ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આવતી કાલે રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે. ત્યારે કેબિનેટ બેઠકનું આયોજન રવિવારે રજા દિવસે હોવાથી અધિકારીઓ અને મંત્રીને નવાઈ લાગી રહી છે.
રવિવારે કેબિનેટની બેઠકના કારણે અધિકારીઓ અને મંત્રીઓ ચકરાવે ચઢ્યા છે. રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકાર કંઈક નવી-જૂની કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ બેઠકમાં રાજ્ય સરકાર કયાં મહત્વના નિર્ણય લે છે કે કેમ? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 ઓક્ટોબર મોદી સરકારના 23 વર્ષ પૂરા થવાના છે. ત્યારે એવી પણ સંભાવના સેવાઈ રહી છે કે, આ મુદ્દે પણ કોઈ મહત્વના નિર્ણય લેવામાં આવી શકે. આજથી 23 વર્ષ પહેલાં 7 ઓક્ટોબરના દિવસે જ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. જોકે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે તેમની કામગીરીની શરુઆત કરી હતી.