જામનગરઃ એસ્સાર ગ્રુપની આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૩૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણની યોજના છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીનાં ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે. કંપની તેની યુકેની તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની અને લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે LNG અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાની યોજના ઉપર કાર્યરત છે, એમ ગ્રુપના મૂડીરોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ જણાવ્યું હતું. ગ્રુપ દ્વારા આ સાથે ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટર્બાઇન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ છે.
એસ્સાર ફયુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં એક ગિગાવોટ હાઈડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે તેને સંલગ્ન એક મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે. “અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવાના છીએ,” એમ તેમણે જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ ઉપરાંત, 2022માં કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી દેણાંવિહોણું બનેલું આ ગ્રુપ, આગામી ૩-૫ વર્ષમાં લગભગ ૧૦૦૦૦ મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યાંકને પહોંચવા, તેની કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર પાવરના સલાયા-દ્વારકા સ્થિત ૧૨૦૦ મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના ૧૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.