થોડા દિવસ પહેલાં એક બટકબોલા પત્રકારે અનિલ કપૂરને સવાલ કર્યો કે ‘ફાઈટર તો ટૉમ ક્રૂઝની વિદેશી ફિલ્મ ‘ટૉપ ગન’થી પ્રેરિત છેને? ત્યારે અનિલ કપૂરે જવાબ આપતાં કહ્યું કે ‘હું, રિતિક રોશન, દીપિકા પદુકોણ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાવ દેશી છીએ. આમાં વિદેશી ક્યાં આવ્યું?’
ભાઈ અનિલે મશ્કરી કરવા ભલે આવો જવાબ આપ્યો, હકીકત એ છે કે ફિલ્મની સરખામણી ‘ટૉપ ગન’થી, ‘ટૉપ ગન મેવેરિક’થી, ‘ઉરિ’થી અને સિદ્ધાર્થ આનંદની જ આગલી ફિલ્મો (વૉર, પઠાન, વગેરે)થી થયા વગરે રહેશે નહીં. કહો કે એ આ બધી ફિલ્મોની અથવા ભેળપૂરી છે. ‘ટૉપ ગન’માં ટૉમ ક્રૂઝ કહે છે કે ‘અમેરિકા વન્ડરફુલ કન્ટ્રી છે’ તો ‘ફાઈટર’ કહે છે કે ‘બાપ તો હિંદુસ્તાન જ છે.’ મુશ્કેલી એ છે કે ફિલ્મ બાપના લેવલ સુધી પહોંચવામાં જરીકમાં લક્ષ્ય ચૂકી ગઈ. ના ના, એનો અર્થ એ નથી કે ‘ફાઈટર’ બકવાસ છે. ફિલ્મ ઠીકઠાક છે. બલકે ‘પઠાન’ કરતાં બેટર છે.
વીસેક વર્ષ પહેલાં રિતિક રોશન ડિરેક્ટર ફરહાન અખ્તરની ‘લક્ષ્ય’માં બેફિકરો જુવાન હતો, જેને લશ્કરમાં જોડાયા પછી, કૅપ્ટન કરણ શેરગિલ બન્યા પછી જીવનનું ધ્યેય મળે છે. પાંચેક વર્ષ પહેલાં આવેલી ‘વૉર’માં એ સિક્રેટ એજન્ટ મેજર કબિર ઢાલીવાલ હતો, જે પછી એન્ટી ઈન્ડિયન બને છે. હવે એ સ્ક્વૉડ્રન લીડર શમશેર પઠાણિયા છે. ફ્રેન્કલી, ઝાઝો ફરક નથી આ ત્રણેમાં. હા, એક વાત પાકી કે, ‘ફાઈટર’માં ફૅન્સને જલસો પડી જાય એ રીતે રિતિકને રજૂ કરવામાં આવ્યો છે. એ ચાર્મર છે, એ નાચી શકે છે, ગાઈ શકે છે, ડેન્જર ઝોનમાં વિમાન ઉડાડી શકે છે. ઈન ફૅક્ટ, દેશને પ્યાર કરો એવો સંદેશ આપતી આ ફિલ્મ રિતિકને જ પ્યાર કરો એવો મેસેજ પણ આપે છે. થોડા જ સમય પહેલાં પચાસનો થયેલો રિતિક પણ પોતાની ભૂમિકામાં ઓતપ્રોત થઈ ગયો છે.
આશરે અઢી કલાકની ફાઈટરની કથાના નિર્માતા અને સહલેખક રમણ છિબ પોતે હવાઈ દળમાં ફરજ બજાવી ચૂક્યા છે. વાર્તા પુલવામા-ઍટેકની આસપાસ લખવામાં આવી છે. 2019ના ફેબ્રુઆરીમાં રોજ સીઆરપીએફની એક ટુકડી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ એમની પર હુમલો કર્યો. જેમાં આપણા જાંબાઝ સિપાહીઓ શહીદ થયેલા. આના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદની છાવણી પર હવાઈ હુમલો કર્યો.
પુલવામા ઍટેકથી રાતોચોળ થયલો ગ્રુપ કૅપ્ટન રાકેશ જયસિંહ (અનિલ કપૂર) ભારતીય હવાઈ દળના શ્રેષ્ઠ કહેવાય એવા વિમાનવીરોની એક ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવે છેઃ ‘આપ લોગોં કો હૅન્ડપિક કિયા ગયા હૈ!’ આમાં સામેલ છે સ્ક્વૉડ્રન લીડર શમશેર પઠાનિયા પૅટ્ટી (રિતિક), સ્ક્વૉડ્રન લીડર મીનલ રાઠોડ (દીપિકા પદુકોણ), તાજ (કરણસિંહ ગ્રોવર), બશીર ખાન (અક્ષય ઓબેરોય), વગેરે.
2019માં આદિત્ય ધરની ‘ઉરિઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં નેશનલ સિક્યોરિટી ઍડવાઈઝર અજિત ડોવલથી પ્રેરિત કૅરેક્ટર (પરેશ રાવલ) સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ઍડવાઈસ આપતાં કહે છેઃ ‘યે નયા ભારત હૈ. ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી.’ તો અહીં સંવાદ છેઃ ‘ઉનકો દીખા દેતે હૈં કિ પિતાશ્રી કૌન હૈ.’ અને સરહદની પેલે પાર એક ટેરરિસ્ટ છે અઝહર અખ્તર (રિશભ સાહની), જે ડાયલોગ પર ડાયલોગ માર્યા કરે છે- ઝેર ઑકતા ડાયલૉગ.
ફિલ્મમાં તમામ નાનામોટા કલાકારોનો અભિનય ઉમદા છે. દીપિકા પદુકોણે એને ભાગે આવેલા બે-ચાર સીન્સ પ્રામાણિકતાથી ભજવ્યા છે. ખાસ તો ઍરબેઝ પર એનાં માતા-પિતા સાથેનો સીન. ક્લાઈમૅક્સમાં પૅટ્ટી અને અઝહરની ફાઈટ સ-રસ શૂટ થઈ છે, ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટસ સાફસૂથરી છે, ખાસ કરીને હવાઈ હુમલાનાં, લડાઈનાં દશ્ય, બરફાચ્છાદિત પહાડોના એરિયલ શૉટ્સ, વગેરે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ આવેલી ‘ફાઈટર’ એક ટિપિકલ મસાલા મનોરંજન છે. એક વણમાગી સલાહઃ છેલ્લા થોડા સમય દરમિયાન આવેલા આ જ શ્રેણીનાં, ભારતીય સૈનિકો પર આધારિત વેબ શોઝ-ફિલ્મ જેવાં કે, ‘બ્રેવહાર્ટ્સઃ ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઑફ હીરોઝ,’ ‘મૅજર,’ ‘કોડ એમ-સીઝન 2,’ ‘શૂરવીર’ અને ‘અવરોધ’ પણ જોઈ શકો.