અમિતાભનું ‘લાવારિસ’ માં પહેલું ગીત

અમિતાભ બચ્ચનની ‘લાવારિસ'(૧૯૮૧) ને માત્ર તેના ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…’ ગીતને કારણે જ યાદ કરવામાં આવતી રહી છે. પરંતુ આ ગીતને કારણે અમિતાભને વર્ષો સુધી લોકોની ટીકા પણ સાંભળવી પડી હતી. અમિતાભ નાનો હતો ત્યારથી જ આ ગીત ગાતો હતો. એ તેને એટલું પસંદ હતું કે ઘરના આનંદ-ઉત્સવના પ્રસંગોમાં જ નહીં ફિલ્મી હસ્તીઓ સાથેની ગપ્પા-ગોષ્ઠી વખતે પણ ગણગણતો રહેતો હતો. નિર્દેશક પ્રકાશ મહેરાએ એ ગીત સાંભળ્યું હતું. જ્યારે ‘લાવારિસ’ પર કામ શરૂ કર્યું ત્યારે તેમણે ફિલ્મમાં આ ગીત લેવાનો વિચાર રજૂ કર્યો. અમિતાભને પહેલાં તો લાગ્યું કે એ મજાક કરી રહ્યા છે. પછી એમની ગંભીરતા જોઇને અમિતાભે ગીત માટે હા પાડી દીધી. ગીતકાર અંજાને એના પરથી ગીત લખી આપ્યું. મહેરાએ આ ગીત વળી અમિતાભના અવાજમાં જ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. અમિતાભ પહેલી વખત કોઇ ગીતમાં સ્વર આપ્યો હતો. જ્યારે ગીતના શુટિંગની વિચારણા ચાલતી હતી ત્યારે અમિતાભે સૂચન કર્યું કે હું પોતે જ છોકરીના મેકઅપમાં વિવિધ પોશાક પહેરીને અભિનય કરું તો કેવું રહેશે? બધાને એ વિચાર ગમી ગયો.

ફિલ્મ રજૂ થઇ ત્યારે અમિતાભના ચાહકોએ પણ આ ગીતને અશ્લીલ ગણીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ સુરુચિનો ભંગ થતો હોવાની રજૂઆત પણ કરી હતી. આમ છતાં આબાલવૃધ્ધ નવરાશના અને મિત્રમંડળી સાથેના કાર્યક્રમોમાં આ ગીત ગણગણતા હતા એ હકીકત હતી. એ સમયના હરિફ ગણાતા રાજેશ ખન્નાએ તો અમિતાભ પર આ બહાને નિશાન તાકી એમ કહ્યું હતું કે,”હું ક્યારેય મારી ગરિમા સાથે સમજૂતિ કરીને, સાડી પહેરીને ‘મેરે અંગને મેં’ ગાઇશ નહીં. પછી ભલે એના બદલામાં મને આખી દુનિયાની દોલત કે પ્રશંસા કેમ ના મળતી હોય.” બોલિવૂડમાં ફિલ્મો ગીતોને કારણે વધુ ચાલતી હોય છે. કલ્યાણજી-આણંદજીના સંગીતવાળી ‘લાવારિસ’માં જિસકા કોઇ નહીં, અપની તો જૈસે તેસે, કહીં પૈસે પે, કબ કે બિછડે હુએ… જેવા બીજા જાણીતા ગીતો હોવા છતાં માત્ર આ ગીતને કારણે જ ફિલ્મ જાણીતી થઇ હતી.

ફિલ્મના પ્રિમિયરમાં અમિતાભ સાથે જયા બચ્ચન ગયા હતા. એમને ત્યારે આ ગીત ગમ્યું ન હતું. તેમને ગીતનાં દ્રશ્યો અશ્લીલ લાગ્યા હોવાથી ફિલ્મ છોડીને જતા રહ્યાં હતાં. એ પછીના સમયમાં અમિતાભ જ્યારે પોતાના સ્ટેજ શોમાં આ ગીત ગાવા લાગ્યા ત્યારે એને પસંદ કરવામાં આવતું હતું અને ‘જિસકી બીવી છોટી…’ કડી આવતી ત્યારે તે જયા બચ્ચનને સ્ટેજ પર બોલાવતા હતા ત્યારે તે જતા પણ હતા. અને અમિતાભ જયાને ઉંચકીને એ પંક્તિ ગાતા હતા.

આ ગીત અમિતાભ ઉપરાંત અલકા યાજ્ઞિકના સ્વરમાં પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ગીત માટે અલકાનું ‘શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા’ ની શ્રેણીમાં ફિલ્મફેર’માં નામાંકન થયું હતું. જ્યારે અમિતાભનું ‘શ્રેષ્ઠ અભિનેતા’ માટે નામાંકન થયું હતું. અમિતાભની ‘લાવારિસ’ ને ભલે ખાસ સફળતા નહોતી મળી પરંતુ તેની રીમેક એનટીઆર સાથે તેલુગુમાં ‘ના દેશમ’ અને રજનીકાંત સાથે તમિલમાં ‘પનાક્કરન’ નામથી બની હતી.  ‘લાવારિસ’ નું ‘મેરે અંગને મેં…’ હિટ થયું હોવાથી જ યશ ચોપરાએ ‘સિલસિલા’ માં અમિતાભ પાસે ‘રંગ બરસે…’ ગવડાવ્યું હતું અને એ પણ લોકપ્રિય થયું હતું.

રાકેશ ઠક્કર