ચેન્નઈઃ તામિલનાડુમાં એક વધુ DMK મંત્રીને ત્યાં EDના દરોડા પડ્યા છે. DMKના નેતા અને તામિલનાડુના મંત્રી દુરઈ મુરુગનથી જોડાયેલાં અનેક સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા 2019માં નોંધાયેલા એક કેસને લઈને પાડવામાં આવ્યા છે.
દુરઈ મુરુગન તામિલનાડુમાં સત્તારૂઢ DMKના મહાસચિવ અને CM એમ. કે. સ્ટાલિનના નજીકના સહયોગી છે. તેઓ ભૂતપૂર્વ CM કરુણાનિધિની નજીકની વ્યક્તિ હતા. તામિલનાડુના જળ સંસાધન મંત્રી દુરઈ મુરુગનના વેલ્લોર જિલ્લોમાં ઘણો પ્રભાવ છે. DMKના બે અન્ય મંત્રી સેંથિલ બાલાજી અને કે. પોનામુડી પણ મની લોન્ડરિંગના આરોપમાં EDના કેસોનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ બાલાજીને આ મામલે જામીન આપ્યા છે. જે પછી બાલાજી ફરીથી સ્ટાલિન સરકારમાં મંત્રી બની ગયા છે.
વર્ષ 2019માં કથિર આનંદ અને તેમની સાથે જોડાયેલાં સ્થાનોમાંથી રૂ. 11 કરોડની બેહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી. જેને પગલે વેલ્લોરમાં લોકસભા ચૂંટણી રદ કરવી પડી હતી. કથિર આનંદ DMKના વરિષ્ઠ નેતા અને તામિલનાડુમાં બીજા ક્રમના નેતા એસ. દુરઈમુરુગનના પુત્ર છે અને વેલ્લોર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
EDએ મની લોન્ડરિંગ મામલે DMK નેતા અને સાંસદ કથિર આનંદનાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. રૂ. 11 કરોડની રોકડ જપ્તીને મામલે EDએ કથિર આનંદનાં સ્થાનો પર ફરી દરોડા પાડ્યા છે.