અર્થશાસ્ત્રી અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચૅમ્બરની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય જિતેન્દ્ર સંઘવી કહે છે, આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે, ગ્રામીણ વિસ્તારોનો વપરાશ ખર્ચ વધશે કે કેમ? અંદાજપત્રના આંકડાઓની વિશ્વસનીયતા કેટલી?
ભારતીય અર્થતંત્ર વિશેષરૂપે આર્થિક સ્લોડાઉનનો સામનો કરી રહ્યું છે. ત્યારે એ એકસ્ટ્રા-ઓર્ડિનરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે લેવાતાં પગલાં પણ એકસ્ટ્રા-ઓર્ડિનરી હોવાં જોઈએ એ વિશે કોઈ બેમત હોઈ શકે નહીં.
નિર્મલા સીતારામનનું 2020-21નું અંદાજપત્ર આ સંદર્ભમાં મૂલવવું જોઈએ. નાણાપ્રધાન સામેનો સૌથી મોટો પડકાર હતો ખાનગી વપરાશ ખર્ચના વધારા દ્વારા ચીજ-વસ્તુઓની માગ વધારવાનો અને તેના દ્વારા આર્થિક વિકાસનો દર વધારવાનો.
તેમણે વ્યક્તિગત આવકવેરાના કાયદામાં 100 જેટલી છૂટમાંની 70 છૂટ નાબૂદ કરી છે. એ પગલું વેરાની સરળતા વધારશે એ ખરું.
કંપનીઓ પાસેથી લેવાતો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અપેક્ષા પ્રમાણે નાબૂદ કર્યા પછી પણ સેન્સેક્સ ગગડ્યો છે એટલે કાં તો આ ફેરફારની અસર શેરધારકો કે ઈન્વેસ્ટરો પર કેવી પડશે તે વિષે કોઈ સ્પષ્ટ ચિતાર મળતો નથી.
સ્પીચમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે ડિવિડન્ડ પરનો ટેક્સ શેરહોલ્ડર ભરશે. પણ તેમાં હાલ મળતી છૂટછાટ નાબૂદ કરાઈ છે, ઘટાડાઈ છે કે અકબંધ રખાઈ છે એ જાણ્યા પછી જ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટરોનો જે પ્રતિભાવ આવે તે સાચો ગણાય.
નાણાપ્રધાને ટેક્સ-પેયર ચાર્ટરની અને ટેક્સ ભરવાની બાબતે હ્યુમન ઈન્ટરફેસ ઘટાડવાની વાત કરી છે તે આવકાર્ય છે. બેંકોમાં રખાતી ડિપોઝિટનો ઈન્સ્યૉરન્સ એક લાખથી વધારીને પાંચ લાખનો કરાયો છે તેને સારો પ્રતિસાદ મળશે.
આપણે અમેરિકા કે પશ્ચિમના બીજા દેશોની જેમ નાગરિકો માટેની સોશ્યલ સિક્યૉરિટી સ્કીમ પૂરી નથી પાડી શકતા, પણ તેમની પોતાની જીવનભરની નાની કમાણી સહીસલામત રહે તેવું કેમ ન વિચારી શકાય?
તે પછી બેંકોની સદ્ધરતા માટેના નોર્મ્સ એવા સ્ટ્રિક્ટ નક્કી કરવા જોઈએ કે બેંક ફેઈલ થવાનો વારો ભાગ્યે જ આવે. ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ તેની લોન પરત કરવામાં નિષ્ફળ જાય તો તે NPAને સૂલ્ટાવવા પ્રજા પાસેથી કરવેરા રૂપે ઉઘરાવેલાં નાણાંમાંથી બેંકોના રીકેપિટલાઈઝેશન માટે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને નાણાં ફાળવે જ છે. અંદાજપત્રમાં સીનિયર સિટિઝન્સને થતી વ્યાજની આવક પરના વેરાની મુક્તિમર્યાદા પણ વધારાઈ નથી.
સામાન્ય રીતે અંદાજપત્રનાં ભાષણોમાં શબ્દોના સાથિયા પુરાતા હોય છે પણ વાસ્તવિક્તા કંઈક જુદી જોવા મળતી હોય છે. કરવેરા ઉઘરાવતી વખતે નાગરિકોની કનડગત ન થાય એનો કાયદામાં ઉલ્લેખ કરાય છે, પણ જ્યારે કરવેરાની અંદાજિત આવકમાં ઘટાડો થાય ત્યારે ઓફિસરોને એવા સ્ટ્રિક્ટ ટાર્ગેટ અપાતા હોય છે જે પૂરા કરવા માટે કરદાતાઓની હેરાનગતિ કરાતી હોય છે.
નાણાપ્રધાને અર્થતંત્રનાં જુદાં-જુદાં ક્ષેત્રો માટે આવતા વરસ માટે જે રકમ ફાળવાઈ હોય તેનો ઉલ્લેખ કર્યો છે જે રૂટિન બાબત છે પણ આ ફાળવણી ચાલુ વરસની અંદાજિત રકમ સાથે અને સુધારેલ રકમ સાથે કેમ કમ્પેર થાય છે તે જાણ્યા વગર માત્ર આવતા વરસની ફાળવણીના આંકડાથી કોઈ નક્કર તારવણી ન કરી શકાય.
ગયા જુલાઈમાં રજૂ કરાયેલ બજેટમાં 2019-20ના આર્થિક વિકાસનો દર સાત ટકા મૂકવામાં આવ્યો હતો જે હવે પાંચ ટકા કે તેથી પણ ઓછો રહેવાની સંભાવના છે, જે છેલ્લાં 11 વરસનો સૌથી નીચો આંક છે.
એટલે અંદાજપત્રની સ્પીચનો સામાન્ય શિરસ્તો છે કે જે વરસનું અંદાજપત્ર હોય તે વરસ માટેના આંકડા સારા દેખાડવા અને આગલા વરસના સુધારેલા આંકડા નબળા બતાવવા તો વાંધો નહીં. કારણ એ કે સૌની નજર જે વરસનું બજેટ હોય તેના આંકડા પર જ કેન્દ્રિત થયેલી હોય.
અંદાજપત્રની આટલી લાંબી સ્પીચનો થોડો હિસ્સો આની અગાઉના અંદાજપત્રના ઉલ્લેખ કરાયેલા નિર્ણયો અંગેના એક એક્શન ટેકન રિપોર્ટ માટે ફાળવાય તો સરકારની વિશ્વસનીયતા તો વધે જ પણ વહીવટની પારદર્શિતા (ટ્રાન્સપેરન્સી)ની છાપ પણ આપોઆપ ઊભી થાય.
અંદાજપત્રની સ્પીચમાં આ માટેની સ્પેસ ઊભી કરવા અર્થતંત્રને સીધી રીતે ન સ્પર્શતી હોય તેવી કરાયેલી વાતોને દૂર કરીને તેનો બજેટ ડોક્યુમેન્ટમાં સમાવેશ કરી શકાય.
નાણાપ્રધાને સ્પીચમાં આડકતરી રીતે નોકરીઓની નવી તકો ઊભી થશે તેવી અછડતી વાત કરી છે. દેશમાં આજે બેરોજગારીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. નાણાપ્રધાન છેલ્લા એક વરસમાં રોજગારી ક્ષેત્રે જેટલી નવી નોકરીઓ સર્જાઈ, કયા ક્ષેત્રમાં સર્જાઈ એની વિગતો આપે તો અંદાજપત્રની સ્પીચ વધુ અર્થસભર બને.
આજે સીપીઆઈનો ભાવવધારો પણ છેલ્લાં પાંચ વરસની ટોચે છે. કહેવાની જરૂર નથી કે આર્થિક વિકાસના દરમાં પા કે અડધા ટકાની વધઘટથી કદાચ સામાન્ય માણસના જીવનને બહુ ઓછી અસર થાય છે પણ આજે સાત ટકાથી ઉપરનો ભાવવધારો અને તેમાં પણ ફૂડ આર્ટિકલ્સનો 14 ટકાનો ભાવવધારો સામાન્ય માણસ કે ગરીબને સૌથી વધુ સ્પર્શે છે તો તે આ બે પાયાની સમસ્યાઓ (બેરોજગારી અને ભાવવધારો) વિષે નાણાપ્રધાનની સ્પીચમાં અકળ મૌન કેમ?
આપણે અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલવાની પહેલ કરી શકીએ, તેનો ટાઈમ (સાંજના પાંચને બદલે સવારના અગિયાર), રેલ્વે બજેટને મુખ્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવાની પહેલ કરી શકીએ તો અંદાજપત્રની સ્પીચનો ઢાંચો બદલવાની અને તેને વધારે ધારદાર બનાવવાની પહેલ કેમ ન કરીએ?
રહી વાત ફિસ્કલ ડેફિસિટની સરકારી તિજોરી કોર્પોરેટ વેરાના ઘટાડાથી, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સની નાબૂદીથી અને કરવેરાના દરના ઘટાડાથી હજારો કરોડની આવક ગુમાવવાની હોય તો સરકારની આવક ક્યાંથી વધશે અથવા તો ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંક કેવી રીતે જળવાઈ રહેશે એ વિષે જજમેન્ટ બેસવું આજે શક્ય નથી અને એ વાજબી પણ નથી એ માટે બજેટ પેપર્સની રાહ જોવી રહી.
છતાં એ ઉલ્લેખ કરવો રહ્યો કે ફિસ્કલ ડેફિસિટનાં આંકડા કરતા જેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે તે રિવેન્યુ ડેફિસિટનો આંકડો વધુ મહત્ત્વનો છે અને ફિસ્કલ ડેફિસિટ પરસન્ટેજ પોઈન્ટ વધી કે ઘટી તે કરતાં સરકારી ખર્ચનું કોમ્પોઝીશન (ઘટકો) અને ક્વોલિટી (ગુણવત્તા) વધુ મહત્ત્વના છે.
એ સાથે માત્ર કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ નહીં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ ફિસ્કલ ડેફિસિટની ચર્ચા જ વધુ અર્થસભર ગણાય.
આજે કેન્દ્ર સરકાર વધુને વધુ કરવેરાના નાણા રાજ્યોને ફાળવે છે અને રાજ્ય સરકારો સબસિડી (રોકડ સહાય) અને ખેડૂતોના દેવા માફ કરવાના તેનો કેવો ખોટો વ્યય કરે છે તેની વિગતે ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.
કેન્દ્ર સરકારના પોતાના સબસિડીના ખર્ચનો ઉલ્લેખ કરવાનું પણ નાણાપ્રધાને ટાળ્યું છે. તે ઘટાડીને પણ ફિસ્કલ ડેફિસિટ સરભર કરી શકાય.
બદલાતા વિશ્વ સાથે અને વધતી જતી ગળાકાપ હરિફાઈમાં ઊભા રહેવા માટે પણ આપણે દોડવું પડશે. પાંચ ટ્રિલ્યન ડૉલરનું 2024ની સાલનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાના ભગીરથ કામમાં આ બજેટ પુશ કરશે પણ ચાલુ વરસે કે આવતે એક વરસમાં આર્થિક ચિત્ર કેટલું સુધરશે એ કહેવું કઠિન છે. એ માટેની તક નાણાપ્રધાને ગુમાવી છે એમ તો ન કહી શકાય પણ એનો વધુ સારો ઉપયોગ જરૂર કરી શકાયો હોત.