ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધની માગ, હાઈકોર્ટની સરકારને ટકોર

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે બજારમાં પતંગ, દોરા સહિત ઉત્તરાયણની વિવિધ વસ્તુનું ધુમ વેચાણ શરૂ ચુક્યું છે. આ સાથે ચાઈનીઝ દોરાનો વેપલો પણ વધ્યો છે. જેનાથી પક્ષી સહિત માણસોને પણ ખતરો છે. ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં તે આવે છે ક્યાંથી? ખુલ્લેઆમ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે, છતા પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આવા જ કેટલાક સવાલ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.

આ અરજીમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર રોક લગાવવાની માગ કરાઈ છે. જે મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવાની સૂચના આપી છે.  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉતરાયણ દરમિયાન રાજ્યમાં 13 હજાર જેટલા પક્ષી ઘાયલ થયા હતા અને 01 હજાર કરતાં વધુ પક્ષીઓના મોત થયા હતા. 24 ડિસેમ્બર, 2024ના રોજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિરુદ્ધ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યના દરેક શહેરના પોલીસ કમિશનર, કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદક, વેચાણકર્તા, ખરીદનાર અને વાપરનારા સામે પગલાં લેવા જણાવાયું છે. જેની ડ્રાઇવ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા લોકોને અરેસ્ટ કરીને આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવે છે. આ મુદ્દે જાગરૂકતા અભિયાન પણ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. રાજ્યમાં છાનીછૂપી રીતે કેટલાક શખસો દ્વારા ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ કરતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. બીજી તરફ તુક્કલના કારણે આગ લાગવા જેવી ઘટના બનતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવા સરકારને સૂચના આપી છે.