રામસેને હોરર પર ભરોસો આવ્યો

રામસે દ્વારા શરૂઆતથી જ હોરર ફિલ્મો બનાવવામાં આવતી ન હતી. ‘રામસે પ્રોડકશન્સ ઇન્ડિયા’ ના બેનરમાં એ ગ્રેડની પૃથ્વીરાજ કપૂર જેવા સ્ટાર સાથેની ફિલ્મોની નિષ્ફળતાએ એમને ‘બી’ ગ્રેડની હોરર ઝોનરની ફિલ્મો પર ભરોસો કરવા મજબૂર કર્યા હતા. ભારતના ભાગલા પછી રેડિયોની મામૂલી દુકાન ચલાવતા ફતેહચંદ યુ. રામસિંઘાની મુંબઇ આવ્યા હતા. ફરીથી રેડિયો સાથે ઇલેક્ટ્રોનિક્સની દુકાન શરૂ કરી પણ સાત પુત્ર અને બે પુત્રીઓ સાથેના વિશાળ પરિવારનું પાલનપોષણ એમાંથી થાય એમ ન હતું. એમણે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવવાનું નક્કી કરી પોતાની અટક રામસિંઘાનીમાંથી માત્ર રામસે અપનાવી હતી. એમણે ‘શહીદ- એ- આઝમ ભગત સિંહ’ (૧૯૫૪) થી લઇ પૃથ્વીરાજ કપૂર-સુરૈયા સાથે ‘રુસ્તમ સોહરાબ’ (૧૯૬૩) જેવી ફિલ્મો બનાવી.

મોટાભાગની ફિલ્મો સફળ ના થઇ. એમની વિશ્રામ બેડેકરના નિર્દેશનમાં ‘એક નન્હી મુન્ની સી લડકી થી’ (૧૯૭૦) નિષ્ફળ રહ્યા પછી મોટી ખોટ ગઇ. તેનું કારણ શોધવા રામસે પુત્રો તુલસી અને શ્યામ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા. તેમણે એક વાતની નોંધ લીધી કે કેટલાક દર્શકો એક ખાસ દ્રશ્યને જોવા માટે આવતા હતા અને તેના પર પ્રતિસાદ આપીને નીકળી જતા હતા. એ દ્રશ્યમાં પૃથ્વીરાજ કપૂર અજીબ પોશાક અને મહોરું પહેરીને ચોરી કરવા એક સંગ્રહાલયમાં પ્રવેશ કરે છે. મતલબ કે દર્શકો એનાથી ડર અને રોમાંચનો અનુભવ કરતા હતા. બધી જ બાબતો કરતાં એમણે ડર લાગે એવું દ્રશ્ય વધુ પસંદ કર્યું હતું. પિતા એફ. યુ. રામસેનો ફિલ્મોથી મોહભંગ થઇ ચૂક્યો હતો. તે પરિવારના ભલા માટે ફિલ્મ નિર્માણ બંધ કરવા માગતા હતા ત્યારે બંને ભાઇઓએ પિતાને હોરર ફિલ્મો બનાવવા સમજાવ્યા અને રાજી કરી લીધા. તેમણે નક્કી કર્યું કે ફક્ત નિર્માણ કે લેખન જ નહીં તેના દરેક પાસા વિશે માહિતી મેળવીને કામ કરવું.

એમણે ફિલ્મ નિર્માણ પરનું જોસેફ મેસીલીનું પુસ્તક ‘ધ ફાઇવ સીએસ ઓફ સિનેમેટોગ્રાફી’ મેળવ્યું અને શ્રીનગરમાં એક હાઉસબોટમાં ત્રણ મહિના સુધી નિવાસ કરીને બધાં સાથે એક કાર્યશાળા યોજી. જેમાં ફિલ્મ નિર્માણના દરેક વિભાગની ભાઇઓ વચ્ચે વહેંચણી કરી દીધી. કુમાર રામસેને લેખન, કિરણને સાઉન્ડ વિભાગ, ગંગુને કેમેરો, કેશુને સિનેમેટોગ્રાફી, અર્જુનને પોસ્ટ પ્રોડક્શન અને એડિટીંગ તથા તુલસી અને શ્યામ રામસેને નિર્દેશનનું કામ સંભાળવાનું જ્યારે તેમની પત્નીઓ અને માતાએ ફિલ્મ યુનિટના સભ્યો માટે ભોજન બનાવવાનું તથા કલાકારોનો મેકઅપ પણ કરવાનો.

ફિલ્મ નિર્માણમાં આખા પરિવારની જવાબદારીઓ નક્કી કરી દેવામાં આવી. રામસે પરિવાર દ્વારા ‘રામસે ફિલ્મ્સ’ ના બેનર હેઠળ ‘બી’ ગ્રેડની હોરર ફિલ્મોનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. પહેલી ફિલ્મ ‘દો ગજ જમીન કે નીચે’ (૧૯૭૨) ને જબરજસ્ત સફળતા મળી અને તેમનો હોરર ફિલ્મોમાં ડંકો વાગી ગયો. એ પછી દરવાજા, હોટેલ, વીરાના, પુરાના મંદિર, પુરાની હવેલી, તહખાના વગેરેની સફળતાએ તેમને હોરર ફિલ્મોનું સામ્રાજ્ય સ્થાપવામાં મદદ કરી.