વાસ્તુ: શું એક જ દીવાલ પર બાજુ બાજુમાં બે દરવાજા નકારાત્મક ગણાય?

જેમને કામ કરવું છે એના માટે કાયમ કામ મળી જ રહે છે. જેમને કામ નથી કરવું એ કાયમ બહાના શોધે છે. એક વખત કામ ન કરવાની આદત ઉભી થઇ જાય પછી બધું જ બેઠા બેઠા મેળવી લેવાની ભાવના જાગે છે. અને ક્યારેક મફતમાં લઇ લેવાની લાલચ પણ જાગે. મફતમાં બધું ન મળે તો શું કરવું? ક્યારેક છીનવી લેવાની, ક્યારેક ચોરી કરવાની ઈચ્છા પણ થાય. આ બધું ખોટું થાય ત્યારે સમજાય કે મફતની ટેવ ન જ પડાય. વળી જે લોકો મહેનત કરીને કમાય છે એમનું જ છીનવાઈ જાય ત્યારે સમાજ વ્યવસ્થાનો પણ વિચાર આવે. ભારતીય સંસ્કૃતિમાં ભીખ આપવાનો નિષેધ છે. દાન પણ સુપાત્રને આપવાની વાત હતી. દક્ષિણા યોગ્યતાના આધારે અપાતી. પણ બદલાતી વિચારધારા સાથે ઘણું બદલાઈ રહ્યું છે ત્યારે શાસ્ત્રોની સાચી સમજણ ખુબ જ જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારું પેકેજીંગનું કામ છે. છેલ્લા કેટલાક સમયથી માણસોને કામમાં રસ નથી હોતો. ઓછુ કામ કરે, કામ બગાડે, વચ્ચે વચ્ચે આંટો મારવા જતા રહે અને સતત પૈસા વધારે માંગતા રહે. આ જ માણસો પહેલા સારું કામ કરતા હતા. હવે એમને જાણે પૈસા કમાવાની ચિંતા જ નથી. કાઈ કહીએ તો કામ છોડીને જતા રહે. આ બધું થવાનું કારણ પહેલા સમજાતું ન હતું. પણ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે એમની પાસે કોઈ એવો સોર્સ ઉભો થયો છે જે એમને કામ ન કરવા માટે પ્રેરે છે. હમણાં એક માણસે ચોરી કરી. એ પકડાઈ ગયો એટલે એણે અમને સમજાવ્યું કે જરૂર પડે તો માણસ ચોરી કરે પણ ખરો. આખી દુનિયા ચોરી કરે છે. આ તો હું પકડાયો. બાકી તમને ખબર પણ ન પડત. એના મોઢા પર કોઈ ગ્લાની ન હતી. હવે અમે પેકેજીંગનું મશીન વસાવવાના છીએ. મારા બાપુજી રોજગારના આગ્રહી હતા. પણ હવે એ પણ માની ગયા છે. શું અમે ખોટું વિચારીએ છીએ?

જવાબ: આપણો ધર્મ કર્મ આધારિત છે. કર્મ એટલે કાર્ય નહિ. પણ એ સમજણ ઓછી થઇ ગઈ છે. કર્મને ખોટી રીતે સમજવા વાળા કોરોનામાં બચી ગયા બાદ કર્મમાંથી વિશ્વાસ ખોઈ ને વિચારવા લાગ્યા. માનવ મન જે રીતે બદલાઈ રહ્યું છે એ ખરેખર આઘાતજનક છે. તમે કોઈને રોજગાર આપીને મદદ કરતા હતા તે સારું જ હતું. પણ ઘર બાળીને જાત્રા ન જ થાય. મશીનમાં ઉર્જા નથી હોતી. પણ ચોરી કરવાના માનસ સાથે કામ કરતી વ્યક્તિ કરતા મશીન વધારે સારા ગણાય. જયારે અગ્નિનો દોષ હોય ત્યારે ચોરીનો ભય રહે. તમારી જગ્યાના અગ્નિ ખૂણામાં બે ફૂલ દાડમ ના છોડ વાવી દો. દર ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજી લો.

સવાલ: મારા પડોશીઓ ખુબ ખરાબ છે. કોઈ વાસ્તુ દોષ હોય તો આવું થાય?

જલાબ: જયારે બે મકાનના દરવાજા સામસામે આવતા હોય અને એકજ દીવાલ પર બે અલગ અલગ ઘરના દરવાજા આવતા હોય ત્યારે એ બંને મકાનમાં રહેતી વ્યક્તિઓને ઓછુ બને. તમારા દરવાજાની બારશાખની બંને બાજુએ બે ઇંચના અરીસા લગાવી દો. ફર્ક લાગશે.

સુચન: એક જ દીવાલ પર બે દરવાજા બાજુ બાજુમાં આવતા હોય તો એ નકારાત્મક ગણાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)