ગઈકાલે એક નાટક જોયું. ત્રણ જ મુખ્ય કલાકારો. અને સતત રમૂજ. એમાં મનસા નામની એક વૃદ્ધાના સપનાની વાત છે. પંચોતેર વરસનું શરીર અને મન માત્ર પચીસ ત્રીસનું. જયારે અન્ય લોકો રીટાયરમેન્ટથી પણ થાકી ગયાં હોય ત્યારે આંખોમાં સપના આંજીને તેને સાકાર કરવાની તૈયારી દેખાય ત્યારે લાગે કે શરીરને કદાચ ઉમર અડી ગઈ પણ માંહ્યલો તો હજુ પણ ઊર્જાસભર છે. અમારા એક ઓળખીતા બેન રીટાયર થયા બાદ જીમમાં જવાનું વિચારતા હતાં. અને એનું કારણ હતું, હવે કોઈ ચિતા નથી તો મન ગમતું જીવન ન જીવીએ? જો બધાં જ આવું વિચારે તો? આવું વિચારવા માટે યુવાન હૃદય જોઈએ. અને યુવાન હૃદયને જોઈએ હકારાત્મક ઊર્જા. જે વાસ્તુના હકારાત્મક અભિગમ દ્વારા મળી શકે.
ઇશાનનો ત્રિકોણ હકારાત્મક હોય તો વ્યક્તિની ઉમર તેની સાચી ઉમર કરતાં ઓછી દેખાય તેવું બને. આપણે ઘણા પરિવારો જોઈએ છીએ કે જે બધાં જ આ વ્યાખ્યામાં આવી જતાં હોય. તેનું મુખ્ય કારણ છે તેઓ એક સમાન ઊર્જામાં રહેતા હોય છે. અમુક નારી લગ્ન પહેલાં નાની દેખાતી હોય અને સાસરે ગયાં પછી તેની ઉમર દેખાવા લાગે તેવું પણ બને અને તેનાથી વિપરીત સાસરે ગયા પછી દેખાવ વધારે હકારાત્મક બને તેવું પણ બને. આનું મુખ્ય કારણ જે તે ઘરની ઊર્જા હોઈ શકે.
દક્ષિણમાં એક પરિવારમાં એક દીકરી ખૂબ જ સુંદર. કામેકાજે પણ હોશિયાર. બધાં જ માનતાં કે જેના ઘરે તે જશે તે લોકો ખૂબ જ નસીબદાર હશે. લગ્ન બાદ એને કામ કરવાનું ન ગમે. કોઈ કઈ કહે તો ગુસ્સો આવે. રસોઈ બનાવતી વખતે પણ આત્મવિશ્વાસ ઓછો થઇ જાય. તેને પોતાને જ નવાઈ લગતી કે આવું શાના લીધે થાય છે? સુંદરતા ઓછી થવા લાગી. આંખો નીચે કુંડાળા આવવા લાગ્યાં. અને સુંદર દેખાવના તણાવમાં સમસ્યા વધતી ચાલી. આનું મુખ્ય કારણ તેમના ઘરની રચના હતી. તેમના પિયરમાં તેઓ અગ્નિ ના રૂમમાં યોગ્ય વ્યવસ્થા સાથે રહેતાં હતાં. સાસરીમાં તેઓ પૂર્વના બેડરૂમમાં રહેતાં અને રસોડું પશ્ચિમમાં પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈ થાય તેવી સ્થિતિમાં હતું. ઇશાનમાં દાદરો હતો ને અગ્નિમાં ઓવરહેડ ટાંકી. વાયવ્યનો દોષ હોવાના લીધે મન પર કાબૂ પણ રહેતો નહીં. આજ કારણથી જેમના માટે લગ્ન પહેલાં સહુને માન હતું તે જ વ્યક્તિ બદલાવા લાગી. સુંદર દેખાવા માટે આંતરિક સુંદરતા ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિ અંદરથી સાફ નહીં હોય તો તેની સુંદરતા કૃત્રિમ લાગશે. અને આવી સુંદરતાની અસર લાંબા સમય સુધી રહેતી નથી. સુંદર હોવા માટે ગોરી ચામડી હોવી જરૂરી નથી તેવું હું માનું છુ. ઘણી બધી વિશ્વ સુંદરીઓ શ્યામ વર્ણ હોય જ છે ને? પણ હા વ્યક્તિના ચહેરા પર પ્રફુલ્લિતતા અને તેજ હોવા ખૂબ જ જરૂરી છે.
જે વ્યક્તિની ઊર્જા હકારાત્મક હોય છે તેઓ પોતાની ઉમર કરતાં ઘણાં નાના દેખાતા હોય છે. એક સામાન્ય પ્રકારની નિર્દોષતા પણ તેમના ચહેરા પર હોય છે. મધ્ય ગુજરાતમાં એક બહેનના વર્ણના કારણે તેમના લગ્નમાં બાધા આવતી હતી. સરળ સ્વભાવ, સારું ભણતર પણ દેખાવ ખૂબ સરસ નહીં. તેથી સારા માંગા આવતા હોવા છતા લગ્નમાં વિલંબ થતો. વાયવ્યનો દોષ પણ હતો. ઉમર વધવાની સાથે દેખાવ પણ બદલાઈ રહ્યો હતો. તેમના ઘરમાં ઇશાનના ત્રિકોણ ઉપરાંત નૈરુત્યનો દોષ પણ હતો. માબાપની ચિંતા વધી રહી હતી. તેમને અમુક પ્રકારે ગાયત્રી મંત્ર અને શિવ પૂજા કરવા ઉપરાંત ઇશાનમાં તુલસીનું વન બનાવવાનું કહ્યું. અને તેમના ચહેરા પર તેજ આવ્યું , આત્મવિશ્વાસ વધ્યો અને સુંદરતા પણ પ્રાપ્ત થઇ. તેમને નોકરીમાં પણ તેના લીધે ફાયદો થયો અને લગ્ન માટે પણ હકારાત્મક સંજોગો ઉદભવ્યા. વાસ્તુ નિયમોની હકારાત્મકતા માનવીને સુંદર પણ બનાવી શકે છે.
આપણાં દેશમાં પૌરાણિક યુગમાં સહુ કોઈ સુંદર દેખાતા હતાં તેનું એક કારણ આ પણ હોઈ શકે. સુંદરતા સૌમ્ય પણ હોઈ શકે અને અગ્નિતત્વથી પ્રભાવિત પણ હોઈ શકે. ઇશાનની હકારાત્મકતા વ્યક્તિને સંતોષી સ્વભાવ આપે છે. સંતોષી સ્વભાવ સૌમ્ય પ્રકારની સુંદરતા આપે છે. આવી વ્યક્તિઓનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે.તેમની સરળતા તેમની સુદરતાનો ભાગ બની જાય છે. આવી વ્યક્તિઓની કોઠાસૂઝ ખૂબ જ સારી હોય છે. તેમનો સ્વભાવ પણ હકારાત્મક હોય છે. અને તેમની આંતરિક હકારાત્મકતાની અસર પણ તેમના વ્યક્તિત્વમાં દેખાતી જોવા મળે છે. આમ વાસ્તુની હકારાત્મકતા વ્યક્તિને સુંદર બનાવવામાં પણ મદદરૂપ બને છે. હવે વિચાર આવે કે ગ્લેમર વર્લ્ડમાં સફળ થવા માટેની સુંદરતા કેવી રીતે પ્રાપ્ત થાય? તેની વાત કરીશું આવતા સપ્તાહે.