અમદાવાદના ઉજ્જવલ શાહને મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા “એપલ” કંપનીના અદ્યતન સ્ટોરમાં પ્રવેશીને નવા રજૂ થયેલા આઈફોન 16ના પહેલા ગ્રાહક બનવું હતું. આ માટે એ સ્ટોરની બહાર 21 કલાક લાઈનમાં ઊભો રહ્યો. સવારે સ્ટોર ખૂલ્યો ને આઈફોનનો દિલફાડ પ્રેમી ઉજ્જવલકુમાર આઈફોન 16 ખરીદનારો ફર્સ્ટ કસ્ટમર બનીને જ જંપ્યો.
આજથી દસ-બાર વર્ષ પહેલાં ચીનના એક 17વર્ષી યુવાને આઈફોન અને આઈપૅડ ખરીદવા પોતાની કિડની વેચી કાઢેલી. ફોન માટે કિડની વેચવાનું ગાંડપણ શું કામ? એવા સવાલનો જવાબ આપતાં એણે કહ્યું કે “બે કિડનીની મારે શું જરૂર? એક ઈનફ છે.” કમનસીબે ગેરકાયદે કિડની કઢાવીને વેચવામાં એવો લોચો પડી ગયો કે એ હંમેશ માટે પથારીવશ થઈ ગયો.
આજકાલ આઈફોન હસ્તગત કરવા જેવી દીવાનગી “કોલ્ડપ્લે”ની ટિકિટ મેળવવાની જોવા મળી રહી છે. સોશિયલ મિડિયા, આઈટી ઑફિસો, કૉલેજ-કેન્ટીન કે કૉફી શૉપ્સમાં “કોલ્ડપ્લે” “કોલ્ડપ્લે”નાં જ ભજન-કીર્તન થઈ રહ્યાં છે. એ પહેલાં અરજિતિસિંહ, દિલજિત દોસાંજનાં કન્સર્ટ્સ તથા એની ટિકિટના ભાવ છાપે ચડ્યા.
ઓક્કે, જે વાચકો મોડા પડ્યા છે એમને માટે ઝડપી રિરનઃ 2025ના જાન્યુઆરીમાં નવી મુંબઈમાં બ્રિટિશ બૅન્ડ “કોલ્ડપ્લે”ના લાઈવ કન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયાના માત્ર અડધા કલાકમાં વેચાઈ ગઈ. કહે છે કે કન્સર્ટની ટિટિક માટે એક કરોડથી વધુ સંગીતદીવાના (ઑનલાઈન) કતારમાં ઊભા છે. એમના માટે કિંમત કોઈ ઈશ્યુ નથીઃ લાખ-બે લાખ-પાંચ લાખ? તમે ખાલી ભાવ બોલો.
“કોલ્ડપ્લે” એક બ્રિટિશ રૉક બૅન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થયેલી. આ સંગીતટોળી એના લાઈવ પરફોરમન્સ માટે જાણીતી છે, કારણ કે એ પોતાની કળાથી પૉપ્યુલર કલ્ચર પર જબરદસ્ત અસર કરે છે. બૅન્ડમાં હાલ જૉની બકલૅન્ડ-ક્રિસ માર્ટિન-ગાય્ બેલ્મિન અને વિલ ચૅમ્પિયન છે.
ધોળિયા સંગીતકાર-ગાયકો માટે આપણે ત્યાં આવું ગાંડપણ જોઈને ઈન્ટરનેટ પર એની ઠઠ્ઠા-મશ્કરી ચાલી, જાતજાતનાં મીમ્સ, જોક્સ બન્યાં. પછી સમાચાર આવ્યા કે નવી મુંબઈના જે સ્ટેડિયમમાં આ કન્સર્ટ યોજાયો છે તે વિસ્તારની હોટેલોનાં ભાડાં (કન્સર્ટને દિવસે) પાંચ-દસ ગણા વધી ગયા છે.
આવું ગાંડપણ શીદને? પણ એ પછી- પહેલાં તમે આ વાંચોઃ
થોડા સમય પહેલાં એક જાણીતા ગુજરાતી નાટ્ય-ફિલ્મદિગ્દર્શક સાથે વાત ચાલી રહી હતી. નેશનલ એવૉર્ડથી સમ્માનિત એ ડિરેક્ટરે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે “કોવિડ પછી ગુજરાતી રંગભૂમિના પ્રેક્ષકો ઘટી રહ્યા છે. ઓર્કેસ્ટ્રામાં પિક્ચરનાં ગીત સાંભળવા હજાર-બે હજાર રૂપિયા ખર્ચનારા નાટકની ટિકિટના પાંચસો-સાતસો કેમ ખર્ચતા નથી? ગીતો, ખરેખર તો, સાંભળવાનાં છે, જ્યારે નાટક જોવા-માણવાનો એક જીવંત અનુભવ છે. ઑનલાઈન (મ્યુઝિક) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સના યુગમાં લાઈવ કન્સર્ટ્સનું આવું આકર્ષણ શું કામ?”
-કારણ કે સંગીત જલસો માત્ર સંગીત વિશે નથી, પણ એક અનુભવ છેઃ વિરાટ સ્ટેજ, સેટિંગ્સ, અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને માહોલ. આજના હડહડતા સોશિયલ મિડિયા યુગમાં લાઈવ કન્સર્ટમાં સહભાગી થવાનું સૌથી મોટું આકર્ષણ છેઃ “આપણે પણ ત્યાં હતા હોં” એવી હોંશિયારી અને “ત્યાં” એટલે કે કન્સર્ટ (કે એવા કોઈ મોટા ઈવેન્ટમાં) હોવાની સાબિતી રૂપે ઈન્સ્ટા, ફેસબુક, સ્નૅપચૅટ પર અપલોડ થતા ફોટા-વિડિયો.
જેમ કે, પૉપના પાદશાહ મરહૂમ માઈકલ જેક્સનનો ભારતમાં પહેલો ને છેલ્લો, એકમાત્ર કન્સર્ટ 1996માં મુંબઈમાં થયેલો. એમાં સહભાગી થનારા મારા જેવા આશરે પાંત્રીસેક હજાર લોકો એ સંગીતજલસાની લોકકથા આજે પણ સગર્વ કહે છે. “કોલ્ડપ્લે” હોય, અરિજિતસિંહ હોય કે દિલજિત દોસાંજ હોય, લાઈવ કન્સર્ટમાં ચાહકો પોતાના સ્ટાર સાથે લાઈવ સંવાદ સાધી શકે છે. ચાહક માટે આ દિવ્યતાનો અનુભવ હોય છે.
બીજી બાજુ કલાકારો માટે પણ સંગીતજલસા એવી જગ્યા હોઈ શકે, જ્યાં તેઓ ચાહકો સાથે કનેક્ટ થઈ શકે. આ વર્ષના મે મન્થમાં મુંબઈના વિશ્વવિખ્યાત ષણ્મુખાનંદ ઑડિટરિયમમાં “શતાયુ મુકેશ” કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. સુપ્રસિદ્ધ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની પ્રેરણાથી મુંબઈના હરેશ મહેતા અને એમની ખંતીલી ટીમે સ્થાપેલા “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન” સંચાલિત, સાવરકુંડલામાં નિઃશુલ્ક ઈલાજ કરતા “શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ના ફંડ રેઈઝર માટે યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય કલાકાર હતા મુકેશના પુત્ર નીતિન મુકેશ. હકડેઠઠ મેદની મનભરીને મુકેશનાં ગીતો માણી રહી હતી. અને જ્યાં નીતિનજીએ “જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે” રજૂ કર્યું ને 80-85 વર્ષના વડીલોથી લઈને મધ્યવયસ્ક સિનેમાસંગીત-પ્રેમીઓ સ્ટેજ પાસે આવીને નાચવા લાગ્યા. પછી તો નીતિનભાઈએ પપ્પાએ સ્વરબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો રજૂ કર્યાં ત્યારે વાતાવરણમાં ઉન્માદ છવાઈ ગયો.
વાત આ જ છેઃ લાઈવ સંગીતજલસાનો સૌથી મોટો યુએસપી એ છે કે એ ફૅન્સને જીવનભરનું સંભારણું સર્જી આપે છે.
હવે આવતા સપ્તાહથી નવ-દસ દિવસ ગુજરાત, મુંબઈમાં ખેલૈયા વિવિધ કલાકારના કંઠે ગવાતા લાઈવ ગરબા, ગુજરાતી-હિંદી ગીતોના તાલે ઝૂમશે.
ભલે. જેને જે ગમે એ એન્જોય કરે, પણ પ્લીઝ પ્લીઝ… ગુજરાતી નાટકો પણ જોવા જાઓ. કોમેડી, પારિવારિક, સસ્પેન્સ, સાઈકોલોજિકલ થ્રિલર જેવાં નાટકનાં મંચન આપણા પ્રતિભાશાળી નાટ્યકારો કરે છે. આ વીકએન્ડમાં જ જાઓ.
સાંભળો, થર્ડ બેલ વાગે છે.