સાંકડા રસ્તાને ટ્રાફિકના બેરીકેડઃ વાહનચાલકો જાય તો ક્યાં જાય?
અમાદાવાદ: શહેરમાં મોટા તહેવાર-ઉત્સવ, રેલીઓ-પ્રદર્શનો થાય એટલે પોલીસ તંત્રને સાબદા થઇ જવું પડે. મોટા મેળવડા, રાજકીય પાર્ટીઓના કાર્યક્રમો કે સરઘસોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે વધારાની ટુકડીઓ પણ બોલાવવી પડતી હોય છે. મોટા કાર્યક્રમોની સુરક્ષામાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ત્યારે હાંસ થાય જ્યારે બધુ જ સમું ઉતરે… એમાંય છેલ્લા કેટલાક સમય થી નવા વર્ષની ઉજવણીના ભાગ રુપે કેટલાક લોકો માર્ગો પર ઉતરી આવે છે.
અમદાવાદ શહેરમાં સી.જી. રોડ, એસ.જી. હાઇવે જેવા વિસ્તારોમાં વાહનો પર ચિચીયારીઓ પાડતાં, પીપુડા વગાડતાં અને ધીંગા મસ્તી કરતાં લોકો રોડ પર આવી જાય છે. આવા ઉત્સવ અને ઉત્સાહમાં અસામાજીક તત્વો ન ભળી જાય એ માટે ટી.આર.બી, હોમગાર્ડ્સ, પોલીસના જવાનો બંદોબસ્તમાં ગોઠવાઇ જાય છે. આ સાથે સી.જી.રોડ પરનો કેટલોક ભાગ બંધ કરી ટોળા-ટ્રાફિકને નિયંત્રણમાં લેવા બેરીકેડ્સ મુકાય છે. બીજી તરફ નવ વર્ષનાવધામણાં કરવા માર્ગો પર ફરી રહેલા લોકોની વોચ રાખવા માટે વોચ ટાવર પણ મુકવામાં આવે છે. મહત્વની વાત એ છે કે સી.જી. રોડ પર હાલ ફૂટપાથ અને નવીનીકરણ માટેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ઠેર ઠેર ખાડા ખોદી ફૂટપાથો તોડી નાંખવામાં આવ્યા છે.
આ સાથે 31 મી ડિસેમ્બરની ઉજવણીમાં બંદોબસ્ત માટે મુકાયેલા બેરીકેડ અને વોચ ટાવર પણ પડ્યા છે. ટ્રાફિકથી ધમધમતા, વેપાર-રોજગારનો હબ ગણાતા સી.જી.રોડ પર એક ટુ-વ્હિલર, ઓટો રીક્ષા કે ફોર વ્હીલરને માર્ગ પર ઉભા રહેતા અટકાવવામાં આવે છે. વાહન ટોઇંગ કરી જવામાં આવે છે, લોક મારી દેવામાં આવે છે. સતત ફરતી પોલીસની ગાડી દ્વારા માઇક દ્વારા લોકોને માર્ગો પરથી ખસી જવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ 31 ડિસેમ્બર ની ઉજવણી થઇ ગઇ..નવું વર્ષ 2020 પણ આવી ગયું પણ ટ્રાફિક નિયમન, સુરક્ષા માટે ઉભા કરાયેલા વોચ ટાવર જ હાલ ટ્રાફિકને અડચણ રુપ થઇ રહ્યા છે.