ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા સૌથી ઠંડુગાર

ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પૂર્વીય દિશા તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે નલિયા 6.5 ડિગ્રી લઘુતાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકાર જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં પાછલા ત્રણ દિવસ મોસમી પલટા બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. ગત રાતે નલિયા ઉપરાંત અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં ડીસા, ગાંધીનગર, ભુજ, રાજકોટનો સમાવેશ થાય છે. રાજકોટમાં 11 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અલબત્ત, બે દિવસ બાદ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીને પાર થયું હતું. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 9.6 ડિગ્રી, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી, અમરેલીમાં 14.2 ડિગ્રી, પોરબંદરમાં 14.6 ડિગ્રી, જામનગરમાં 14.7 ડિગ્રી, દાહોદમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, દ્વારકામાં 16.3 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતના તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્‌ છે. બીજી બાજુ અમદાવાદમાં ગત રાતે 13.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના લધુતમ તાપમાનમાં 6 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.