ગુજરાતમાં શિયાળાએ હાલ જોર પકડ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીમાં ક્રમશ: વધારો નોંધાય રહ્યો છે. ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં જોરદાર ઠંડીનો ચમકારાનો દેખાય રહ્યો છે. ત્યારે 8 જાન્યુઆરીએ ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રૅકોર્ડબ્રેક 6 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો.
આ વર્ષે ગુજરાતના હવામાનમાં ઘણા ફેરફાર જોવા મળ્યા હતા. લગભગ ત્રણેય સિઝનમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ત્યારે સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તો બીજી બાજુ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી ગાંધીનગરના રહેવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. જોકે, અચાનક ફરી વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે.
છેલ્લાં ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા બુધવારે નલિયા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. સવારનું તાપમાન 6 ડિગ્રી તેમજ સાંજનું તાપમાન 25.8 ડિગ્રી આવીને અટકી ગયું હતું. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દિવસ અને રાત્રિના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત્ છે. ત્યારે બીજી બાજું રાજકોટ શહેરમાં બુધવારની સવાર આકરી ઠંડી સાથે શરૂ થઈ હતી. ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતા 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે નલિયામાં પારો ગગડીને 3 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી તીવ્ર ઠાર અનુભવાયો હતો. કંડલા એરપોર્ટ મથક 8.1 ડિગ્રીએ રાજ્યમાં ત્રીજા ક્રમે ઠર્યું હતું તો ભુજમાં પારો 9.2 ડિગ્રી થતાં ચાલુ શિયાળે સાથે પ્રથમવાર ઠંડી એક આંકે પહોંચી હતી. દાહોદમાં સિઝનનું સૌથી નીચું 8.71 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતમાં સતત બીજા દિવસે પારો 15 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.