કિરણ કુમારને ગુજરાતી ફિલ્મએ આશા આપી

‘તેજાબ’ માં ‘લોટીયા પઠાણ’ ની ભૂમિકાથી વધુ પ્રસિધ્ધિ મેળવનાર કિરણ કુમારે હિન્દી ફિલ્મોથી જ અભિનયની શરૂઆત કરી હતી પરંતુ એક ખરાબ સમય એવો આવ્યો કે ગુજરાતી ફિલ્મોમાં એમને આશાનું કિરણ દેખાયું અને એ કારણે અભિનય કારકિર્દી ટકી ગઇ હતી. કિરણ કુમાર જાણીતા અભિનેતા જીવનના પુત્ર છે. જેમણે ફિલ્મોમાં સૌથી વધુ વખત ‘નારદ’ ની ભૂમિકા ભજવી હતી. કિરણ કુમારને પહેલાંથી જ ફિલ્મી માહોલને કારણે અભિનેતા બનવાની લગન હતી. પિતા જાણીતા અભિનેતા હોવા છતાં ઘણો સંઘર્ષ કર્યો હતો.

જીવન જ્યારે દેવ આનંદ સાથે ફિલ્મ ‘ગેમ્બલર’ (૧૯૭૧) નું શુટિંગ કરતા હતા ત્યારે એક દિવસ આવીને કહ્યું કે તારે અભિનયમાં જવું હોય તો અમારી ફિલ્મમાં એક અભિનેતા છે. એણે ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાં અભિનયનો કોર્ષ કર્યો છે એને મળવા આવજે. કિરણ કુમાર બીજા દિવસે ભોજનના વિરામ વખતે મહેબૂબ સ્ટુડિયો પર પહોંચી ગયા. પિતા જીવને દૂરથી જ એક યુવાન બતાવીને કહ્યું કે એ તાલીમ પામેલો બહુ સારો અભિનેતા છે. અને યુવાનનો પરિચય આપ્યો ત્યારે એ શત્રુધ્ન સિંહા નીકળ્યો. શત્રુધ્નએ કિરણ કુમારને એફ.ટી.આઇ.માં પ્રવેશ લઇ અભિનયની તાલીમ લેવા સૂચન કર્યું અને એ માટેની બધી માહીતી આપી. કિરણ કુમારે પ્રવેશ મેળવી તાલીમ લેવાનું શરૂ કર્યું.

અભિનયની તાલીમ વખતે કિરણ કુમાર અને કેટલાક બીજા વિદ્યાર્થીઓનો ચર્ચા દરમ્યાન નિર્દેશન વિભાગ સાથે ઝઘડો અને મારપીટનો બનાવ બન્યો. કિરણ કુમાર સહિત કેટલાક વિદ્યાર્થીઓને સંસ્થાએ કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. એની સામે બીજા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. ત્યારે પરિસ્થિતિ થાળે પાડવા અને હડતાળ બંધ કરાવવા એક સમિતિ રચવામાં આવી. એમાં નિર્દેશક કે.એ. અબ્બાસ હતા. એમણે એક દિવસ તેને બોલાવ્યો અને પોતાની ફિલ્મ ‘દો બૂંદ પાની’ (૧૯૭૧) માં એક લંબુ એન્જીનીયરની ભૂમિકા કરવા કહ્યું. આમ કિરણ કુમારની અભિનય કારકિર્દી અચાનક શરૂ થઇ ગઇ. એ પછી નિર્દેશક શિબુ મિત્રાની ‘બિંદિયા ઔર બંદૂક’ માં મુખ્ય ભૂમિકા મળી અને એ હિટ રહી. પાંચ વર્ષથી કિરણ કુમાર અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભારતમાં કટોકટી જાહેર થઇ. ફિલ્મોને સેન્સર કરવાના નિયમોમાં ફેરફાર થયો. એ કારણે એમની છ ફિલ્મો સેન્સર બોર્ડમાં ફસાઇ ગઇ.

ફિલ્મોમાં રાજકારણના અને એક્શનના કેટલાક દ્રશ્યોને કારણે ઘણી ફિલ્મો અટવાઇ હતી. કિરણ કુમારની એકસાથે બધી જ ફિલ્મો અટકી જવાથી એ બેકાર બની ગયા હતા. કારકિર્દી જાણે ખતમ થઇ ગઇ હતી. હિન્દી ફિલ્મોમાં કોઇ કામ મળી રહ્યું ન હતું. તે નાનું કામ મળે તો પણ કરવા તૈયાર રહેતા હતા. એ વખતે અભિનેત્રી આશા પારેખ એમના માટે આશાનું કિરણ બન્યા હતા. તે એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા હતા. એમાં ખલનાયકની ભૂમિકા આપવા માગતા હતા. કિરણ કુમાર કામ માટે એટલા તરસતા હતા કે કોઇપણ ભૂમિકા કરવા તૈયાર હતા. આશા પારેખે નવીન નિશ્ચલ અને રીટા ભાદુરી સાથેની ‘કુળવધુ’ (૧૯૭૭) માં કિરણ કુમારને તક આપી હતી. એ પછી કિરણ કુમારે ગુજરાતી ફિલ્મોમાં સિક્કો જમાવી દીધો. એમને બહુ સફળતા મળી. કિરણ કુમારને એંશી જેટલી ગુજરાતી ફિલ્મો કર્યા પછી ફરી હિન્દી ફિલ્મોમાં મોટી ભૂમિકાઓ મળવાનું શરૂ થઇ ગયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]