જન્મકુંડળીમાં ચંદ્રએ તમારું મન પ્રદર્શિત કરે છે. ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ, તમારી જન્મરાશિ થઇ. રાશિઓના ગુણ અને તેમની લાક્ષણિકતાઓ માનવીના મન દ્વારા પ્રગટ થાય છે.
રાશિઓ મુખ્યત્વે ત્રણ સ્વભાવ અને ચાર તત્વમાં વહેંચાય છે. દરેક રાશિનું તત્વ અને સ્વભાવ તેને બીજી રાશિથી અલગ કરે છે.અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ આ ચાર તત્વમાં રાશિઓ વહેંચાય છે.
અગ્નિતત્વની રાશિઓ શક્તિ, ઉત્સાહ અને સર્જનને દર્શાવે છે. તેઓ મહત્વાકાંક્ષી છે, વેગવાન છે તેઓ પોતાના કાર્ય માટે કટિબદ્ધ રહે છે. મેષ, સિંહ અને ધન અગ્નિ તત્વની રાશિઓ છે.
પૃથ્વી તત્વની રાશિઓ સ્થિર, ગંભીર અને વ્યવહારુ જ્ઞાનની રાશિઓ છે. તેઓને ભૌતિક સમૃદ્ધિ પસંદ છે. તેઓ ઘણીવાર જીદ્દી બની જાય છે. તેઓને આનંદ પ્રમોદ અને ખાવા પીવાનો શોખ હોય છે. વૃષભ, કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓ છે.
વાયુ તત્વ નવા વિચારો, બુદ્ધિ, સંશોધન અને સંવાદને રજૂ કરે છે. વાયુ તત્વની રાશિઓ બેશક બુદ્ધિવાદી હોય છે, તેઓ માનસિક કાર્ય કરવામાં ક્યારેય થાકતા નથી. તેઓ બોલવામાં અને અન્ય લોકોને પ્રભાવિત કરવામાં અવ્વલ હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓ છે.
જળતત્વ પોષક છે, ચલાયમાન છે, તેમાં પ્રતિબિંબ પડે છે માટે તે સામેનાને પ્રતિભાવ આપે છે, વ્યક્ત પણ કરે છે. જળતત્વ અત્યંત સંવેદનશીલ છે, તે લાગણીશીલ પણ છે. આ બધા ગુણોને લીધે જળતત્વ બાકીના ત્રણ તત્વથી બિલકુલ અલગ છે અને ભાવાનશીલ છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ જળતત્વની રાશિઓ છે.
અગ્નિને વાયુની જરૂર હોય છે, તો પૃથ્વીને જળની જરૂર હોય છે. અગ્નિથી વાયુ અને જળથી પૃથ્વી તત્વનો વિકાસ થાય છે. બિલકુલ તે જ રીતે મેષ, સિંહ અને ધન અગ્નિ તત્વની રાશિઓ છે તેમને મિથુન, તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓથી પોષણ મળે છે. બીજા અર્થમાં તેમના સંબંધો બિલકુલ સુમેળભર્યા અને એકબીજાના લાભ માટે હોય છે.વૃષભ, કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓ છે, તેમને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ જળતત્વની રાશિઓ છે તેમનાથી લાભ થાય છે. જળ અગ્નિનું શમન કરે છે, તે જ પ્રમાણે બળવાન વાયુ પૃથ્વી પરના વૃક્ષો ઉખાડી ફેંકે છે. આ દર્શાવે છે કે,મેષ, સિંહ અને ધન અગ્નિ તત્વની રાશિઓને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ જળતત્વની રાશિઓ સાથે જલ્દી મનમેળ થતો નથી. તે જ પ્રમાણે વૃષભ, કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓને મિથુન, તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓ સાથે જલ્દી મેળ થતો નથી. તેઓ બિલકુલ અલગ અલગ દિશામાં વિચારવા વાળા અને અલગ મનના માનવીઓ છે.
જો તમે જળ તત્વપ્રધાન વ્યક્તિ છો, એટલે કે કર્ક, વૃશ્ચિક અને મીનમાંની કોઈ એક રાશિ તમારી છે, તો તમને વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો બેશક મદદરૂપ નીવડશે. જો તમારી રાશિ અગ્નિતત્વની છે, તો તમને મિથુન, તુલા અને કુંભ, જે વાયુતત્વની રાશિઓ છે તેનાથી ખુબ લાભ થઇ શકે, તમારા સંબંધો એકબીજાની પ્રગતિમાં સહાયક બનશે.
આપણે જાણીએ છીએ કે સમગ્ર સંસાર પંચમહાભૂતના સંયોજન વિસર્જન પર નભે છે. દરેક સમયે દરેક સ્થળે આ પંચમહાભૂત ઉપસ્થિત જ છે. અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ પછી પાંચમું તત્વ આકાશ છે, આકાશ તત્વ અપ્રગટ રહે છે, છતાં તેના વિના ચાલતું નથી. સાદી ભાષામાં સમજીએ તો આકાશ તત્વ એટલે જગ્યા, ઘડાની અંદર ખાલી જગ્યા ન હોય તો ઘડાનું કોઈ મૂલ્ય નથી. બરાબર તેમ જ સંસારમાં ચાર તત્વોને છેલ્લે જગ્યા તો આકાશ તત્વ જ આપે છે.આકાશ તત્વ વિના બાકીના ચાર તત્વો કશું કરી શકતા નથી.