છએક મહિના પહેલાંની વાત. સવારના પહોરમાં વડીલ સન્મિત્ર નટુભાઈ બુદ્ધદેવનો ફોન આવ્યોઃ “કેતનભાઈ, અત્યારે મને ‘ક્રિટી કૅર’ હૉસ્પિટલમાં ઍડમિટ કર્યો છે. આમ તો મજામાં છું. તમને ફોન એટલા માટે કર્યો કે મારી બાજુના રૂમમાં કોઈ ફિલ્મ પર્સનેલિટી ઍડમિટ છે. નામ યાદ નથી આવતું. જુઓને, કાળા ગોગલ્સ, ગળામાં ગોલ્ડ ચેઈન, ભડકીલા રંગવાળાં કપડાં પહેરે છે…”
“બપ્પી લાહિરી?”
“હા હા એ જ. કંઈ શ્વાસની તકલીફ માટે ઍડમિટ કર્યા છે…”
નટુભાઈ જેને શ્વાસની તકલીફ તરીકે વર્ણવતા હતા એ ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ નામની નિદ્રા સાથે જોડાયેલી બીમારી સૂરોત્તમ બપ્પીદા માટે જીવલેણ સાબિત થઈ. આમાં ભરઊંઘમાં રહેલી વ્યક્તિને અચાનક શ્વાછોશ્વાસની તકલીફ થાય, શ્વાસ બંધ થાય, ફરી શરૂ થાય, શરીરને ઑક્સિજન મળવાનો બંધ થાય, હાંફ ચડી આવે, ગભરામણ થાય. એકાદ વર્ષથી બપ્પીદા ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆનો ઈલાજ કરાવતા હતા.
-અને મંગળવાર, 15 ફેબ્રુઆરીની મોડી રાત કે 16 ફેબ્રુઆરીના ભળભાંખળે વૉટ્સઍપ રણકવા માંડે છેઃ ભારતરત્ન લતા મંગેશકર બાદ દિગ્ગજ સંગીતકાર બપ્પી લાહિરીની વિદાય. આરઆઈપી. આમીર ખાનના પપ્પાએ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’ માટે મ્યુઝિક આપેલું, ભાવના ભટ્ટ હીરોઈન હતી, આ જ ફિલ્મ હિંદીમાં પણ બનેલી, વગેરે વગેરે.
કમનસબી જુઓ, દેશમાં પાંચ રાજ્યની ચૂંટણીનાં વાજાં-નગારાં-ઢોલના નિનાદમાં બપ્પીદાના અવસાનની નોંધ જોઈએ એવી લેવાઈ નહીં, નહીંતર તો જાણીતી વ્યક્તિના અવસાનની રજેરજની વિગતો, બ્રેકિંગ ન્યુઝ, આપવાનો રિવાજ છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 27 નવેમ્બર, 1952ના રોજ ક્લાસિકલ સિંગર બાંસુરી અને સંગીતકાર અપરેશ લાહિરીને ઘેર જન્મલા બાળકનું નામ માવતરે તો આલોકેશ પાડ્યું, પણ એ દેશ-દુનિયામાં પંકાયો હુલામણા નામ બપ્પીથી. 11 વર્ષની વયે બંગાળી ફિલ્મ ‘દાદૂ’ માટે સંગીત સર્જનાર બપ્પીદા માટે જિનિયસ શબ્દ ટૂંકો પડે એવું એમનું સિનેમાસંગીતમાં પ્રદાન હતું. પાંચ દાયકાની કારકિર્દી, સાડાછસ્સો જેટલી ફિલ્મો, નવ હજારથી વધુ સ્વરાંકન, કંઈ કેટલા માનઅકરામ.
જુહુ પર આવેલા ‘લાહિરી હાઉસ’માં બેસીને બપ્પીદા સાથે જૂની વાતો વાગોળવી એ એક લહાવો હતો. વાતચીતમાં એ ગીત પણ સંભળાવતા. ક્યારેક એમની બોલીમાં, ઉચ્ચારમાં બાંગલાનો પાશ વીંટળાઈ વળે. આવા જ એક અન્ય પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં એમણે કહેલું કે “એક સમયે હિંદી સિનેમાસંગીતમાં પ્રેરણાની બોલબોલા હતી. અહીંતહીંથી નકલ કરવાનો એક રિવાજ થઈ પડ્યો હતો. 1981માં મેં ‘જ્યોતિ’ ફિલ્મ માટે લતાજીના અવાજમાં ‘કલિયોં કા ચમન તબ ખીલતા હૈ’… રેકોર્ડ કરેલું, જે 1990ના દાયકામાં રિમિક્સ કરવામાં આવ્યું. અમેરિકન સંગીતકાર ડૉ. ડ્રેએ આ ગીત (અથવા ગીતની અમુક કડી) એના ‘ઍડિક્ટિવ’ નામના આલબમમાં ઉઠાવેલી. મેં એની પર કેસ ઠોકી દીધેલો, જે હું જીતી ગયેલો અને એણે મને ક્રેડિટ્સ આપી. હું જીત્યો, મને શ્રેય મળ્યું. વાત પૂરી. હું ખુશ છું.”
એ અરસામાં રિમિક્સના ગાંડપણ વખતે સૌથી વધુ રિમિક્સ બપ્પીદાનાં સોંગ જ થયાં. 2021માં આવેલી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં એમનું ‘યાર બિના ચૈન કહાં રે’ (‘સાહેબ’) જોવા મળ્યું તો ‘બાઘી-3’માં ‘એક આંખ મારું તો’… (‘તોહફા’) લેવામાં આવ્યું હતું. 2019માં આવેલી ઈમરાન હાશમીની ‘વ્હાય ચીટ ઈન્ડિયા’માં ‘દિલ મેં હો તૂમ આંખો મેં તૂમ’… પુનઃ સર્જવામાં આવ્યું. એમનું ‘ડિસ્કો ડાન્સર’ અને ‘જિમ્મી જિમ્મી જિમ્મી… આજા આજા આજા’ એ હદે પૉપ્યુલર થયેલું કે ઑસ્કાર નૉમિનેટેડ સિંગર M.I.A.એ એ ગાયેલું.
2014માં પશ્ચિમ બંગાળના શ્રીરામપુર મતવિસ્તારમાંથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને પોલિટિક્સમાં નિષ્ફળ ટ્રાય મારનારા બપ્પીદા એલ્વિસ પ્રિસ્લીથી પ્રભાવિત હતા. કદાચ એટલે જ એમણે એલ્વિસની જેમ પોતાનો એક અલગ અંદાજ, અલગ લુક રાખ્યો હતોઃ આંખો પર બ્રાન્ડેડ ડાર્ક સનગ્લાસીસ, જમણા કાંડા પર સોનાનાં કડાં, ડાબા કાંડા પર મસમોટા ડાયલવાળી ગોલ્ડપ્લેટેડ વૉચ, ગળામાં વિવિધ દેવતાનાં લૉકેટવાળાં સોનાના ચેઈન.
‘ચિત્રલેખા’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે મેં એમને પૂછેલું તો એમનો જવાબ હતોઃ “આ બધું સોનું મને મારી માતા, પત્નીએ ભેટ આપેલું છે. એ (ગોલ્ડ) મારી રક્ષા કરે છે, મારા માટે શુકનવંતાં છે. લોકો ભલે મારી મજાક ઉડાડે. મને પરવા નથી, હું તો નિજાનંદમાં મારું કામ કર્યે જાઉં છું.”
અલવિદા બપ્પીદા.