રાજુના શ્રેષ્ઠ અભિનયનો ‘પરિચય’

નિર્દેશક ગુલઝારની જીતેન્દ્ર-જયા સાથેની ફિલ્મ ‘પરિચય’ (૧૯૭૨) થી બાળ કલાકાર તરીકે રાજુએ એવી શરૂઆત કરી કે પછી મોટા સ્ટાર્સને પણ સેટ પર એની રાહ જોવી પડે એવો સમય આવ્યો હતો. પોતે ‘પરિચય’ માં પસંદ થયાનો રસપ્રદ કિસ્સો માસ્ટર રાજુએ વર્ષો પહેલાં એક મુલાકાતમાં કહ્યો હતો. રાજુ તેનું અસલ નામ નથી. તે મહેરુનિશા અને યુસુફભાઇનો પુત્ર ફહીમ છે. નાનપણથી તેને બધા ‘ગુડ્ડુ’ કહેતા હતા. ‘પરિચય’ માં મહેમાન ભૂમિકા કરનાર સંજીવકુમાર એને ‘રાજુ’ તરીકે જ બોલાવતા હોવાથી એ નામ તેણે અપનાવી લીધું હતું.

બાળ કલાકાર તરીકે કામ કર્યું ત્યારે ‘માસ્ટર રાજુ’ અને યુવાન થયો ત્યારે ‘રાજુ શ્રેષ્ઠ’ નામ કરી દીધું હતું. ફિલ્મી દુનિયા સાથે એના પરિવારનો દૂરનો પણ નાતો ન હતો. પિતા સીએ અને માતા શિક્ષિકા હતા. રાજુએ પાંચ વર્ષની ઉંમરે ‘પરિચય’ માં તક મેળવી હતી. ત્યારે રાજુ દક્ષિણ મુંબઇના ડોંગરીમાં રહેતો હતો. એ દિવસોમાં ડોંગરીમાંથી ઘણા બાળ કલાકારો અને જુનિયર પસંદ થતા હતા. તેનું કારણ એ હતું કે ફિલ્મોના કાસ્ટીંગ એજન્ટ એ વિસ્તારમાં જ રહેતા હતા. એક એજન્ટે પિતાને ગુલઝાર સાહેબની આગામી ફિલ્મ ‘પરિચય’ માટે રાજુની વાત કરી. તેનો પરિવાર ફિલ્મોથી અજાણ હતો. પહેલાં તો પિતાએ ના જ પાડી દીધી. પાછળથી એજન્ટની સમજાવટથી માન્યા.

રાજુને ગુલઝારની ઓફિસ પર બોલાવવામાં આવ્યો. એ પહોંચ્યો ત્યારે બીજા ઘણા બાળકોને પણ ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા. રાજુએ જોયું કે બીજા બાળકો તૈયારી કરીને આવ્યા હતા. કોઇ ડાન્સ કરતો હતો કે કોઇ ફિલ્મી સંવાદ બોલીને મિમિક્રીનો ત્યાં અભ્યાસ કરતો હતો. રાજુને એટલે ડર લાગ્યો કે તે કોઇ જ તૈયારી કરીને આવ્યો નથી. ગુલઝાર દરેક બાળકને મળીને તેની સાથે વાત કરતા હતા. તેમણે રાજુ સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તે રડવા લાગ્યો. રાજુના માતા-પિતાને અંદાજ આવી ગયો કે તેને તક મળવાની નથી. તેઓ ઘરે આવ્યા અને આશા છોડી દીધી. બે દિવસ પછી ગુલઝારનો ફોન આવ્યો. તેમણે રાજુને ફરી મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ મળવા ગયા ત્યારે રાજુને કહ્યું કે હું ‘સંજય’ ની ભૂમિકા માટે એવા બાળકને શોધી રહ્યો છું જે તેની ઉંમર પ્રમાણે વર્તન કરતો હોય. બીજા જે બાળકોને મળ્યો એ વધારે પડતી તૈયારી કરીને આવ્યા હતા અને તેમની ઉંમર કરતાં મોટા હોય એવું વર્તન કરતા હતા. હું એવા બાળકને લેવા માગું છું જે પાંચ વર્ષનું હોય એવું વર્તન કરે અને એટલે તને ‘પરિચય’ માટે પસંદ કરું છું.

ગુલઝારની ‘પરિચય’ ને ખૂબ પસંદ કરવામાં આવી. એ પછી માસ્ટર રાજુએ અમરપ્રેમ, અભિમાન, ખૂશ્બૂ વગેરે ફિલ્મોમાં કામ કર્યું. બાસુ ચેટર્જીની ‘ચિતચોર’ (૧૯૭૬) માટે તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. ‘પરિચય’ માં માસ્ટર રવિ, માસ્ટર કિશોર, બેબી પિન્કી વગેરે બાળ કલાકારો પણ હતા. તેમનાં કરતાં માસ્ટર રાજુએ પોતાના સહજ અભિનયનો એવો પરિચય આપ્યો કે એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરવાને કારણે ‘ફરાર’ (૧૯૭૫) વખતે અમિતાભ બચ્ચને તે બીજી ફિલ્મના શુટિંગ પરથી આવે ત્યાં સુધી એની સાથેના દ્રશ્યોના જરૂરી ક્લોઝ અપ્સ અગાઉથી આપવાનું કામ કરવું પડતું હતું. તેની લોકપ્રિયતાનો એ પરથી પણ અંદાજ આવશે કે ‘ફરાર’ ના ટાઇટલ્સમાં મુખ્ય કલાકારો અને અન્ય સ્ટારના નામો લખ્યા પછી ‘અને માસ્ટર રાજુ’ લખવામાં આવ્યું છે.

– રાકેશ ઠક્કર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]