નંદાનો ‘મંદિર’થી અભિનયમાં પ્રવેશ

નંદાને એના પિતાએ ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરવા મનાવી ના હોત તો કદાચ અભિનયમાં આવી ન હોત. કેમકે તેને સાત ભાઇ-બહેન હતા. એમાંથી તેના પર જ પિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવાઇની વાત એ છે કે તેને છોકરાની ભૂમિકા માટે પસંદ કરી હતી. નંદાએ અનેક ફિલ્મોમાં ‘બેબી નંદા’ નામથી બાળ કલાકાર તરીકે કામ કર્યું અને યુવાન થયા પછી સૌપ્રથમ રાજેન્દ્રકુમાર સાથેની ફિલ્મ ‘તૂફાન ઔર દીયા’ (૧૯૫૬) થી કારકિર્દી શરૂ કરી પોતાના અભિનયની ઓળખ આપી હતી.

પિતા માસ્ટર વિનાયક હિન્દી-મરાઠી ફિલ્મોના નિર્માતા-નિર્દેશક અને અભિનેતા હતા. તેમણે ફિલ્મ ‘મંદિર’ બનાવવાનું આયોજન કર્યું ત્યારે પુત્રી નંદાને એક છોકરાની ભૂમિકા સોંપવાનું નક્કી કર્યું. જ્યારે પિતાએ નંદાને ફિલ્મમાં કામ કરવાની વાત કરી ત્યારે તેને પોતાનું સપનું તૂટી જતું લાગ્યું. નંદા નાની હતી ત્યારથી તેને માતા-પિતા સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, કેપ્ટન લક્ષ્મી, જવાહરલાલ નહેરુ વગેરે દેશભકતોની વાતો સંભળાવતા હતા. આથી તેણે બીજી કેપ્ટન લક્ષ્મી બનવાનું સપનું જોયું હતું. નાની હતી ત્યારે એને પિતાએ પોતાની ફિલ્મમાં કામ કરવાની વાત કરી એ કારણે નારાજ થઇ ગઇ અને કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. પિતાએ સમજાવી પણ માનતી ન હતી. આખરે માતાએ સમજાવી કે પિતા તેને બહુ પ્રેમ કરે છે એટલે જ તારી પસંદગી કરી છે.

એ વાતને યાદ કરતાં નંદાએ એક મુલાકાતમાં કહ્યું છે કે મેં વિચાર્યું કે મારા આટલા બધા ભાઇ-બહેન છે છતાં એમાંથી પિતાએ મારી જ પસંદગી કેમ કરી છે? અને પિતાની લાગણી જોતાં બેબી નંદા ફિલ્મ ‘મંદિર’ (૧૯૪૮) માં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ. ગાયિકા લતા મંગેશકરે જે દસ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો એમાં ‘મંદિર’ (૧૯૪૮) પણ છે. લતા અને બેબી નંદાની આ ફિલ્મની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ રહી છે. નંદાના પિતા માસ્ટર વિનાયકે જ લતાને પોતાની મરાઠી ફિલ્મ ‘પાહિલી મંગલાગૌર'(૧૯૪૨) માં અભિનેત્રી તરીકે પહેલી તક આપી હતી. બેબી નંદાની આ ફિલ્મ પૂરી થાય એ પહેલાં જ પિતા માસ્ટર વિનાયકનું અવસાન થઇ ગયું. ફિલ્મને પછીથી દિનકર પાટીલે પૂર્ણ કરી હતી.

એક વખત ફિલ્મમાં કામ કર્યા પછી નંદાએ શાળામાં અભ્યાસ કરવા સાથે અભિનય કરવાનું ચાલુ રાખ્યું. એ પછી શ્યામાની ફિલ્મ જગ્ગુ(૧૯૫૨), શંકરાચાર્ય અને ‘જગત ગુરુ’ (૧૯૫૪) જેવી ફિલ્મો કરી. નંદા યુવાન થઇ ત્યારે એક દિવસ નિર્દેશક વી.શાંતારામે તેમને ત્યાં લગ્ન પ્રસંગે પધારવા મોટી બહેન મીનાને આમંત્રણ આપવા સાથે નંદાને સાડી પહેરીને લઇ આવવા કહ્યું. નંદા જ્યારે સાડી પહેરીને લગ્નની પાર્ટીમાં પહોંચી ત્યારે વી.શાંતારામે એને વચ્ચે લાવીને બધાંને કહ્યું કે મારી આગામી ફિલ્મની આ હીરોઇન છે. જ્યારે મીનાએ તેમને કહ્યું કે નંદા હીરોઇન તરીકે હજુ નાની લાગે છે. ત્યારે વી. શાંતારામે કહ્યું કે મારી ફિલ્મમાં એક ભાઇ અને બહેનની વાર્તા છે.

બહેનની ભૂમિકા માટે આટલી જ યુવાન છોકરીની જરૂર છે. એ ફિલ્મ ‘તૂફાન ઔર દીયા’ (૧૯૫૬) પછી ‘બેબી નંદા’ માંથી નંદા બનેલી અભિનેત્રીએ પાછા વળીને જોવાની જરૂર પડી નથી. નંદાએ અભ્યાસ છોડી દીધો અને અભિનયને જ કારકિર્દી બનાવી દીધી. નંદાનો હીરોઇન તરીકે એક સમય હતો. હમ દોનોં, કાલા બાઝાર, ગુમનામ વગેરે ફિલ્મોની સફળતાને કારણે નંદા ૧૯૬૦ થી ૧૯૬૫ ના સમયમાં નૂતન પછી સૌથી વધુ ફી લેતી બીજી અભિનેત્રી બની હતી.

રાકેશ ઠક્કર