ગેમની, ખાસ કરીને ક્રિકેટની ગેમની વાત કરીએ તો આજકાલ આપણા માઠા દિવસો ચાલી રહ્યા છે. આવામાં કોઈ ગેમ ચેન્જ કરવાની વાત કરે તો જરા આનંદ જરૂર થાય, પણ…
ઓકે, પહેલાં આ વાંચોઃ
આશરે ત્રીસ વર્ષથી તમિળ ફિલ્મો બનાવતા એસ. શંકરની મોટા ભાગની ફિલ્મો હિંદીમાં ડબ થઈ છે અથવા હિંદી સિનેમાના સ્ટાર્સ સાથે નવેસરથી બની છે. ‘ગેમ ચેન્જર’ એ એમની પહેલી તેલુગુ ફિલ્મ છે, જે હિંદી તથા અન્ય ભાષામાં ડબ થઈ છે. કથા-પટકથા શંકરે જ લખી છેઃ
નવનિયુક્ત ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રામ નંદન (રામ ચરણ) આવતાંવેંત ગેરકાયદે પ્રવૃત્તિ પર સપાટો બોલાવે છે, એટલે એવી પ્રવૃત્તિમાં રત લોકોનાં પેટમાં તેલ રેડાય છે. આમાં ચીફ મિનિસ્ટર સત્યમૂર્તિ (શ્રીકાંત)નો દીકરો મોપિદેવી (એસજે સૂર્યા) પણ સામલે છે. ખરેખર તો ક્લીન ચીફ મિનિસ્ટરે પોતાના પક્ષના સભ્યો, એમએલએ તથા મિનિસ્ટરોને તાકીદ કરી છે કે ભ્રષ્ટાચારનો અંત લાવો, વહીવટ સ્વચ્છ, પારદર્શક બનાવો. આનાથી ગિન્નાયેલો મોપિદેવીને પિતાને આ લોકમાંથી વિદાય આપવાની યોજના ઘડે છે… પછીની વાર્તા રામ નંદન અને મોપિદેવી વચ્ચેના સંઘર્ષની છે…
મધ્યાંતર ટાણે ફિલ્મની ગતિ ફાસ્ટ થાય છે. ઈન્ટરવલમાં તમે પૉપકૉર્ન ખરીદવા જાઓ ત્યારે વિચારો છો કે “હવે શું?” ઈન્ટરવલ બાદ ફિલ્મ ફ્લૅશબૅકમાં સરી પડે છે, રામ નંદનના પિતા અપ્પઅણા (એ પણ રામ ચરણ)ના પાત્રનો તથા એની રાજકીય વિચારધારાનો આપણને પરિચય કરાવવામાં આવે છે. ફ્લૅશબૅક પૂરો થતાં જ પાછો રામ નંદન અને ચીફ મિનિસ્ટરના બેટાનો સંઘર્ષ શરૂ થઈ જાય છે.
પચીસેક વર્ષ પહેલાં એસ. શંકરે પોલિટિક્સમાંથી કરપ્શન નાબૂદ કરવા સામાન્ય માણસને (અનિલ કપૂર)ને મહારાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો શું થાય? એવા નવીનવાઈના કન્સેપ્ટ પર જકડી રાખતી પોલિટિકલ ફિલ્મ બનાવેલીઃ ‘નાયક.’ ગયા વર્ષે શંકરે પોતાની 1996માં આવેલી પોલિટિકલ ફિલ્મ ‘ઈન્ડિયન’ની સિક્વલ બનાવી ‘ઈન્ડિયન ટુ,’ જે ફ્લૉપ નીવડી.
‘નાયક’ અને ‘ઈન્ડિયન’ની જેમ ‘ગેમ ચેન્જરનો’ મધ્યવર્તી વિચાર પણ રાજકારણ, જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર-નાબૂદી અથવા મનીલેસ પોલિટિક્સ છે, પણ વાર્તા સાવ આઉટડેટેડ અને નાવીન્યના અભાવવાળી છે. દરેક સીન પ્રેક્ષક કલ્પી શકે એવો પ્રિડિક્ટેબલ છે. ડિરેક્શન પણ એવું જ, જૂના જમાનાનું. પ્રિક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ મિડિયોકર અને રોમાન્ટિક ટ્રેક બોરિંગ છે.
ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રામ નંદન જ્યુરિસ્ડિક્શનલ રિસ્ટ્રિક્શનના કારણે પ્રેમિકા (કિઆરા અડવાની)ના જિલ્લામાં પ્રવેશવાનું ટાળે છે. પછી એક સીનમાં પ્રેમિકાના જિલ્લાનો કલેક્ટર રામ નંદનને તતડાવે છેઃ “ખબરદાર જો, જિલ્લાની બાઉન્ડરી ક્રૉસ કરી છે તો…” આ જોઈને પ્રેમિકા જિલ્લાની સરહદ ઓળંગી, પેલે પાર જઈને પ્રેમીને આલિંગન આપે છે. ત્યાર બાદ, રેડિયોવાળા કહે છે એમ દોગાના (ડ્યુએટ) વાગે છે… કૉલેજથી શરૂ થયેલો એમનો રોમાન્સ વર્તમાન સમય સુધી આવે ત્યાં સુધી પ્રેક્ષક કંટાળી જાય. બાવા આદમના જમાનાનો આવો અભિગમ લગભગ મોટા ભાગના સીનમાં જોવા મળે છે. અરે અમુક સીન તો હાસ્યાસ્પદ છે.
આજનો પ્રેક્ષક માત્ર દેશ જ નહીં, વર્લ્ડ પોલિટિકસનું જ્ઞાન (ઓટીટીના કારણે) આપતી ફિલ્મો, વેબસિરીઝ જોતો હોય ત્યારે આઉટડેટેડ અભિગમ કેવી રીતે સહન કરે? આશરે ચૌદ લાખ મતદાતા ધરાવતા મતવિસ્તારના એમએલએને અવગણીને ચીફ મિનિસ્ટર કોઈ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પોતાનો વારસ નીમે એ આવા પ્રેક્ષકના ગળે કેવી રીતે ઊતરે?
ટૂંકમાં ‘ગેમ ચેન્જર’ ચીલાચાલુ પોલિટિકલ ડ્રામા છે. પોંગલ, મકર સંક્રાતિની એવરેજ ગિફ્ટ.