આજે ‘વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે’: હકીકતો જાણો…

બીજી એપ્રિલે વિશ્વભરમાં ઓટિઝમ અંગે જાગૃતિ ફેલાવવાના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કોઈ બાળકમાં સામાજિક સ્કીલ, સામાજિક સંવાદની કળા, બોલવાને લગતી સમસ્યા વગેરે હોય ત્યારે તેને ઓટિઝમની સમસ્યા હોવાની શક્યતા રહે છે. વિશ્વમાં દર 54માંથી એક બાળકને ઓટિઝમ અથવા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) હોવાની શક્યતા છે. તે એક સામાન્ય ન્યુરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. તેમાં બાળકને ખેંચ આવવી, ઉંઘવામાં ખલેલ પહોંચવી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર, ચિંતા, તણાવ, ધ્યાન આપવામાં મુશ્કેલી, હાઈપરએક્ટિવિટી, વગેરે સમસ્યા સાથે હોઈ શકે છે.

બાળકોના વાલીઓ, ડોક્ટરો અને શિક્ષકોએ ઓટિઝમના લક્ષણોને શરૂઆતથી જ ઓળખવા માટે સક્ષમ હોય તે જરૂરી છે જેથી તેના માટે વહેલી તકે કામગીરી કરી શકાય.

ઓટિઝમને કઈ રીતે ઓળખશો?

બાળક જ્યારે આંખ મિલાવવામાં તકલીફ અનુભવતું હોય, પોતાનું નામ યોગ્ય રીતે ન કહી શકે, નોન-વર્બલ કોમ્યુનિકેશનમાં તકલીફ હોય અથવા તમે કોઈ ચીજ તરફ આંગળી ચીંધો અને તે પ્રતિભાવ આપી ન શકે ત્યારે ઓટિઝમની શક્યતા હોઈ શકે છે.

આમ તો બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને ઓટિઝમ હોય તો અંદાજ આવી જાય છે, પરંતુ મોટા ભાગના પ્રોફેશનલો કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા 18 મહિના સુધી રાહ જોતા હોય છે. એવું પણ બને કે બાળકનો 15થી 18 મહિના સુધી યોગ્ય રીતે વિકાસ થયો હોય પરંતુ પછી સામાજિક રીતે ભળવામાં અને કોમ્યુનિકેશનમાં તે પાછળ રહી જાય ભારતમાં સરેરાશ 41 મહિનાથી 55 મહિનાની વચ્ચે ઓટિઝમનું નિદાન થતું હોય છે. ઓટિઝમની મુખ્ય સારવાર થેરાપી છે, અને જેટલી વહેલી તકે થેરાપી ચાલુ કરવામાં આવે તેટલું  સારુ પરિણામ મળે છે.

કેટલીક વખત એકથી બે વર્ષની વય વચ્ચે બાળક પોતાની ભાષા, રમતગમત અને સામાજિક સ્કિલમાં પાછળ રહી જાય છે. કયા બાળકો ઓટિઝમમાં સરી જાય છે તે હજુ નિષ્ણાતો પણ નક્કી કરી શક્યા નથી.વધુ ટીવી કે મોબાઇલ જોવાથી, એકલા રહેવાથી, અપુરતા ખોરાકથી, કે વેક્સિનેશનથી ઓટિઝમ થતો નથી.

બાળકના તમામ રિપોર્ટ નોર્મલ હોય તો પણ ઓટિઝમનો અંદાજ આવી શકતો નથી. તેના બ્લડ ટેસ્ટ કે બ્રેઈન સ્કેનમાં પણ આ વાતની જાણકારી મળતી નથી. પ્રોફેશનલો દ્વારા બાળકના એકંદર વિકાસની સમીક્ષા કરીને તેની સ્થિતિ સમજવામાં આવે છે. ખાસ કરીને વાલીઓ તરફથી અત્યંત વધારે કાળજી રાખવી પડે છે.

બાળકને ઓટિઝમ શા માટે થાય છે?

બાળકને શા માટે ઓટિઝમ થાય છે તેનું કોઈ ચોક્કસ કારણ નથી. રિસર્ચ પરથી જાણવા મળે છે કે કેટલાક જિનેટિક અને પર્યાવરણીય ફેક્ટર તેમાં ભૂમિકા ભજવતા હોઈ શકે છે. એએસડી સાથે સંકળાયેલા જિન્સની સંખ્યા 100થી પણ વધારે છે. આ ઉપરાંત મોટી ઉંમરે બાળક આવ્યું હોય, બાળક અત્યંત પ્રિમેચ્યોર હોય, જન્મ સમયે તેનું વજન ઓછું હોય કે મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં પણ ઓટિઝમની શક્યતા વધી જાય છે

એટલું યાદ રાખો કે ઓટિઝમની કોઈ દવા નથી. ઓટિઝમ એ કોઈ બીમારી નથી પરંતુ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. હા, બાળકની આક્રમકતા કે હાઈપર એક્ટિવિટી ઘટાડવા માટે દવા આપી શકાય છે. બાળકમાં કોઈ તત્ત્વોની ઉણપ હોય તો તેને આયર્ન, વિટામીન ડી કે મલ્ટિવિટામિન આપી શકાય. બાળકને ઓટિઝમ હોય તો તેને ડોક્ટરની સલાહ પ્રમાણે જ ઉછેરવું જોઈએ.

(ડો. દીપિકા જૈન)

(લેખિકા ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશ્યન અને એલજી ગવર્મેન્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ છે)