ભારતના લગભગ મોટાભાગના જંગલોમાં જોવા મળતા “બાર્કીંગ ડીઅર” ની એક અલગ જ ખાસીયત છે. જંગલોમાં સરળતાથી જોવા ન મળતા આ હરણ કદમાં બે ફૂટથી પણ નાના હોય જેેથી મોટાભાગે વૃક્ષો નીચેની ગીચ જાડીમાં છુપાઈને જ રહે છે. “બાર્કીંગ ડીઅર” ને Indian muntjac તથા કાંકર, કાંકડ કે ભેંકડ જેવા નામોથી પણ ઓળખાય છે.
સામાન્ય રીતે માણસ કે વાહનથી ડરતું આ હરણ જંગલના રસ્તે પણ જવ્વલેજ જોવા મળે છે. આ હરણ જંગલમાં છુપાઈ ને રહે છે અને ચોક્કસ પ્રકારે ભસવા જેવો અવાજ કરે છે. તેના ભસવા જેવા અવાજ ને કારણે જ તે “બાર્કીંગ ડીઅર” કે ભેંકડ તરીકે ઓળખાય છે.
જંગલની ઝાડીઓમાં છુપાઈને પોતાના બાર્કીંગ “એલાર્મ કોલ”થી જંગલના પ્રવાસીઓ અને ચિતલ, સાંભર જેવા પ્રાણીઓને એલર્ટ આપે છે. શિકારી પ્રાણીઓ જેવા કે વાઘ, દિપડા કે “ધોલ” આસપાસમાં હોવાની માહિતી આપવામાં બાર્કીંગ ડીઅર મહત્વની ભૂમિકા ભજવે છે.