વાસ્તુ: સોસાયટીમાં ઉત્તરનો અને અગ્નિનો દોષ ઝઘડા કરાવે

વરસો પહેલા જે ભારતીય વાર્તાઓ પ્રચલિત હતી એ નિર્ભયતાના પાઠ સમજાવતી હતી. કોઈ પણ વ્યક્તિની અંદર ઈશ્વરનો વાસ છે એટલી સમજણ હતી એટલે પરસ્પર સન્માનના સંબંધ હતા. બાળકો બહાદુરીની વાત શીખતા એટલે આત્મસન્માનને સમજતા. ખુમારી સમાજનો ગુણધર્મ હતો. અચાનક પરીકથાઓ આવી. જેમાં એક રાજકુમારી કોઈ રાજકુમારની રાહમાં તકલીફો વેઠતી રહે. પોતાના અધિકાર માટેની લડાઈ ભુલાતી જાય છે. કોઈ અવતાર આવશે અને બચાવશે એવી માન્યતા અન્ય કોઈ યુગમાં હતી? જો દરેક આત્મા એ પરમાત્માનો અંશ છે તો દરેક વ્યક્તિ પોતેજ એક અવતાર ગણાય ને?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીના કેટલાક લોકો એવું માને છે કે એ લોકો દેશની સરકાર ચલાવે છે. વાતવાતમાં એવું કહે છે કે અમે તો નેતાઓ પાસેથી શીખીએ છીએ. પૈસા ભર્યાની રસીદ હોય તો પણ એવું કહે છે કે તમે પૈસા આપ્યા છે એનો પુરાવો લાવો. રોકડા પૈસાનો પુરાવો ક્યાંથી હોય? ઓફિસમાં કોઈ રજૂઆત કરવા જઈએ તો અપમાન કરે છે. એ લોકોના સમાજના લોકો વધારે છે. એટલે ગુજરાતીઓને દબાવવા પ્રયાસ કરે છે. જનરલ મીટીંગમાં પાંચ મિનીટ પહેલા દરવાજા બંધ કરીને બહાર બાઉન્સર ઉભા કરી દીધા. અન્ય લોકોએ પોલીસ બોલાવી તો પેલા બાઉન્સરોએ એમને પણ ન જવા દીધા. કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરે છે. એને વાતવાતમાં મોટા નેતાઓના નામની ધમકી આપે છે. શું કોઈ વાસ્તુ દોષ હોય તો આવી કંસ નીતિ ભોગવવી પડે? કેટલા બધા સમયથી સોસાયટીમાં પ્રોપર્ટીના ભાવ પણ નથી વધ્યા. એનું એક કારણ એવું પણ લાગે છે કે સોસાયટીના જ કેટલાક લોકો જેવી માહિતી મળે કે પ્રોપર્ટી વેંચવાનો છે. એની આસપાસ ફરીને ઝઘડા કરે, કચરો ફેંકે, અફવા ફેલાવે. એટલે એ પોતે સસ્તામાં લઇ શકે.

મને વિશ્વાસ છે કે સરકાર આવું ક્યારેય ન કરે. એ જનતાનો વિચાર કરે. અને એમને કોઈ નેતા ઓળખતા હોય તો ક્યારેક તો એ દિલ્હીથી અમારી સોસાયટીમાં આવે ને? કોઈ નેતાને અમારી સોસાયટીના રાજકારણમાં રસ પણ શું હોય? મુખ્ય સમસ્યા એ છે કે બધા ડરીને બેઠા છે. માનસિક નપુંસકતાના લીધે બધા માત્ર બળાપો કાઢે છે. કોઈ બોલવા તૈયાર નથી.

જવાબ: તમારી વાત સાચી છે. જ્યાં વ્યક્તિ પોતાની લડત લડવા તૈયાર નથી ત્યાં આવા તત્વો ફાવવાના જ છે. આપણી બાજુના દેશમાં જ હકની લડાઈમાં કેટલા બધા લોકો શહીદ થઇ ગયા? કોઈક હિંમત કરે તો સારું વિચારવામાં આવા લોકો સાથે આખી જિંદગી કાઢવી પડે છે. વળી સોસાયટીમાં રાજકારણ? જ્ઞાતિવાદ કોઈ પણ સમાજને તોડવા સક્ષમ છે. એને વધારવામાં બધાનું નુકશાન થશે. તમારી સોસાયટીમાં ઉત્તરનો અને અગ્નિનો દોષ છે. જેના લીધે આ બધું શક્ય છે. જ્યાં સુખ ન હોય ત્યાં ન રહેવાય. જો સારી જગ્યા મળતી હોય તો ત્યાં શિફ્ટ થઇ જાવ. જો આવા માફિયા આસપાસ હશે તો ભાવ હજુ પણ ઘટશે.

સવાલ: ભારતમાં છીએ એટલે ચાલે. આવું કોઈ કહે તો મનમાં ઝાળ લાગે છે. મારા દાદા સ્વાતંત્ર સેનાની હતા. મારા વડસસરા ગામના પ્રમુખ હતા. એટલે ભારતને વિવધ સંજોગોમાં જાણવાનો મોકો મળ્યો છે. એક એનરોઇડ ફોનની ખુબ જાણીતી બ્રાન્ડનો ફોન મેં ખરીદ્યો હતો. એની વોરન્ટીમાં અચાનક એમાં નેટવર્ક આવતું બંધ થઇ ગયું. સર્વિસ સ્ટેશન પણ લઇ ગયા તો કશું પૂછ્યા વિના એમણે ફોન ફોરમેટ કરી દીધો. મારો બધો ડેટા જતો રહ્યો. પછી મને કહ્યું કે તમારું સીમ ખરાબ છે. મેં નવું સીમ લીધું એમાં એક દિવસ ગયો. પછી રવિવાર આવતો હતો. ચોથા દિવસે એમણે ફોન લઈને એનો સ્ક્રીન ઉડાડી દીધો. હવે કહે છે કે વોરંટી પૂરી થવાને માત્ર ત્રણ દિવસ બાકી છે. એટલે અપ્રુવલ આવતા સુધીમાં એ પતિ જશે. એટલે ચાલીસ હજારથી પણ વધારે રૂપિયા મારે વોરંટી પીરીયડ હોવા છતાં આપવા પડે. મેં મેનેજર સાથે વાત કરવાની ઈચ્છા કરી. તો એમેણે કહ્યું કે મેનેજર સાંજે ચાર વાગ્યા પછી જ મળે. અને એ ન આવે તો કાલે આવવાનું. મારી પાસે મારો ફોન ચાલતો હતો એનો વિડીયો છે.

વળી જે લોકોને એ કંપની એન્જીનીયર કહે છે એ તો બારમું પાસ નીકળ્યો. આવા એન્જીનીયર ક્યાંથી બહાર પડે છે? કોઈ કંપની કહે કે આ એન્જીનીઅર છે એટલે આપણે માની લેવાનું. એમના સ્ટોરમાં ફોન કર્યો તો એ કહે છે કે અમે માત્ર વેંચાણ કરીએ છીએ. અમારું કામ પતિ ગયું. હવે સર્વિસ વાળા જાણે. અમે બે અલગ છીએ. અને પછી બોલ્યા કે ભારતમાં તો આવું ચાલવાનું જ. મને આ વાક્ય સહુથી ખરાબ લાગ્યું. સાચે જ મન ભારે થઇ ગયું છે. પોતાના દેશ માટે આવું બોલતા શરમાતા પણ નથી. પોતે ખરાબ કરે છે અને દેશને દોષ દે છે. શું કરવું જોઈએ?

જવાબ: સહુથી પહેલા તો તમારો અનુભવ પુરાવા સાથે કંપનીના ઓફિસિયલ ઈમેઈલ પણ મોકલો. વોરંટી પીરીયડ પૂરો થવામાં છે. એટલે એ સમય કાઢી રહ્યા હોય એવું બને. એક કાગળ જે તે સર્વિસ સ્ટેશનમાં આપી અને સિક્કો મારીને એની કોપી લઇ લો. અન્ય લોકોને કંપનીની બ્રાંડ કહીને તમારો અનુભવ કહો. જેના કારણે અન્ય કોઈ છેતરાય નહિ. તમે જે વિડીયો લીધી છે એ સાચવી રાખો.

સાચે જ નવા વિચારો ધરવતા લોકો પોતે છેતરીને દેશને બદનામ કરે છે એ દુખદ છે જ. આવા લોકો દરેક દેશમાં હશે. ધીમે ધીમે સ્વાર્થી વૃત્તિ વધી રહી છે. ઉગ્રતા દર્શાવ્યા વિના શાંતિથી આખી વાતની રજૂઆત કરતા રહો. એ લોકો ઈચ્છશે કે તમે થાકીને છોડી દો. તમે નહિ થાકો તો એમને પરિણામ આપવું પડશે. સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો. ચોક્કસ તમે નિર્ણય તરફ જઈ શકશો.

સુચન: જો સોસાયટી ચેરમેન ઈશાનમાં બેસતા હોય, તો તેની જીદના કારણે સોસાયટીના વાતાવરણ પર અસર પડે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)