“ હું એને બહુ જ પ્રેમ કરું છુ. પણ એને મળું ત્યારે માત્ર ઝગડા જ થાય છે. મને તો ખબર જ નથી પડતી આવું કેમ થાય છે?” ‘સાહેબ, અમને બંને ને એકબીજા માટે ખુબજ પ્રેમ હો. પણ દિવસમાં બે વાર લડીએ નહિ ને તો ઊંઘ ન આવે. સાચું કહું? બહુપ્રયત્ન કરીએ છીએ. બાળકો મોટા થઇ ગયા છે. કોઈ પ્રોબ્લેમ નથી પણ ઝગડા થઇ જ જાય છે” “લાગણીની અભિવ્યક્તિ જ ખોટી થાય છે. સારું કહેવા જાઉં ને સાચું બોલાઈ જાય છે. ને પછી અઠવાડિયા સુધી બસ કંકાસ જ ચાલે. સાચું કહું ? હવે થાકી ગયો છુ.” આવા વાક્યો સાંભળવા મળે એટલે સહુથી પહેલા વાસ્તુના અમુક નિયમોનો વિચાર આવે. એ લોકોના ઘરનું દ્વાર ક્યાં છે? સુવે છે કઈ દિશાની રૂમમાં? પાણીની ટાંકી કઈ દિશામાં આવી છે? ઉત્તર દિશામાં કયો રંગ લગાવ્યો છે? કયા વૃક્ષો લગાવેલા છે? વિગેરે વિગેરે.
આજના જમાનામાં લોકોની એક બીજા માટેની અપેક્ષાઓ વધતી જાય છે. અને તે પૂરી ન થાય ત્યારે દુખ થાય. અને પછી જેની પાસે લાગણી ની અપેક્ષા હોય તેની સાથે જ લડાઈ ઝગડા શરુ. ક્યારેક બંને પક્ષે ખેચાણ લાગણી અને જીદ બંને નું હોય એટલે પણ ટકરાવ થયાં કરે. અગ્નિના બેડરૂમમાં યુગલ રહેતું હોય ત્યારે લાગણી તો હોય પણ અભિવ્યક્તિ ખોટી થાય અને અંતે ટકરાવ થાય. એમાં પણ જો ત્યાંથી બ્રહ્મ તરફ જતો અક્ષ નકારાત્મક હોય તો ડોક્ટરના પ્રીસ્ક્રીપ્સનની જેમ રેગ્યુલર સમયે લડાઈ થઇ જ જાય. એવું કહે છે કે ક્યારેક લડવાથી પણ પ્રેમ વધે છે. પણ દરરોજ લડવાથી વધે ખરો? ઘરના સદસ્યો પણ થકી જાય કે જો આમ જ લડ્યા કરવું હોય તો છુટા પડી જાવ ને. મધ્ય ગુજરાતમાં એક યુગલના લગ્નને પચીસ વર્ષ પુરા થયાં તો પણ દરરોજ લડે. નાની નાની વાતમાં પોતાની મમત છોડે જ નહિ. વડીલો તો ઠીક પણ તેમના બાળકો પણ થાકી ગયા. સર્વાનુમતે નક્કી થયું કે બંને ને ફરજીયાત છ મહિના સુધી અલગ રહેવું પડશે. બંને સહેમત થયાં અને છુટા પડી ગયા. નિયમ મુજબ બંને એ વાત ન હતી કરવાની કે મેસેજ પણ નહિ. પત્ની એ ભૂલથી ગ્રુપમાં મેસેજ મુક્યો અને તે વાંચીને તેના પતિને ગુસ્સો આવ્યો. પછી બધાજ નિયમો તૂટી ગયા. ફરી ભેગા થયાં અને લડવાનું શરુ. બધાએ ફરી છુટા પાડ્યા. આ વખતે પત્નીએ ઝગડો કર્યો. ગઈ વખતે મારો વાંક ન હતો તો પણ તું લડવા આવેલો. કહીને ફોન પર ઝગડો ચાલુ. આ સંબંધ અનંત હતો. તેવું બધા સમજી ગયા. કારણકે તેઓ એક બીજા વિના રહી પણ શકતા ન હતાં. તેમના ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય ઉત્તરનું હતું. બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હતાં. ઉત્તરમાં પ્રોજેક્સન હતું. અને તેમાં રસોડું હતું. પ્લેટફોર્મ પર કાળો પત્થર હતો જે આ નકારાત્મકતામાં વધારો કરતો હતો.
ઘણી વાર વારંવાર લડવા કરતા અલગ થઇ જવું વધારે સારું હોય છે. કારણ કે સતત લડવાથી ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓ તો આવે જ છે પણ પરિવારના સુખ શાંતિ પણ હણાય છે. પણ એ સમજ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. પણ જો એ જ યુગલને નૈરુત્યની રૂમમાં યોગ્ય રીતે શિફ્ટ કરવામાં આવે તો સંબંધોમાં ફેર પડી શકે. પણ હા, રાતો રાત સ્વભાવમાં ફેર ન જ પડે. જેમ જેમ નવી ઉર્જાની અસર થાય તેમ વાતાવરણ પણ બદલાય. કેન્યાના એક પરિવારમાં પુત્રવધુ અચાનક જ પિયર જતી રહી. કોઈ ખાસ કારણ મળતું ન હતું. અંતે ખબર પડી કે અચાનક તેના પતિએ લડવાનું બંધ કરતા તેને શક હતો કે પતિના જીવનમાં કોઈ બીજું આવી ગયું છે. ક્યારેક લડવાનું અચાનક બંધ થાય તો પણ તકલીફ થાય. તેમના ઘરમાં પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈ હતી. અને બ્રહ્મમાંથી પસાર થતાં ત્રણ અક્ષ નકારાત્મક હતાં. આ ઉપરાંત પિયરમાં પણ વાયવ્યનો દોષ હતો. વાયવ્યનો દોષ બાળકોની ચિંતા કરાવે છે. અને દીકરી અચાનક સાસરેથી પછી આવે તો ચિંતા તો થાય જ. વળી કારણ પણ?” પતિ થોડા સમયથી લડતો નથી.” વધારે પડતો પ્રેમ પણ ક્યારેક તકલીફ આપે.
ચેન્નાઈમાં એક પરિવાર સુખેથી રહેતો હતો. ઘરમાં નવું રંગ રોગાન થયું અને પતિ પત્ની વચ્ચે ખટરાગ શરુ. માત્ર રંગો જ બદલાયા હતાં. બાકી હતું તો કોઈના કહેવાથી ઇશાનમાં સેવન વાવવામાં આવ્યું. ખુબજ તણાવ થવા લાગ્યો. ઇશાનમાં ઊંચા વૃક્ષો ક્યારેય ન વવાય તે સમજવું જરૂરી છે. વાસ્તુ નિયમોની સાચી સમાજ હકારાત્મક ઉર્જાના નિયમો સુધી પહોચાડે છે.
દરેક દિશાઓ માટેના હકારાત્મક રંગો વિશેની સમજ પણ હકારાત્મક ઉર્જાની સાચી સમજ આપે છે. નોર્થ કેરોલીનાના એક પરિવારની ઉત્તરની દીવાલનો રંગ બદલાયો અને તેમના સંબંધો પણ બદલાયા. પણ ફરી પાછા એ જ રંગો કરવાથી તેમના સંબંધો બદલાયા. રંગોની જીવન પર અસર થાય છે તેવું વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. સકારાત્મક સંબંધો માટે વસ્તુની સકારાત્મક ઉર્જા મદદરૂપ થાય છે.