મોહમ્મદ રફીએ ‘યાહૂ’ ની બૂમ ના પાડી

‘જંગલી’ (૧૯૬૧) માં મોહમ્મદ રફીએ ગાયેલા ‘યાહૂ! ચાહે કોઇ મુઝે જંગલી કહે’ ગીતમાં તેમના અવાજમાં ‘યાહૂ’ ની બૂમ નથી તેની પાછળ કારણ છે. નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીની ફિલ્મ ‘જંગલી’ના ગીતોની લોકપ્રિયતાને કારણે સંગીતકાર શંકર-જયકિશન અને અભિનેતા શમ્મી કપૂરની કારકિર્દીને મોટો લાભ થયો હતો. આ ફિલ્મના ગાયક મોહમ્મદ રફીએ ગાયેલા ‘અય્યયા સુકુ સુકુ’ અને ‘અહેસાન તેરા હોગા મુઝ પર’ બહુ લોકપ્રિય થયા હતા પરંતુ ‘યાહૂ! ચાહે કોઇ મુઝે જંગલી કહે’ તો એક અલગ જ અસર મૂકી ગયું હતું. શૈલેન્દ્રએ લખેલા આ ગીતનો શમ્મી કપૂરને કોરિયોગ્રાફર પી.એલ. રાજ દ્વારા કરાવવામાં આવેલ ડાન્સ પણ યાદગાર બની ગયો છે.

આ ગીતને મોહમ્મદ રફીએ ગાયું હતું. એમાં ‘યાહૂ’ ની બૂમ પાડવામાં આવી છે એ તેમનો અવાજ નથી. એ દિવસોમાં મોહમ્મદ રફીની તબિયત સારી રહેતી ન હતી. જો જોરથી ‘યાહૂ’ ની બૂમ પાડે તો એમના ગળાને તકલીફ થાય એમ હતી. આ પ્રકારનો જોરથી અવાજ કાઢવાનું એમના માટે મુશ્કેલ પણ બની શકે એમ હતું. એટલે સંગીતકાર જયકિશને પોતે જ ‘યાહૂ’ ની બૂમ પાડીને રેકોર્ડિંગ કરી લીધું. જ્યારે એને સાંભળવામાં આવ્યું ત્યારે જે જોશથી બૂમ પડવી જોઇએ અને અસર ઊભી થવી જોઇએ એ થતી ન હતી.

એ કારણે બીજા કોઇ પાસે ‘યાહૂ’ ની બૂમ પડાવવાનું નક્કી થયું. કેટલાક નામ વિચારવામાં આવ્યા ત્યારે શમ્મી કપૂરને પ્રયાગ રાજની યાદ આવી. પૃથ્વી થિયેટરના ઘણા નાટકોમાં તેમણે ગીતો ગાયા હતા. રાજ કપૂરની ‘આગ’ અને ‘આવારા’માં નાની ભૂમિકાઓ પણ નિભાવી હતી. પ્રયાગ રાજ પાછળથી ગીતકાર તરીકે વધુ જાણીતા રહ્યા હતા.

શમ્મીને પ્રયાગ રાજ સાથે સારો સંબંધ હતો. તેમને ‘યાહૂ’ ની બૂમ પાડવા માટે બોલાવવામાં આવ્યા. તેમના અવાજમાં દસેક વખત ‘યાહૂ’ નો પોકાર રેકોર્ડ કરવામાં આવ્યો. સંગીતકારને જોઇતું હતું એ પરિણામ મળી ગયું. દસમાંથી બે બૂમને યોગ્ય ગણવામાં આવી અને ગીતમાં એનો પ્રયોગ કરવામાં આવ્યો. ‘યાહૂ’ બૂમ સાથેનું ગીત બધાને પસંદ આવ્યું. પ્રયાગ રાજે ‘યાહૂ’ ની એટલી જોરથી બૂમો પાડી હતી કે બે મહિના સુધી તેમના ગળામાં તકલીફ જેવું રહ્યું. પરંતુ એમને એ વાતનો અફસોસ ના થયો. તેમની ‘યાહૂ’ ની બૂમ એટલી પસંદ કરવામાં આવી કે ગીત વધારે લોકપ્રિયતા મેળવી ગયું. એમને ‘યાહૂ’ ની બૂમનું યોગ્ય મહેનતાણું પણ ચૂકવવામાં આવ્યું હતું.

-રાકેશ ઠક્કર (વાપી)