“હું આ ક્ષણે આ સંસ્થામાંથી રાજીનામું આપું છું. મને ખબર છે મારા ગયા પછી સંસ્થાને તકલીફ પડશે. પણ આપનો વ્યવહાર જે રીતે નકારાત્મક થઇ રહ્યો છે, તે જોતાં હવે અહી કામ કરવાનું અશક્ય છે.” એ વ્યક્તિએ રાજીનામું આપી દીધું. આખા ગામમાં હાહાકાર મચી ગયો. જે વ્યક્તિએ આ સંસ્થાના ઉદભવમાં પાયાનું કામ કર્યું, પોતાની દ્રષ્ટિથી તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોચાડી, તે રાજીનામું આપી દે તેવા સંજોગો ઉદભવે તે ખૂબ જ ખરાબ કહેવાય. એક સામાન્ય લાગતી બાબતે સંસ્થાને આકાશથી જમીન પર પહોંચાડવાનું કામ કર્યું. થોડા જ વરસોમાં સંસ્થામાં વાતાવરણ બગડવા લાગ્યું અને વિદ્યાર્થીઓ પણ ઓછા થવા લાગ્યાં.
જે સંસ્થામાં એડ્મિશન લેવા ઓળખાણો લાવવી પડતી અને તો પણ એડ્મિશન નહોતાં મળતાં ત્યાં પાંખી હાજરી દેખાવા લાગી? આ આખી પરિસ્થિતિને હવે વાસ્તુના પરિપેક્ષમાં જોઈએ.
આ સંસ્થા બની ત્યારે તેનું દ્વાર પૂર્વના સાચા પદમાં હતું. આચાર્ય દક્ષિણમાં પૂર્વાભિમુખ બેસતાં. સ્ટાફ પણ પૂર્વાભિમુખ બેસતો. તેથી જગ્યાની નામના વધી. જગ્યા મોટી કરાતાં તેનું દ્વાર ઉત્તરી ઇશાન તરફ ગયું. અહીં દ્વાર હોય ત્યારે પોતાના અંગત લોકો પીઠની પાછળ બદલાઈ જાય છે. સૌરાષ્ટ્રથી આવેલા એક ભાઈને સ્ટાફમાં એક છોકરી ગમતી. પેલી વ્યક્તિએ ભાવ ન આપતાં તેમણે ટ્રસ્ટીને પેલા બેનના ચારિત્ર વિષે પત્રો લખવાના શરુ કર્યાં. ટ્રસ્ટીને પ્રિન્સિપાલ આવા બેન સામે પગલાં કેમ નથી લેતાં? તેવા સવાલો ઉભા થયાં. પેલા શિક્ષકની વિકૃત માનસિકતા તેઓ સમજી શક્યાં નહીં. ઘર્ષણ ઉભું થયું. પ્રિન્સિપાલ થોડા સમય માટે બહાર ગયાં. કાર્યકારી પ્રિન્સિપાલના મનમાં અરમાનો જાગ્યાં. તેમણે ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ વચ્ચે અંતર વધે તેવા સંજોગો ઉભા કર્યાં અને પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું.
પેલા ભાઈ જેમને સ્ટાફના બેન ગમતાં હતાં તે અગ્નિમાં નૈરુત્ય તરફ મુખ રાખીને બેસતાં હતાં. તેમની માનસિકતા બગડતી ગઈ. હવે તેમના ઘરનો વિચાર કરીએ. તેમના માબાપને એકબીજા સાથે ફાવતું નહીં. ઘરમાં નોર્થ બ્લોક હોવાથી અને વાયવ્યથી અગ્નિનો અક્ષ નકારાત્મક હોવાથી સુખ શબ્દ શબ્દકોષમાંથી સરી ગયો હતો. પોતાનું દુખ અન્યના જીવનમાં ફેલાવવાના વિચારે તેમને આવા કરી દીધાં હતાં. નાનપણથી પોતાના માટેની નાસમજ હવે વેર વૃત્તિમાં પરિવર્તિત થઇ હતી. પોતાનાથી વધારે વિચક્ષણ એવા પ્રાધ્યાપકની સાથે પેલા બેનનું નામ જોડીને તેઓ એક કાંકરે બે પક્ષી મારવાની પેરવીમાં હતાં.
હવે વિચાર કરીએ કાર્યકારી પ્રિન્સિપાલનો. એમના ઘરનો દરવાજો પશ્ચિમ વાયવ્યનો હતો. ઉત્તરમાં બેડરૂમ અને પશ્ચિમમાં રસોડું હતું. ઘરમાં પત્નીનું ચાલતું. દીકરો પણ ક્યાં જતો રહ્યો હતો તે ખબર ન હતી. દીકરીઓ સુખી ન હતી. વાયવ્યનો દોષ હોય ત્યારે નવી પેઢીની ચિંતા રહે જ. મહત્વકાંક્ષી પત્ની અને જીવન પ્રત્યેની વધારે પડતી અપેક્ષા. જેવો કોઈએ ભરોસો કરીને જવાબદારી સોંપી કે મનમાં ઈચ્છાઓ જાગવા લાગી. માત્ર થોડા દિવસ માટે મળેલી ખુરશી કાયમ ન મળે? દરેક હોદ્દા માટે જવાબદારીની ભાવના અને કુશળતા હોવા જરૂરી છે તે વાત તેઓ ભૂલી ગયાં. ઘરની નકારાત્મક ઊર્જા અને કાર્યસ્થળની નકારાત્મકતા ભળતાં તેમણે પોતાના માટે નુકશાનકારક નિર્ણય લીધો. પ્રિન્સિપાલના રાજીનામાં સાથે ટ્રસ્ટીએ તેમનું પણ રાજીનામું લખાવી લીધું.
હવે આ વાર્તાનું ત્રીજું અગત્યનું પાત્ર. ટ્રસ્ટી જે જગ્યાએ બેસતાં ત્યાં પ્લોટમાં જવા માટે પૂર્વી અગ્નિનું દ્વાર હતું. બિલ્ડિંગમાં જવા માટે પૂર્વી ઈશાનનું દ્વાર હતું અને તેઓ પૂર્વ મધ્યમાં ઉત્તરાભિમુખ બેસતાં. સ્વભાવ ભૌતિક્તાવાદી હતો. જે માણસ જે વાત કરે તેને વિચાર કર્યા વિના માની લેતાં. ખોટા વખાણથી પ્રભાવિત થતાં. અને કોઈ ચાડી ખાય તો માની લેતાં. ટૂંકમાં પોતાના વિચારો ન હતાં. દ્રષ્ટિનો અભાવ તેમની સંસ્થાને નડી ગયો. વળી આ ઓફિસની નૈરુત્યમાં ખાળકૂવો હોવાથી આ જગ્યાએ કામ કરવાવાળી વ્યક્તિઓને લાંબી બીમારી પણ રહેતી. દવાઓની અસરમાં ક્યારેક સ્વભાવ પણ બગડતો.
હવે ચોથું પાત્ર. પ્રિન્સિપાલ. તેમના ઘરમાં પૂર્વના યોગ્ય પદમાં એન્ટ્રી હતી. સિદ્ધાંતવાદી, વિચક્ષણ, દ્રષ્ટા, સારા લીડર એવી વ્યક્તિ ખોટું સહન ન જ કરે. પોતાના જ લોકો પોતાની સંસ્થાને નુકશાન કરે અને ટ્રસ્ટી તેમને સપોર્ટ કરે, તે કોનાથી સહન થાય? વળી ઓફિસ બદલાતાં તેમના વિચારો પણ બદલાયાં અને જે છોડને માવજત કરી વૃક્ષ બનાવ્યો તેને છોડી દીધો.જો બંને જગ્યાએ ઓફિસ નૈરુત્યમાં હોત અને સ્ટાફ પૂર્વાભિમુખ બેસતો હોત તો? તો પેલા ભાઈ નારીનું સન્માન કરી શક્યાં હોત. તેમના ઘરમાં હકારાત્મકતા હોત તો તેમનો ઉછેર સારી રીતે થયો હોત. અને જે નુકશાન થયું તે ન થયું હોય.
પ્રેમની અભિવ્યક્તિ નકારાત્મક હોય ખરી? જો બધાં જ વાસ્તુ હકારાત્મક હોત તો ? તો પેલા ભાઈ પોતાની લાગણીની હકારાત્મક અભિવ્યક્તિ રૂપે ગમતી વ્યક્તિને મદદ કરવા પ્રયત્ન કરતાં હોત. તેઓ પણ વિચક્ષણ હોત. બંને સારા મિત્રો બની શક્યાં હોત. ટ્રસ્ટીની કોઠા સૂઝ પ્રિન્સિપાલની હિંમત વધારતી હોત અને પ્રિન્સીપાલ ટ્રસ્ટી અને સ્ટાફની હકારાત્મક્તાને પોતાની હકારાત્માંકતામાં ભેળવી સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિના ભાગીદાર બન્યાં હોત.