વાસ્તુ: ઇશાન અને અગ્નિનો દોષ વિચારોમાં સ્વાર્થીપણું લાવે

આકાશમાં ઉડતા પતંગ જ્યાં સુધી ઉડ્યા કરે એ આકાશને રંગીન બનાવે છે. પણ જ્યાં પેચ લડાવવાનું શરુ થાય ત્યારે પતંગ ઓછા થવા લાગે અને બુમાબુમ વધી જાય છે. શું પેચ લડાવ્યા વિના પણ પતંગ ન ચગાવી શકાય? આવું જ આપણે જીવન માટે પણ વિચારી શકીએ. ભાત ભાતના લોકો એક બીજાની સાથે સુમેળ સાધીને રહેતા હોય તો સુખમય વાતાવરણ સર્જાય છે. પણ જેવા પેચ જામે કે પછી?

જીવનમાં આનંદ ચોક્કસ હોવો જોઈએ પણ મોજશોખ અને મહેચ્છાઓ જાગે ત્યારે તકલીફો દેખાવા લાગે છે. સરળ અને સહજ રહેવામાં જે મજા છે તે દેખાડો કરવામાં નથી જ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આ વિશ્વનું શું થશે? મોંઘવારી વધી રહી છે. વિવિધ દેશો કારણ વિના લડી રહ્યા છે. ટેક્ષ વધી રહ્યા છે. વિશ્વની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. લોકો એક બીજા પરનો વિશ્વાસ ખોઈ રહ્યા છે. કારણ વિનાની લડાઈઓ થઇ રહી છે. જો આવું ને આવું ચાલ્યું તો વિશ્વ ખતમ થઇ જશે.

મારી ઉમર ચાલીસ વરસની છે. હું એક કોન્ટ્રાક્ટર છુ. કામ ઓછુ થઇ ગયું છે. લોકો પૈસા આપતા નથી. ઈન્ટરનેટનો વ્યાપ વધતા લોકો હવે જાણકાર બની રહ્યા છે. એમને છેતરવા અઘરા થઇ રહ્યા છે. જેવું કશુક પકડાય એટલે સીધા પૈસા અટકાવી દે. ચોરી કોણ નથી કરતુ? તો પછી માત્ર મારા કામમાં જ કેમ આવું?

એક ઘરમાં કલર કરવાનો કોન્ટ્રાક્ટ લીધેલો. પૈસા લીધા પછી એક દિવસ કામ કરીને મેં ફોન બંધ કરી દીધો. બે વરસ પછી એમણે ફરી બોલાવ્યો. મેં ફરી એડવાન્સ લીધા. મને આખી રાત ઘરે ન જવા દીધો. મેં કલરની ડોલ બદલીને સસ્તો કલર નાંખવા પ્રયાસ કર્યો તો પકડાઈ ગયો. હવે પાર્ટી કહે છે કે આગળના પૈસા હિસાબમાં ગણવા પડે. બે વરસ પહેલાની વાત થોડી યાદ રખાય? આમ તો હજુ મારે પાંચ હજાર આપવાના થાય. પણ એવો જુનો હિસાબ ગણીએ તો ખાઈએ શું? મારી દ્રષ્ટીએ મેં કશું ખોટું નથી કર્યું. તો પછી પાર્ટી આવું કરે એ યોગ્ય કહેવાય? મારા ફસાયેલા નાણા પાછા મળે એના માટે શું કરવું જોઈએ?

જવાબ: તમે ખુબજ હોંશિયાર માણસ છો. વિશ્વની આર્થિક વ્યવસ્થાને તમારી વાત સાથે કોઈ લેવાદેવા નથી. તમારે ખોટું કરીને પૈસા કમાવા છે. જે ન મળે એટલે તમને તકલીફ થાય છે. કોઈ તમારી સાથે આવું કરે તો તમને કેવું લાગે? તમે બે વરસ પહેલા કોઈને છેતરીને પૈસા લીધા હતા. તો એ વ્યક્તિનો અધિકાર છે કે એ તમારી પાસે પૈસા પાછા માંગે. તમે મટીરીયલ બદલી નાખ્યું એ ખોટું નથી? વળી પાર્ટીને જો તમને હેરાન જ કરવા હોત તો એ પોલીસ કેસ કરત. તમે છેતરીને ધંધો કરો તો એનું આયુષ્ય ઓછુ જ રહેવાનું. નીતિથી કરેલું કામ લાંબુ ચાલે. તમારી એક સારી છાપ ઉભી કરો. પછી જુઓ કામ એની મેળે આવશે. વિશ્વની ચિંતા છોડી અને પોતાની ચિંતા કરો. તમારા ઘરના ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. સારા વિચારો આવશે.

સુચન: ઇશાન અને અગ્નિનો દોષ સાથે મળીને વિચારોમાં સ્વાર્થીપણું લાવે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)