રામાનંદની ‘આરઝૂ’ માટે ગુરુની ઇચ્છા 

નિર્દેશક રામાનંદ સાગરની ફિલ્મ ‘આરઝૂ'(૧૯૬૫) સુપરહિટ રહી હતી અને તેને તમિલ ભાષામાં બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ એ કેમ શક્ય બન્યું ન હતું એનું કારણ જાણીને નવાઇ લાગે એમ છે. ‘આરઝૂ’ ને રામાનંદની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. તેમણે અંગ્રેજી ફિલ્મ ‘અફેર ટુ રિમેમ્બર’ પરથી પ્રેરણા લઇને બનાવી હતી. અસલમાં તેનો જ્યાં અંત થાય છે ત્યાંથી ‘આરઝૂ’ ની શરૂઆત થાય છે. તેના નિર્દેશન અને વાર્તાલેખન માટે ‘ફિલ્મફેર’માં રામાનંદનું નામાંકન થયું હતું. રાજેન્દ્રકુમાર, ફિરોઝ ખાન અને સાધનાને ચમકાવતી ‘આરઝૂ’ તેમના અભિનય, રામાનંદ સાગરના નિર્દેશન અને શંકર જયકિશનના લોકપ્રિય સંગીત જેવા કારણોથી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ‘બેદર્દી બાલમા તુઝકો’, ‘અજી રૂઠકર અબ કહાં જાઇયેગા’ વગેરે હસરત જયપુરીએ લખેલા સાતે-સાત ગીત ધૂમ મચાવી ગયા હતા. શંકર જયકિશનનું સંગીત માટે અને હસરત જયપુરીનું ‘અજી રૂઠકર’ ગીત માટે ‘ફિલ્મફેર’ માં નામાંકન થયું હતું. ‘આરઝૂ’ ને તેના પ્રેમદ્રશ્યો માટે પણ યાદ કરવામાં આવે છે. અભિનેત્રી સાધના આ પહેલાં આટલી સુંદર ક્યારેય લાગી ન હતી. અને કાશ્મીરને આ પહેલાં આટલું મનમોહક રીતે કોઇ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. આજે પણ કાશ્મીરનો એ વારસો યાદ અપાવતી પ્રવાસ પુસ્તિકામાં અને વૃત્તચિત્રોમાં ‘આરઝૂ’ ના દ્રશ્યોને સ્થાન આપવામાં આવે છે.

 

 

 

 

 

 

 

 

 

‘આરઝૂ’ ની સફળતાનો એ પરથી અંદાજ આવશે કે ૧૯૬૫ માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં તે આવી હતી. ‘ફિલ્મફેર’ માં પાંચ જેટલા એવોર્ડસમાં નામાંકન મેળવ્યા પછી એકપણ ના મળ્યો એનું ઘણાને આશ્ચર્ય થયું હતું. પરંતુ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણું સમ્માન મળ્યું હતું. ‘આરઝૂ’ ને તાશ્કંદ ફિલ્મ ઉત્સવમાં સર્વશ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો હતો. તેને બર્લિન ફિલ્મોત્સવ અને મોસ્કો ફિલ્મોત્સવમાં રજૂ કરવામાં આવી હતી.

સીડનીમાં આયોજિત ભારતીય ફિલ્મોત્સવમાં ભારત તરફથી તેને મોકલવામાં આવી હતી. ‘આરઝૂ’ એટલી બધી છવાઇ ગઇ કે રામાનંદ સાગરના ગુરૂ એમ.એસ. વાસનની ઇચ્છા એને તમિલ ભાષામાં બનાવવાની થઇ ગઇ. તેમણે રામાનંદને પૂછ્યું હતું કે,”મને આ ફિલ્મના રીમેકના અધિકાર મળશે? એ માટે મારે શું આપવું પડશે?” ત્યારે રામાનંદે ભાવુક સ્વરે કહ્યું હતું કે,”માલિક, આ તમારું જ છે. પૈસાની વાત જ ના કરશો. તમે મારા પર સરસ્વતીની જે કૃપા કરી હતી એનો બદલો આપી શકવાનો નથી. હું આગામી ફ્લાઇટથી તમને ફિલ્મની પ્રિન્ટ મોકલી આપીશ.”

એક અઠવાડિયા પછી એમ.એસ. વાસનનો ફોન આવ્યો કે,”સાગર, હું આ ફિલ્મ નહીં બનાવી શકું. અભિનય, ભાવનાઓનો પ્રયોગ, પ્રાકૃતિક દ્રશ્યો, ઉદાસ સાધના પર પડતા ચિનારના વૃક્ષના પાંદડાઓ હોય કે બરફમાં પોતાના પ્રેમ માટે ચાલતા રાજેન્દ્રકુમારના દ્રશ્યો એ બધાનું હું શુટિંગ કરી શકું એમ નથી. હું ફિલ્મ જોઇને રડ્યો છું. મેં ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને પ્રયત્ન કર્યો પરંતુ મને લાગ્યું કે ‘આરઝૂ’ ને ફરી બનાવવાનું કોઇ માટે શક્ય નથી.” આ વાતને યાદ કરીને રામાનંદના પુત્ર પ્રેમ સાગરે એમના વિશેના પુસ્તકમાં કહ્યું છે કે ‘આરઝૂ’ ના ફિલ્માંકન અને ખાસ કરીને ક્લાઇમેક્સના દ્રશ્યો જોયા પછી વાસન સાહેબને લાગ્યું હતું કે આ તો એ જ વ્યક્તિ કરી શકે છે જેના પર સિનેમાનું ઝનૂન સવાર હોય.

રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]