“એ મને બહુ પ્રેમ કરે પણ જો કોઈની સાથે વાત કરતા જોઈ જાય તો પછી વાત પૂરી થઇ ગઈ. સાંજ પડે આખું ઘર ખખડે.” આવું સાંભળ્યા પછી તેમના ઘરની વ્યવસ્થાનો વિચાર તો આવે જ. એક તરફ અનહદ પ્રેમ અને બીજી બાજુ તદ્દન વિપરીત. છે ને અદભૂત કોમ્બીનેશન? પણ આવું બનતું હોય છે. જયારે પુરુષ નાનપણથી અગ્નિના બેડરૂમમાં રહ્યો હોય ત્યારે આવા સંજોગો ઉદભવી શકે. અગ્નિ એ નારીપ્રધાન જગ્યા છે. તેથી નર તે જગ્યાએ ન રહે તે જ યોગ્ય ગણાય. ઓફિસમાં જો પુરુષ બોસ એ જગ્યાએ બેસતો હોય તો તે ચોક્કસપણે વધારે ભૂલો કાઢી શકે અને તેનામાં અધિકારની ભાવના પણ હોય.“એમનો સ્વભાવ બહુ શંકાશીલ હો. વાતવાતમાં એમને શંકા જાય ને પછી મારા પર બગડે.” આવું ઘણાં બહેનો કહેતાં હોય છે. તો તેનાથી વિપરીત પુરુષો પણ પત્ની તેના પર શંકા કરે છે તેની ફરિયાદ કરતા હોય છે. આમ તો આ વાતને સ્વાસ્થ્ય સાથે જોડવું કે નહીં તે ચર્ચાનો વિષય છે. પણ કારણ વિનાની શંકા કરવી અને તેના ભયના લીધે ઉદભવતી સમસ્યા એક બીમારી જ ગણી શકાય. જયારે અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવી સમસ્યાની શરૂઆત થતી જોવા મળે છે. જો વાયવ્યથી જોડાયેલ બંને અક્ષ અને તેનાથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે ઘરના કોઈ પુરુષનો સ્વભાવ કારણ વિનાની શંકાઓ કરવાવાળો થઇ જાય છે, અને તેમાં પણ પૂર્વનો દોષ ઉમેરાય તો તેના મનમાં લોકોનો ભય પણ ઉદભવે અને ઘરનું વાતાવરણ બગડી શકે. જો આ સાથે અગ્નિમાં માસ્ટર બેડરૂમ આવતો હોય તો કારણ વિનાની શંકાઓના લીધે કારણ વિનાની ચર્ચાઓ પણ ઉમેરાય છે.
માણસનો આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે મુખ્યત્વે શંકાઓનું સ્થાન ઉદભવે છે. એક જગ્યાએ નારી વધારે સક્ષમ હતી તેના લીધે પુરુષને શંકા થયા કરતી હતી. કોઈ કારણ ન હતું અને તે પત્ની વિષે વધારે માહિતી લેતાં પકડાઈ જવાથી સંબંધોમાં તિરાડ પડી હતી. આ જગ્યાએ વાયવ્ય સાથે જોડાયેલ ત્રણેય અક્ષ નકારાત્મક હતાં. તેમાં પણ ઉત્તરનો દોષ પ્રબળ હતો. આવી જગ્યાએ જો અગ્નિમાં વાયુના પ્રતીક સમી કોઈ વસ્તુ આવે તો ચારિત્ર અંગે પણ શંકાઓ થઇ શકે છે. કોઈ પણ સ્ત્રી બે વસ્તુઓ સહન નથી કરી શકતી. ૧) તેના પતિનું ચારિત્ર દૂષિત હોય તે અને ૨) તેના ચારિત્ર પર કોઈ સવાલ કરે તે. જયારે બ્રહ્મમાંથી પસાર થતાં બધાં જ અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે છે.
ખોટી ચિંતાઓ કર્યા પછી કોઈ હુમલો કરશે તેવો ભય રહ્યાં કરતો હોય તેવી પણ બીમારી કેટલાક લોકોને હોય છે. અને તેઓ અસુરક્ષિત હોય તેવું તેમને લાગે છે.” ફિર તેરી કહાની યાદ આયી” ની નાયિકાને આવી સમસ્યા હતી. સાવ સામાન્ય લાગતી વ્યક્તિની મનોદશા અચનાક જ બદલાઈ જાય છે. કોઈને કહીએ તો તે માને પણ નહીં.
મુખ્ય ચાર અક્ષ નકારાત્મક હોય અને બ્રહ્મનો મોટો વાસ્તુદોષ હોય ત્યારે આવું થઇ શકે. અને ઘરમાં જયારે વ્યક્તિને સતત ભય રહેતો હોય ત્યારે તે ઘરના અન્ય લોકોની અને આસપાસ રહેતા લોકોની સમસ્યા પણ વધે જ. આવી વ્યક્તિઓ ખોટા ભયથી અન્યને નુકસાન કરી શકે છે. જો આ સાથે મસ્તક નૈરુત્ય તરફ રાખીને સૂવાની વ્યવસ્થા હોય તો વ્યક્તિના સ્વભાવમાં બદલો લેવાની ભાવના પણ જાગે. એકજગ્યાએ બ્રહ્મમાં હીંચકો હતો, ઉત્તરી ઇશાનનું દ્વાર હતું અને માસ્ટર બેડરૂમ વાયવ્યમાં હતો. રસોડું ઉત્તરમાં હતું અને રસોઈ પણ ઉત્તરમુખી. આ જગ્યાએ પુરુષનો સ્વભાવ શંકાશીલ હતો તેથી તે ખોટી ફરિયાદો કર્યા કરતો.
નારીનો સ્વભાવ વધારે વિચારી અને વાત ને વધારવા વાળો હતો. વળી બંનેનો સ્વભાવ બદલો લેવા વાળો પણ હતો. તેઓ ક્યારેય કોઈને પણ માફ કરવા તૈયાર ન હતા. તેઓ વરસો જૂની વાતોને યાદ રાખી અને અન્યને અને એકબીજાને હેરાન કરવાના નુશખા શોધ્યા કરતા.તેથી તે બંને પણ દુખી હતાં અને તેમનાથી જોડાયેલ અન્ય લોકો પણ. જો અહી વાયવ્યમાં મુખ્ય દ્વાર હોત તો નવી પેઢીની ચિંતા પણ તેમના સ્વભાવમાં ઉમેરાઈ હોત. તેમના ઘરમાં સહુથી સમજદાર વ્યક્તિ તેમની આંઠ વરસની દીકરી હતી. તે સતત આવું ન કરવા સમજાવ્યા કરતી. આ દીકરી નૈરુત્યમાં રહેતી. તેથી જ તેનો સ્વભાવ ઠરેલ હતો.
કેટલાક લોકોને સતત એવું લાગતું હોય છે કે, આસપાસના લોકો માત્ર તેમના વિષે જ વાતો કર્યા કરે છે. અથવા તો તેઓ જયારે રસ્તા પરથી પસાર થાય ત્યારે બધા એમને જ જોયા કરે છે. આ પણ એક પ્રકારની બીમારી જ ગણાય. જયારે બ્રહ્મમાંથી પસાર થતા બે અક્ષ અને ઉત્તરનો દોષ હોય ત્યારે આવું બની શકે છે. આવી વ્યક્તિઓનો પોતાનો આત્મવિશ્વાસ ખુબજ ઓછો હોય છે. અને તેમની આવી વિચારધારાના કારણે તેઓ અન્યને મળવાનું પણ ટાળે છે. કોઈ સતત અન્યની જ વાતો કરતુ હોય અને એક જ વ્યક્તિને હેરાન કરવા બધાજ કારસો રચતા હોય તેવું શક્ય છે ખરું? નથી જ. પણ નકારાત્મક ઉર્જાના પરિણામ સ્વરૂપ આવું બનતું હોય છે. પરંતુ જો વાસ્તુની ઉર્જા હકારાત્મક હોયતો ખોટી ચિંતાઓ માંથી મુક્તિ મળે છે.