, હૂંફાળો નાતો.
ગુજરાતી ગીત-સંગીતની જંગમ વિદ્યાપીઠ સમા પુરુષોત્તમભાઈ સાથેની એ છેલ્લી મુલાકાતમાં પી.યુ. તો મળ્યા જ, બોનસમાં એમને મળવા આવેલા આસિત-હેમા દેસાઈ પણ મળ્યાં. પત્ની ચેલનાબહેન, પુત્રી બિજલ (બીજાં પુત્રી વિરાજ બહારગામ હતાં), હંસા દવે. છેલ્લા થોડા સમયથી પુરુષોત્તમભાઈની સ્મૃતિ અવારનવાર દગો દઈ જતી છે, પણ સંગીતની વાત આવે એટલે સૂરતાલ પકડી લે. આનો અનુભવ એ દિવસે થઈ ગયેલો. પુરુષોત્તભાઈ-આસિતભાઈ-હેમાબહેને એક નાનકડી, અનૌપચારિક સંગીત બેઠક જામી ગયેલી.
ગુજરાતના ખેડા જિલ્લામાં નડિયાદ પાસે પાટીદારોના ઉત્તરસંડા ગોમમાં ભૂદેવ-પરિવારમાં ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ના રોજ જન્મેલા પુરુષોત્તમભાઈની છેલ્લી મુલાકાતના અંશઃ
ગીત-સંગીત સાથે પ્રથમ પરિચયઃ “શૈશવકાળમાં રોજ સવારે માતા (વિદ્યાગૌરી) તાલબદ્ધ ગણગણતી તે સાંભળતો. ગામના એક શ્રીમંતપરિવારના ઘરે રેડિયો હતો. હું એમના ઘરની બારી નીચે ઊભો રહું. રેડિયોમાંથી નૂરજહાં-બડે ગુલામ અલી ખાં-બરકત અલી સાહેબનાં રેકૉર્ડિંગ લાહોરથી પ્રસારિત થતાં એ સાંભળું. તે સમયે (૧૯૩૦ના દાયકામાં) ફિલ્મો મોટા ભાગે પૌરાણિક વિષયો પર બનતી, જેમાં રાગ આધારિત શુદ્ધ શાસ્ત્રીય ગીત-સંગીત રહેતાં. ‘રામરાજ્ય’ મેં જોયેલી પહેલી ફિલ્મ.”
પહેલો પરફોરમન્સઃ “૧૯૪૦માં અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ભારત ભુવન થિયેટરમાં ‘અપર માતા’ નામના નાટકનો પ્રીમિયર. આ નાટક માટે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ભજન લખેલું- ‘સાધુ, ચરણકમલ ચિત્ત જોડ… જાતની મિથ્યા માયા છોડ…’ છ વર્ષની ઉંમરે મેં એ ગીત રજૂ કર્યું, જેના સોળ વન્સ મોર થયા. સત્તરમી વાર વન્સ મોર થયો ત્યારે હું સ્ટેજ પર ઊંઘી ગયેલો. તે સમયના પ્રસિદ્ધ પત્રકાર બદરી કાચવાળા અપર માતા જોવા આવેલા. મારા પરફોર્મન્સથી ખુશ થઈને એમણે મને પચ્ચીસ રૂપિયાનું ઈનામ આપેલું.”
મુંબઈ-આગમનઃ “૧૩-1૪ વર્ષની વયે હું નડિયાદથી મુંબઈ આવ્યો. ઉત્તરસંડામાં મારા ફળિયામાં રહેતા કોઈ સજ્જને મુંબઈમાં ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેવાની સગવડ કરી આપી. આ વિસ્તારમાં કલ્યાણજી-આણંદજીના પિતા વીરજી શાહની કરિયાણાની દુકાન. વીરજી બાપા અવારનવાર મને આર્થિક સહાય કરતા. એ વખતે મારો પરિચય કવિ મનસ્વી પ્રાંતિજવાળા, છનાલાલ ઠાકોર (સંગીતકાર), ગીત-સંગીત ક્ષેત્રે એક વિરાટ નામ દિલીપ ધોળકિયા, વગેરે સાથે થયો. એમની સાથે ગાવાની તક મળી.”
રંગભૂમિ પર પુનઃ પ્રવેશઃ “એ વખતે મુંબઈના દાદર વિસ્તારના નંદ નાટ્યગૃહમાં ગુજરાતી નાટક થતાં. નાટ્યગીતલેખક જાણીતા કવિ જીવણલાલ બ્રહ્મભટ્ટે મારો પરિચય અશરફ ખાન સાથે કરાવ્યો. રીતે દસેક વર્ષ બાદ ફરી એક વાર મારી રંગભૂમિ પર એન્ટ્રી થઈ. ‘પ્રિન્સિપાલ’ નામના એ નાટકના એક પ્રયોગમાં ‘સનરાઈઝ પિક્ચર્સ’વાળા વી.એમ. વ્યાસ આવ્યા. મારો પરફોર્મન્સ જોઈ એ એટલું જ બોલ્યાઃ છોકરા, કાલે મારી ઑફિસે આવીને મળજે. વી. એમ. વ્યાસ તે વખતે ‘શામળશાનો વિવાહ’ નામનું પિક્ચર બનાવી રહ્યા હતા. ફિલ્મ માટે સંગીતકાર છનાલાલ ઠાકુરે એક ગરબો બેસાડ્યો હતો. દિલીપ ધોળકિયાએ એમાં પુરુષનો સ્વર આપ્યો ને સ્ત્રીના અવાજમાં ગાનારો હું…”
અવિનાશ વ્યાસ સાથે મેળાપઃ તળ મુંબઈના ફિરોજશા મહેતા રોડ પર લક્ષ્મી બિલ્ડિંગમાં ગ્રામોફોન કંપની એચએમવીના રેકૉર્ડિંગ સ્ટુડિયોના એક બૂથમાં ‘શામળશાનો વિવાહ’ના ગીતનું રેકૉર્ડિંગ હતું. બાજુના બૂથમાં કોઈ ગુજરાતી ગરબાનું. મારો અવાજ સાંભળી બાજુના બૂથમાં રેકૉર્ડિંગ કરી રહેલા સંગીતકારે પૃચ્છા કરી કે આ કોણ ગાય છે? એચએમવીના ગુજરાતી વિભાગના વડા આર. ડી. વ્યાસે મને ઊભો કરીને કહ્યું, આ ગાય છે. પગથી માથા સુધી મને નિહાળી એમણે પૂછે છેઃ ‘છોકરા… મારા માટે શાઈશ?’ મેં હા પાડીને ધીમેકથી કહ્યું, આ છોકરાનું નામ પુરુષોત્તમ છે.”
મુંબઈમાં ઠેકાણું મળે છેઃ “એ વખતે હું કવિ જીવણલાલ બ્રહ્મભટ્ટને ત્યાં રહેતો. મુરાભાટ લેનમાં માળો. ઘરમાં છ જણ રહે. હું ચાલીમાં સૂઈ રહેતો. સવારે ચાર વાગ્યે ભોંયતળિયે જઈને પાણી ભરી ત્રણ માળ ચઢી મોરીમાં ગોઠવી દેવાનું. નાહીને ઘરનાં કામ. શરીર તૂટી જતું. અવિનાશભાઈએ પ્રેમાદેશ આપ્યોઃ કાલથી મારે ત્યાં રહેવા આવી જજે. ત્યારથી હું અવિનાશભાઈનો જાણે પડછાયો બની ગયો. એમની છત્રછાયા હેઠળ બે પ્રતિભા પોતપોતાની રીતે પાંગરીઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ.”
પ્રથમ સ્વરાંકનઃ “ભારતીય વિદ્યા ભવનમાં આ માસનાં ગીતોના ગરબાના કાર્યક્રમમાં દસ ગરબા ગવાય, જેમાં એક ગરબો દીવડાનો હોય. નવ ગરબા અવિનાશભાઈ લખે, એક દીવડાનો ગરબો ‘વંદે માતરમ્’ અખબારના પત્રકાર, જાણીતા લેખક-ગીતકાર જિતુભાઈ મહેતા લખે. એક વાર જિતુભાઈએ ગરબો લખ્યોઃ ‘અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ…’ કોઈ કારણસર અવિનાશભાઈ એ ગરબાનું સ્વરાંકન કરી શક્યા નહીં એટલે એમની ગેરહાજરીમાં મેં સ્વરાંકન કર્યું, જે જબરદસ્ત હિટ થયું. આ મારું પહેલું સ્વરાંકન.”
પહેલું વાહન મળે છેઃ “બિરલાપરિવારની કંપની હિંદ સાઈકલના મૅનેજર મધુસૂદન વોરાએ મને એમના પુત્રને સંગીતની તાલીમ આપવા વિનંતી કરી. હું ત્યારે અવિનાશભાઈના ઘરે (સાંતાક્રુઝ) રહેતો. ત્યાંથી ચાલતો પાર્લા શિષ્યના ઘરે જતો. એક વાર મધુસૂદનભાઈને ખબર પડી કે સંગીતશિક્ષક ચાલતા આવે છે. બીજા જ દિવસે એમણે નવીનક્કોર સાઈકલ સાંતાક્રુઝ મોકલી. સાથે એક ચબરખીઃ હવેથી ચાલતા ન આવશો.”
આ દરમિયાન ૧૯૬૭માં મુંબઈના લબ્ધપ્રતિષ્ઠિત આર.સી. ઝવેરીપરિવારનાં ચેલના ઝવેરી સાથે પુરુષોત્તમભાઈનાં પ્રેમલગ્ન થયાં.
જાહેર કાર્યક્રમોઃ “પહેલો જાહેર કાર્યક્રમ ૧૯૫૦માં મુંબઈના ભુલેશ્વર વિસ્તારની ફૂટપાથ પર. આ કાર્યક્રમના મને પાંચ રૂપિયા મળેલા. એમાંથી બે રૂપિયા ઢોલક વગાડનાર સૂર્યકાંત પંચોલીને આપ્યા. ૧૯૬૨માં પહેલો વિદેશપ્રવાસ ઈસ્ટ આફ્રિકાનો ખેડ્યો. જાણીતા ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા સ્વ. વિપિન રેશમિયા ક્લેરિયનેટ વગાડતા. એમણે ઈસ્ટ આફ્રિકાની ટૂર ગોઠવેલી. વિપિનભાઈ, જો કે, ઍર ઈન્ડિયાના વિમાનમાં ગયા, જ્યારે હું સ્ટેટ ઑફ બૉમ્બે નામની સ્ટીમરમાં, કેમ કે સ્ટીમરનું ભાડું વિમાન કરતાં ઘણું સસ્તું. આ માટે મારે એકાદ મહિના પહેલાં નીકળવું પડ્યું. પછી તો અમે કંઈકેટલા વિદેશપ્રવાસ કર્યા.”
પોતાનું ઘરઃ “૧૯૬૧ની આસપાસ ઉદ્યોગપતિ યોગેશ માણેકલાલે મુંબઈમાં એક કાર્યક્રમ યોજ્યો. આ માટે ‘પુરુષોત્તમ ઉપાધ્યાય ફેલિસિટેશન કમિટી’ બની. આ કાર્યક્રમમાં નેવું હજાર રૂપિયા ભેગા થયા. નેવું હજાર રૂપિયામાંથી મુંબઈમાં પ્રસિદ્ધ બાણગંગા વિસ્તારમાં વન બેડરૂમ-હૉલ- કિચનનો ફ્લૅટ પચ્ચીસ હજાર રૂપિયામાં લીધો. બાકીના પૈસા મેં બૅન્કમાં મૂક્યા. થોડાં વર્ષ બાદ અમે મુંબઈના પ્રસિદ્ધ પૅડર રોડ પર શિફ્ટ થયા.”
ટોટલ એન્ટરટેનરઃ “મારું એવું માનવું છે કે શ્રોતાને કાર્યક્રમનો ભાર ન લાગવો જોઈએ. વચ્ચે વચ્ચે થોડી હળવી વાતો કરી શકાય. પિતાની રમૂજની સૂઝ મને વારસામાં મળી. પિતા વેટરનરી ડૉક્ટર, પણ એમનો સ્વભાવ ભારે ટીખળી. પછી કલ્યાણજી-આણંદજીનો સંગાથ થયો. અવારનવાર કલ્યાણજીભાઈ મને બોલાવતાઃ ‘સાંભળ, અમિતાભ (બચ્ચન) આવે છે. તું આવી જા.’ મારા ઘરથી બે મિનિટના અંતરે આવેલા કલ્યાણજીભાઈના વિમલા મહેલમાં હું પહોંચી જતો. મળસકે ચા-પાણી બાદ અમે છૂટા પડતા. બેંગલોરમાં ‘ફૂલી’ ફિલ્મના શૂટિંગ વખતે અમિતાભના પેટ પર ખલનાયક પુનિત ઈસ્સરનો મુક્કો કંઈ એવો વાગ્યો કે દેશઆખો ઈજાગ્રસ્ત થઈ ગયેલો. એક દિવસ હું એમની ખબર કાઢવા ગયો. મને જોતાંવેંત અમિતાભ પલંગમાં બેઠા થઈ ગયા. કમરેથી લળી, હાથનો લટકો કરતાં બોલ્યાઃ ‘આઈયે ખાં સા’બ… કૈસે હો?’ પછી ખડખડાટ હસી પડ્યા.”
ફિલ્મી સફરઃ પહેલી ફિલ્મઃ ‘લીલુડી ધરતી’ (૧૯૬૮), જેમાં મેં ગૌરાંગ વ્યાસ સાથે સંગીત આપ્યું. પછી તો ‘ઉપર ગગન વિશાળ’થી લઈને ‘કુળદીપક,’ ‘મચ્છુ તારાં વહેતાં પાણી,’ વગેરે જેવી ૨૦થી વધુ ફિલ્મમાં સંગીત આપ્યું, જ્યારે નાટ્યસંગીતયાત્રા આરંભાઈ કાન્તિ મડિયા સાથે. ‘આતમને ઓઝલમાં રાખ મા’ (૧૯૬૮)થી મડિયાનાં તમામ નાટકોમાં સંગીત મારા હસ્તક રહેતું. ‘અમે બરફનાં પંખી’ અને ‘દાદાને આંગણ આંબલો’ જેવાં ૩0થી વધુ નાટ્યગીત-સંગીત…”
દિગ્ગજો સાથે જમાવી જોડીઃ “એ સમયે ગ્રામોફોન કંપનીનો ગુજરાતી ડિપાર્ટમેન્ટ દિલીપભાઈ-પુરુષોત્તમભાઈ સંભાળતા. કંપનીની અદમ્ય ઈચ્છા કે મોહમ્મદ રફી પાસે ગુજરાતીમાં ગવડાવવું. દિલીપભાઈએ આ કામ મને સોંપ્યું. અમે રફી સાહેબના ઘરે ગયા, સ્વરાંકન સંભળાવ્યું. રેકોર્ડિંગ થયું અને સુપરહિટ. ગઝલના શબ્દો? ‘દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી.’ રચયિતાઃ ગની દહીંવાલા. રફી સાહેબ ઉપરાંત મેં લતા મંગેશકર અને આશા ભોસલેથી માંડીને મન્ના ડે, મુકેશ જેવાં બિનગુજરાતીઓ પાસે ગીતો ગવડાવ્યાં. લતા મંગેશકરે પોતાની કારકિર્દીમાં ગાયેલા પહેલા ગુજરાતી ગીતનું સ્વરાંકન કર્યું. કાનમાં મધુર રસ ઘોળે એવી દયારામની મધ્યકાલીન રચનાઃ ‘હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે…’ કે પછી ‘માઝમ રાતે નીતરતી નભની ચાંદની…’ આશા ભોસલેનું ઢોલ ઢમક્યા કે મુકેશનું હરિ હળવે હળવે હંકારો, મારું ગાડું ભરેલ ભારી, વગેરે.
બેગમ અખ્તરે એમની કારકિર્દીમાં માત્ર બે જ ગુજરાતી રચનાને કંઠ આપ્યો. બન્નેમાં સ્વરાંકન મારું. ૧) મરીઝ સાહેબની રચનાઃ ‘મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે…’ ૨) બરકત વીરાણી ‘બેફામ’ની રચનાઃ ‘શું જલું કે કોઈની જાહોજલાલી થાય છે, એ દશા એવી છે જ્યાંથી, પાયમાલી થાય છે…”
0 0 0
ઢળતી સાંજે હવે છૂટા પડવાનું ટાણું આવે છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુરુષોત્તમભાઈની સંગીતસફરનાં સાક્ષી અને સહપ્રવાસી એવાં હંસા દવે કહે છેઃ “એમનો મોટો ગુણ એટલે પોઝિટિવ થિંકિંગ. ગમે તેવું અઘરું ઑડિયન્સ હોય- અમને લાગે કે આજે ભારે થવાની, પણ પુરુષોત્તમભાઈનો જાદુ ચાલે જ ચાલે.”
તો પત્ની ચેલનાબહેન કહે છેઃ “આજે પણ એમને માણસો ગમે છે, એમને મળવું ગમે છે, મહેફિલ ગમે છે, ગાવું ગમે છે. સુરતથી અમુક યુવા સ્વરકારો આજે પણ દર રવિવારે આવે છે માત્ર એમની સમક્ષ ગાવા.”
સાત દાયકા કરતાં વધુ સમયની કારકિર્દીમાં ભારતનો સરકારના પ્રતિષ્ઠિત પદ્મશ્રી સહિત દેશદુનિયાના કંઈકેટલાં માનસમ્માન પુરુષોત્તમભાઈને મળ્યાં. તાજેતરમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર એમને ઘરે હરીશ ભીમાણી તથા અકાદમીનાં અધ્યક્ષ સંધ્યા પુરેચાની ઉપસ્થિતિમાં એનાયત થયો.
જો કે હૃદયનાથ મંગેશકરના કહેવા મુજબ, “આખો મંગેશકરપરિવાર તમને સાંભળે છે એનાથી મોટો એવૉર્ડ કયો હોઈ શકે?”
(તસવીરોઃ દીપક ધૂરી)