હું સ્કુલમાં હતો ત્યારે એવું શીખવાડતા કે હક અને ફરજ બંને સિક્કાની બે બાજુ છે. દરેક નાગરિકને કેટલાક મૂળભૂત અધિકાર મળે છે એની સામે દેશ માટે તેની કેટલીક ફરજ પણ છે. આવું દરેક સંબંધોમાં હોય છે. પણ શું સમય મળ્યો છે તો હકનો દુર ઉપયોગ કરી લેવો એ વ્યાજબી છે ખરું? એક વાલી પોતાના બાળકને પરીક્ષા અપાવી ને પોતાના બાળકને મહાન દેખાડવાની ક્રિયામાં બાળકને તણાવ આપે છે એ વાત એ ભૂલી જાય છે. બાળક સંસ્કારી છે એ સન્માનનો વિષય છે. પણ જો એ નહિ હોય તો એક સફળ બાળક મોટું થઈને વૃદ્ધાશ્રમના એડ્રેસ શોધે તેવું બને. એ જ રીતે શિક્ષકો વિદ્યાર્થીને નાપાસ કરીને રાજી થતા હોય તો તે શરમનો વિષય છે.
જયારે એક કંપની પોતાના એમ્પ્લોઇને પોષવા સક્ષમ નથી તો તે કંપની માટે શરમનો વિષય છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના સ્થાનનું સન્માન સચવાય તેનો પ્રયત્ન કરવો જોઈએ અને એ જ સાચી માનવતા છે. વળી વાત વાતમાં ખરાબ લાગી જાય એવું વ્યક્તિત્વ આપણા બાળકોમાં ન કેળવાય એ પણ જરૂરી છે. જો મોટા થવું હશે તો જતું કરવાની ટેવ પણ પાડવી પડે. બાકી એ બધાને સજા આપવામાં મૂળ કામ કોરાણે મુકાઈ જશે. બાળકનો વિકાસ રૂંધાઇ જશે.
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: મારા દાદીમાં અને મારો દીકરો બંનેને તમારા વિડીઓ ખુબ જ ગમે છે. બંને પાસે એના પોતપોતાના કારણો છે. તમે દરેક વાત સરળતાથી વૈજ્ઞાનિક રીતે સમજાવો છો. પણ એક વાત સમજાતી નથી કે વાયરસ તો જીવ છે તો બધા કેમ એવું કહે છે કે તે માનવ સર્જિત છે તેથી તેના વિશે કોઈ શાસ્ત્ર કાઈ કહી ન શકે?
જવાબ: કેટલાક માનવોના જીવનની શરૂઆત પણ લેબોરેટરીમાં થાય છે. તો શું એમના જીવન વિશે કોઈ વાત કરવાનું આપણે ટાળી દઈએ છીએ? આજનો યુગ પ્રચાર અને પ્રસારનો છે. જેના કારણે કેટલાક એવા લોકો પ્રસિદ્ધ થઇ રહ્યા છે જેમની પાસે યા તો માત્ર પુસ્તકિયું જ્ઞાન છે યાતો ઉછીનું જ્ઞાન છે. જયારે એમની પાસે કોઈ સવાલ આવે ત્યારે એમના જવાબો વાતને ટાળી દેવા માટેના હોઈ શકે. જો ધરતીકંપ અને વાવાજોડાની આગાહી થઇ શક્તિ હોય તો વાયરસની પણ થઇ શકે. પણ આખા વિશ્વમાં આવો પ્રકોપ આવે એવું કોઈએ વિચાર્યું ન હોય તેથી એ રીતે ગણતરી ન કરી શકયા હોય કે પછી ઉતાવળમાં માત્ર વિશ્વયુદ્ધમાં જ આખા વિશ્વમાં આટલા બધા લોકો મારી શકે એવું તારણ કાઢી લીધું હોય એવું બને. ભારતના શાસ્ત્રો ખરેખર સમજવા જેવા છે. જો તેનું સાચું જ્ઞાન હોય તો તે સચોટ વાત કરવા સક્ષમ છે. લાંબા સમય સુધી માસ્ક પહેરવું પડશે એ નક્કી છે તેથી જ આપ સહુ નિયમ પાલન સાથે સુરક્ષિત રહો તેવી શુભેચ્છા.
સવાલ: હું પાંત્રીસ વરસનો પુરુષ છું. મને એક પુરુષ ગમે છે. જો કે મને નાનપણથી પુરુષો માટે આકર્ષણ થતું. આ કદાચ પ્રેમની લાગણી છે. ઘણા લોકો એવું કહે છે કે મારા ઘરમાં વાસ્તુ દોષ છે એટલે મને આવું થાય છે. મને બદનામીથી ડર નથી પણ મારા ઘરના લોકો આ સંબંધને માનશે નહિ. વળી મારા લગ્ન ને દસ વરસ થઇ ગયા છે. તો મારી પત્નીને કેવી રીતે સમજાવવી? કોઈ સારી ઉર્જા માટે ગાઈડ કરોને. તમે મારા વડીલ છો એમ સમજીને પુંછું છું. સાચી સલાહ આપજો.
જવાબ: પ્રેમ કોઈની પણ સાથે થઇ શકે. એ કોઈ વસ્તુ પણ હોઈ શકે અને વ્યક્તિ પણ. તમે જયારે જાણતા હતા કે તમને પુરુષો જ ગમે છે તો તમારે લગ્ન કરવા જોઈતા ન હતા. કોઈની જિંદગી બગાડવાનો તમને કોઈ હક નથી. એક વાર હૃદય પર હાથ રાખીને વિચારો કે તમારો પ્રેમ સાચો છે? જો જવાબ હા માં આવે તો તમારી પત્ની ને પૂછી જોજો કે એ તમને છોડી શકશે? તમે એને સાચી વાત કરી શકશો? તમારો એક નિર્ણય એ ઘણું બધું બદલી નાખશે. વળી તમે સામે વાળી વ્યક્તિને પૂછ્યું છે ખરું? તમારે એક સાચા વિચાર અને એક સાચા નિર્ણયની જરુરુ છે. આપના ઘરમાં ત્રણ મુખ્ય અક્ષ નકારાત્મક છે. વડીલોને સન્માન આપો. સવારે સૂર્યને જળ ચડાવો. ઘરમાં ગુગલનો ધૂપ કરો.શિવ પૂજા કરો અને ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. વાયવ્યમાં બે બિલી વાવો. વિચારોમાં ફેર પડશે.
આજનું સુચન: ઘરમાં દરરોજ યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવાથી મન પ્રફુલ્લિત રહે છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)