લખનઉમાં માતા અને બહેનોના બનેલા કાળની ક્રાઈમ કુંડળી આવી સામે

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉથી નવા વર્ષની શરૂઆતમાં જ ચોકાવનારી ઘટના સામે આવી છે. એક પુત્ર જ પોતાની માત અને ચાર બહેનોનો કાળ બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે હત્યારાની ક્રાઈમ કુંડળી જાહેર થઈ છે. આરોપીએ અગાઉ પણ હત્યાને અંજામ આપ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ આગ્રાના કુબેરપુરમાં રહેતા અરશદે માતા અને બહેનોની હત્યા પહેલાં પોતાની જ દીકરીની પણ હત્યા કરી હતી. તેમજ તેની પત્ની પણ ગુમ હોવાની માહિતી મળી રહી છે. અને માતા-બહેનોની હત્યા બાદ તેના પિતા પણ ગુમ છે. આ સિવાય થોડા દિવસ પહેલાં અરશદે એક દુકાનદાર પર પણ ઘાતકી પથ્થરમારા વડે હુમલો કર્યો હતો. અરશદના પાડોશીઓના જણાવ્યા અનુસાર, તે ખૂબ અજીબ પ્રકારનો વ્યક્તિ હતો. તે આસપાસના લોકો સાથે અવારનવાર વાતવાતમાં ઝઘડો કરતો હતો. તેનો પરિવાર પણ ખૂબ ઓછા લોકો સાથે વાતચીત કરતો હતો. આખો પરિવાર ઘણીવાર બે-બે મહિના સુધી ગુમ થઈ જતો હતો. આરોપી અરશદે હત્યા બાદ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કબૂલ્યું છે કે, તેણે જ પોતાની ચાર બહેનો અને માતાને મોતને ઘાટ ઉતારી છે. આ હત્યા કરવા પાછળ મહોલ્લાના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. તેણે વીડિયોમાં ધર્મ પરિવર્તન અને ઘર છીનવી લેવાના આરોપ મૂકતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. અરશદે પાડોશીઓએ તેનું ઘર છીનવી તેને અને તેના પિતાને જેલભેગા કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ પણ મૂક્યો છે. તેમજ તેની બહેનોને વેચી દેવાની ફિરાકમાં અમુક લોકોના નામ પણ આપ્યા છે.

અરશદ તેના પરિવાર સાથે 30 ડિસેમ્બરે લખનઉ આવ્યો હતો. અહીં તે શરણજીત હોટલમાં રોકાયો હતો. જ્યાં બુધવારે નવા વર્ષના સૂર્યની પહેલી કિરણે જ પોતાના પરિવારની નિર્મમ હત્યા કરી દીધી હતી. તેના પિતા ફરાર છે. પ્રારંભિક ધોરણે પોલીસે અંદાજ લગાવ્યો છે કે, તેના પિતા પણ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હશે. અરશદ ફરાર થાય તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યાન પાછળનું કારણ પારિવારિક કંકાસ ગણાવ્યો છે.